પસંદગીના નંબર મેળવવા કચ્છથી આણંદ સુધીનો RTO કૌભાંડ ફરી ચર્ચામાં
આરટીઓ અધિકારીઓએ જ ચેસિસ નંબરમાં ચેડાં કર્યાઃ કચ્છ બાદ આણંદમાં પસંદગીનો નંબર ન મળ્યો; રૂપિયા સલવાયા : કચ્છના વાહનમાલિકને આણંદ આરટીઓમાં કડવો અનુભવ : આણંદના બહુચર્ચિત કૌભાંડકારી એઆરટીઓ અધિકારીઓની ટુકળી વધુ એક વખત આવી વિવાદમાં : કચ્છ સંલગ્ન ગેરરીતિનો આણંદમાં ભાંડાફોડ થતા ભુજ, અંજાર આરટીઓ આલમમાં પણ આંતરીક રીતે ફેલાઈ મોટી હલચલ :
ત્રણ વર્ષ જૂનો કેસ છે, જેમાં ભુજ આરટીઓ કચેરીએ પારદર્શીતાપૂર્વક કામગીરી સંપન્ન કરી વાહન માલિકને રીફંડ પણ ચુકવાઈ ગયું છે, બાકીની પ્રક્રિયા આણંદ કચેરીમાં આદરાઈ હશે, ભુજ કચેરીને તેનાથી કંઈ લેવા દેવા નથી : શ્રી વાઘેલા (આરટીઓ, પશ્ચિમ કચ્છ)’
ગાંધીધામ : નવું વાહન છોડાવીને અધધ રૂપિયા ખર્ચવાની તૈયારી સાથે મનપસંદ નંબર મેળવતા લોકોને સાવધાન કરાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કચ્છમાં રહેતા એક વાહનમાલિક પોતાની કાર માટે પસંદગીનો નંબર મેળવવા માટે ૪૪૦ કિલોમીટર દૂર છેક આણંદ સુધી દોડતા થયા પરંતુ બે અધિકારીઓની કરતૂતના કારણે મુશ્કેલીમાં મુકાયા હોવાનો આરોપ લાગ્યો છે. આ કેસની ફરિયાદ છેક વાહન વ્યવહાર કમિશનર સુધી પહોંચી છે. નિવૃત્ત આરટીઓ અધિકારીએ આવું કૌભાંડ અગાઉ પણ થયું હોવાના સંકેત આપ્યા છે.તહેવારો દરમિયાન ઘણા લોકો નવા વાહનો ખરીદતા હોય છે. ગુજરાતમાં ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય તેની કિંમતના ૬ ટકા ટેક્સ પેટે સરકાર દ્વારા વસૂલવામાં આવે છે. તમામ રકમ ચૂકવાયા પછી જો વાહનમાલિકને પસંદગીનો નંબર મેળવવાનો ન હોય તો નવા નિયમ મુજબ ડિલર જ તમામ દસ્તાવેજોની કાર્યવાહી કરીને રજિસ્ટ્રેશન નંબરની વ્યવસ્થા કરી આપે છે.
