સરહદી કચ્છમાં પરપ્રાંતિયોની વસતી વધતા ગંભીર પ્રકારના ગુનાઓનો ઉંચકાયો ગ્રાફ
જો...જો... ક્યાંક દેશની સુરક્ષા મુદ્દે ન થાય ગંભીર ચૂક
જિલ્લાએ ઔદ્યોગિક અને વાણિજ્ય ક્ષેત્રે ખૂબ વિકાસ કર્યો છે ત્યાં બીજી તરફ જિલ્લામાં ગુનાખોરીનો ગ્રાફ પણ છેલ્લા બે દાયકા દરમ્યાન ઉંચકાયો : દારૂ, જુગાર અને ડ્રગ્સ જેવા દુષણો વધવા સાથે હત્યા, દુષ્કર્મ, લૂંટ, ચોરી જેવા બનાવોમાં પણ ચિંતાજનક હદે આવ્યો ઉછાળ : પરપ્રાંતિયોની વસતી વધતા ક્રાઈમ રેટમાં થયો વધારો
પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા પરપ્રાંતિય મજૂરોનું રજિસ્ટર ન નિભાવનાર કોન્ટ્રાક્ટરો સામે થયેલી કાર્યવાહી બાદ ફરી આ મુદ્દો બન્યો લોકચર્ચાનું કેન્દ્ર : અવિરત વિકાસના પગલે કુશળ, અર્ધકુશળ અને અકુશળ કારીગરોની વધી માંગ : મોટાભાગના લેબર કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓ જિલ્લા બહારની હોવાથી કચ્છમાં પરપ્રાંતિય કામદારો અને શ્રમિકોની વધી સંખ્યા : અન્ય રાજ્યોમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંડોવાયેલા અસામાજિક તત્ત્વો પણ લેબર કોન્ટ્રાક્ટરો મારફતે કચ્છમાં કરી ગયા છે પગપેસારો
ભુજ : વર્ષ ર૦૦ર૧માં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ સરહદી કચ્છ જિલ્લામાં ઔદ્યોગિક અને વાણિજ્ય ક્ષેત્રે ખૂબ વિકાસ થયો છે. દેશના બે મોટા મહાબંદરો ધરાવતા કચ્છ જિલ્લામાં અનેક નાના-મોટા ઔદ્યોગિક એકમો ધમધમતા થયા છે. આ સાથે જ વિન્ડ એનર્જી અને સોલાર એનર્જી ક્ષેત્રે પણ કચ્છ જિલ્લો દેશમાં ગ્રીન એનર્જી ક્ષેત્રે રોડ મોડેલ બન્યો છે. જ્યાં એક તરફ જિલ્લાએ ઔદ્યોગિક અને વાણિજ્ય ક્ષેત્રે ખૂબ વિકાસ કર્યો છે ત્યાં બીજી તરફ જિલ્લામાં ગુનાખોરીનો ગ્રાફ પણ છેલ્લા બે દાયકા દરમ્યાન ઉંચકાયો છે. દારૂ, જુગાર અને ડ્રગ્સ જેવા દુષણો વધવા સાથે હત્યા, દુષ્કર્મ, લૂંટ, ચોરી જેવા બનાવોમાં પણ ચિંતાજનક હદે ઉછાળ આવ્યો છે. જિલ્લામાં પરપ્રાંતિયોની વસતી કૂદકે ને ભૂસકે વધી છે, જેના કારણે ક્રાઈમ રેટમાં વધારો થયો છે તેવું જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો જણાવી રહ્યા છે.તાજેતરમાં પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા પરપ્રાંતિય મજૂરોનું રજિસ્ટર ન નિભાવનાર કોન્ટ્રાક્ટરો સામે થયેલી કાર્યવાહી બાદ ફરી આ મુદ્દો લોકચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કચ્છ જિલ્લામાં નવા ઔદ્યોગિક એકમો શરૂ થયા બાદ અને બંદરીય સહિત ક્ષેત્રમાં થયેલા અવિરત વિકાસના પગલે કુશળ, અર્ધકુશળ અને અકુશળ કારીગરોની માંગ વધી છે. ઉદ્યોગજૂથો પોતાની જરૂરિયાત અનુસાર મેનપાવર મેળવવા માટે લેબર કોન્ટ્રાક્ટરો સાથે કરાર કરી પોતાના એકમ પર શ્રમજીવીઓને કામે રાખતા હોય છે. મોટાભાગના લેબર કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓ જિલ્લા બહારની હોવાથી કચ્છમાં પરપ્રાંતિય કામદારો