જો વાહન માટે પસંદગી નંબર મેળવવાના હોય તો જરૂરી ફી ભરવાની રહે છે. ત્યારબાદ જે તે વાહનને ટેમ્પરરી નંબર આપવામાં આવે છે. ટેમ્પરરી નંબર મળ્યાના ૩૦થી ૬૦ દિવસમાં પસંદગીના રજિસ્ટ્રેશન નંબર માટેની હરાજીમાં ભાગ લઈને નંબર મેળવવાના રહે છે. અગાઉ પસંદગીનો નંબર મેળવવામાં ભ્રષ્ટાચાર થતો હતો. એટલે વાહન વ્યવહાર વિભાગ ગોલ્ડન અને સિલ્વર એ બે પ્રકારે પસંદગીના નંબર અલગ તારવીને હરાજી કરે છે. આ માટે વાહનમાલિકો પણ લાખો રૂપિયા ખર્ચે છે.કચ્છમાં રહેતા એક વ્યક્તિએ પોતાની ઇનોવા કાર માટે ૧૦૦ નંબર મેળવવો હતો. તેમણે ભૂજ આરટીઓમાં પ્રયાસ કર્યા પરંતુ ત્યાં આ નંબર ઉપલબ્ધ ન હતો. એટલે તેમણે ગુજરાતની વિવિધ આરટીઓમાં તપાસ કરી. ત્યારે કોઈ ઓળખીતા મારફતે આણંદમાં તેમની પસંદગીનો નંબર ઉપલબ્ધ હોવાની માહિતી મળી હતી. જેથી વાહનમાલિકે આણંદ આરટીઓના અધિકારીનો સંપર્ક કર્યો હતો. જરૂરી તમામ ડોક્યુમેન્ટ આપીને નિયમ પ્રમાણે નંબર મેળવવા માટે અરજી કરી હતી. આ અરજીને લગભગ ૬ મહિનાનો સમય પસાર થઈ ગયો. છતાં વાહનમાલિકને પોતાની પસંદગીનો રજિસ્ટ્રેશન નંબર ૧૦૦ મળ્યો ન હતો. છેલ્લે આરટીઓમાંથી ૯૧૫૬ નંબરની ફાળવણી થઈ હતી. પરંતુ આ સાથે જ એક કૌભાંડની ગંધ આવી. જેમાં આણંદની એઆરટીઓ કચેરીના તત્કાલીન મોટર વાહન નિરીક્ષક ઋત્વિજાબેન દાણી અને તત્કાલીન આરટીઓ ઇન્સ્પેક્ટર ઉત્સવ ત્રિવેદીની સંડોવણી હોવાના આરોપ લાગ્યા છે. બીજીતરફ આ પ્રકરણમાં પશ્ચિમ કચ્છ આરટીઓ શ્રી વાઘેલાને પુછતા તેઓએ કહ્યું હતું કે, આ પ્રકરણ મારા અહીં ચાર્જ સંભાળ્યા પહેલાનું છે. ઉપરાંત પણ જયાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી આ કેસમાં વાહન માલીક પસંદગીના નંબર મેળવવાની પ્રક્રિયામાં ભાગ લીધેલ નંબર ન લાગતા નિયમોનુસાર આ કચેરીએથી તેઓને રકમ રીફંડ આપી દેવાયેલ છે. એટલે ભુજ કક્ષાએ આ કેસમાં પારદર્શીકતા પૂર્વક કાર્યવાહી કરાઈ છે. આણંદમાં થયેલ પ્રક્રિયાથી ભુજ કચેરીને કંઈજ લેવા દેવા ન હોવાનું શ્રી વાઘેલાએ ઉમેર્યું હતું.
.............................
તમે ભરેલા ટેક્સનું ભૂજ આરટીઓમાંથી કન્ફર્મેશન મળતું નથી : આણંદના કૌભાંડી એઆરટીઓ ઉત્સવ ત્રિવેદીનું ડીંડક
’
ગાંધીધામ : અગાઉના સમયે નવું વાહન છોડાવ્યા પછી વાહનમાલિક આરટીઓમાં ટેક્સ ભરે, ઇન્સ્પેક્ટરને ફોર્મ આપે એમાં જે ચેસિસ નંબર, એન્જિન નંબર લખેલો હોય અને વાહન પરનો નંબર હોય એની ચકાસણી કરે. ત્યાર બાદ આ બધું બરાબર હોય ત્યારે ફોર્મ નંબર-૨૧ એઆરટીઓને મોકલે. છેલ્લે એઆરટીઓ વાહનના નંબર રજિસ્ટ્રેશન માટે ઓર્ડર કરે.
આણંદ આરટીઓના અધિકારી ઉત્સવ ત્રિવેદીએ જે તે સમયે વાહનમાલિકને કહ્યું હતુ કે તમે ભરેલા ટેક્સનું ભૂજ આરટીઓમાંથી કન્ફર્મેશન મળતું નથી. જેથી ફરીથી ટેક્સ ભરવો પડશે. ત્યાર બાદ તમને ભૂજ આરટીઓથી અગાઉ ભરેલા ટેક્સની રકમ પાછી મળી જશે. એટલે વાહનમાલિકે ૯ માર્ચ, ૨૦૧૮ના રોજ ફરીવાર ૧,૧૯,૪૨૫ રૂપિયા ટેક્સ ભર્યું હતું. આ ઉપરાંત પસંદગીના નંબર માટેના ૫ હજાર રૂપિયા ભર્યા હતા. પરંતુ ૫૬૯૧ની જગ્યાએ આણંદ આરટીઓમાંથી ૯૧૫૬ નંબર આપવામાં આવ્યો હતો.
વાહનમાલિકે પોતે પસંદ કરેલા બેમાંથી એકપણ રજિસ્ટ્રેશન નંબર તો ન જ મળ્યો. આ ઉપરાંત ભૂજમાં ટેક્સ પેટે ભરેલા રૂપિયા પણ અટવાઈ ગયા હતા. તેમણે આ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું કે એક જ ચેસિસ નંબર નાખવામાં આવે તો કોમ્પ્યુટર સોફ્ટવેર સ્વિકારે નહીં. એટલે આણંદના અધિકારી દ્વારા ચેસિસ નંબર સાથે ચેડાં કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં નવા વાહનમાં ગિરિરાજ, બાકરોલના સરનામે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેના માટે વાહન સોફ્ટવેરમાં ઇનવર્ડ કરી ચેસિસ નંબરમાં આગળ ૦ (શૂન્ય) નંબર લગાવી દીધો હતો.
....................
ચેસીસ નંબરમાં ચેડાં કરી આચરાયું કૌભાંડ : જી.એમ. પટેલ (નિવૃત્ત મોટર વાહન નિરીક્ષક)
૭મી ઓક્ટોબર ૨૦૨૪નો અધિક મુખ્ય સચિવને રોજ લખાયેલ પત્રમાં છે કૌભાંડ આચર્યાની રીતીનીતિનો ઘટસ્ફોટ
ગાંધીધામ : આ પ્રકરણમાં નિવૃત્ત મોટર વાહન નિરીક્ષક જી.એમ.પટેલે વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવને ઉદ્દેશીને ૭મી ઓક્ટોબર ૨૦૨૪ના રોજ પત્ર લખ્યો હતો. જી.એમ.પટેલે જણાવ્યું, આ સ્પેશિયલ કેસમાં ખોટું કરવા માટે એક જ દિવસ માટે રજિસ્ટ્રેશન માટે આસિસ્ટંટ ઇન્સપેક્ટરને સત્તા આપવામાં આવી હતી. અગાઉ ભૂજમાં વાહનનો ટેક્સ ભરાઈ ચૂક્યો હતો એટલે એક જ ચેસિસ નંબર પર બે વખત રજિસ્ટ્રેશન ન થાય. એટલે ચેસિસ નંબરમાં ચેડાં કરીને આગળ શૂન્ય લગાવીને રજિસ્ટ્રેશન કર્યું. ત્યાર બાદ હાલનો નંબર આપ્યો હતો.
તેમણે વધુમાં કહ્યુ, આ હકીકતની મને જાણ થઈ એટલે મેં વાહન કમિશનરને અરજી કરી હતી. વાહનમાલિકે ભૂજ અને આણંદ એમ બે જગ્યાએ ટેક્સ ભર્યો હતો. એટલે ટેક્સ રિફંડ ન થતાં એમણે પણ કમિશનર કચેરીમાં ફરિયાદ કરી હતી. એટલે તત્કાલીન વાહન કમિશનરે અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરવા, ખાતાકીય તપાસ માટે ઓક્ટોબર, ૨૦૨૧માં દરખાસ્ત કરી હતી. છતાં આજદિન સુધી ફરિયાદ દાખલ થઈ નથી. આણંદ આરટીઓના બન્ને અધિકારી આર.પી.દાણી અને ઉત્સવ ત્રિવેદીને ૩ નોટિસ પણ વાહન કમિશનરે આપી હતી. છતાં તેમણે એકનો પણ જવાબ આપ્યો નથી.
આ રજૂઆતના પગલે વાહન વ્યવહાર કમિશનર કચેરીના ખાસ ફરજ પરના અધિકારીએ આણંદના સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી જણાવ્યું, તમને પુરતો સમય આપવામાં આવ્યો હતો. તેમ છતાં આપના તરફથી વાહનનું ઇ-ફોર્મ સમયમર્યાદામાં રજૂ કરવામાં નિષ્ફળ ગયા છો. આ અંગે ૧૦ દિવસમાં વિગતવાર ખુલાસો કરવા તાકીદ કરી હતી. સાથોસાથ રેકર્ડ સાચવવાની જવાબદારી જેની હોય તેવા જવાબદાર કર્મચારી, અધિકારી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો હતો.
..............
વિવાદીત કાર્યકાળ ધરાવતા ઋત્વિજા - ઉત્સવ ફરી ચકચારમાં
ગાંધીધામ : ઋત્વિજાબેન દાણી હાલ ગાંધીનગર સ્થિત રોડ એન્ડ સેફ્ટી વિભાગમાં રિજિયોનલ ઇન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે પ્રતિનિયુક્તિ પર છે. તેઓ જ્યારે આણંદ આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા હતા ત્યારે ઓફિસમાં ગયા વગર કે કામ કર્યા વગર પગાર લીધો હોવાના આક્ષેપ થતાં વિવાદ સર્જાયો હતો. આ કિસ્સામાં પણ હજુ કોઈ કાર્યવાહી થઈ નથી. ત્યાં વળી તેમણે તાબાના અધિકારીને ખોટી રીતે એક દિવસ માટે વાહનની ડેટા એન્ટ્રી કરવાની કામગીરી સોપીને ચેસિસ નંબર સાથે ચેડાં કરવાનો આરોપ લાગ્યો છે. ગંભીર આરોપોથી ઘેરાયેલા આણંદ આરટીઓ કચેરીના બીજા અધિકારી ઉત્સવ ત્રિવેદી પણ અન્ય એક કેસમાં સસ્પેન્ડ થયેલા છે. તેમના પર ૫ હજાર નકલી લાયસન્સ બનાવવાના આરોપ લાગ્યા હતા. લાઇસન્સ લેવા આવતી વ્યક્તિઓની ઇન્ટનેશનલ કોમ્પ્યુટરમાં કોઇ એન્ટ્રી પાડ્યા વિના જ માત્ર સ્થાનિક ચોપડે નોંધ લઇને ઇન્ટનેશનલ લાઇસન્સ ઈશ્યૂ કરી દેવામાં આવતા હતા. તપાસ કરતાં આણંદ આરટીઓ કચેરીના આસિસ્ટન્ટ ઈન્સ્પેકટર પી.કે.પટેલ, ઉત્સવ ત્રિવેદી, હેડ કલાર્ક ઇલા દેસાઈની સંડોવણી ખુલતાં ત્રણેય કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હતા. હવે, ઋત્વિજાબેન દાણી અને ઉત્સવ ત્રિવેદીનું નામ ફરી એકવાર ચર્ચામાં છે. આ બન્ને અધિકારીઓએ ચેસિસ નંબર સાથે ચેડાં કરીને કોને અને શા માટે ફાયદો કરાવ્યો છે, તેમને કોણ બચાવી રહ્યુ છે, એ પણ ગંભીર સવાલો છે.
.....................
ઇ-ફોર્મ શોધવાની કામગીરી હજુય ચાલુમાં
ગાંધીધામ : વાહનમાલિકે આ ગેરરિતી બાબતે રાજ્યના વાહન વ્યવહાર કમિશનર સહિત ગૃહમંત્રી, મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. બીજી તરફ ભૂજમાં તેમણે ટેક્સની રકમ પરત મેળવવા માટે અરજી કરી હતી. જેથી તેમને એ રકમ રિફંડ થઈ ગઈ છે. આજે પણ તેઓ ૯૧૫૬ નંબરથી કાર હંકારી રહ્યાં છે. આણંદ આરટીઓમાં થયેલી ગેરરીતિની ફરિયાદ વાહનવ્યવહાર કમિશનર સુધી પહોંચતા તેમણે આદેશ આપ્યા હતા. જેના પગલે ખાસ ફરજ પરના અધિકારીએ આણંદના સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી પાસે વાહનનું ઓરિજનલ ઇ-ફોર્મ ત્રણ દિવસમાં રજૂ કરવા આદેશ આપ્યો હતો. જેના જવાબમાં આણંદની આરટીઓ કચેરીએ જવાબ પાઠવ્યો હતો કે ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૧થી ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૧ના સમયગાળામાં રજાના દિવસે ઇ-ફોર્મ શોધવા માટેની કામગીરી સોંપવામાં આવી હતી. પરંતુ ઇ-ફોર્મ મળતું નથી. ઇ-ફોર્મ શોધવાની કામગીરી ચાલુ છે.

Comments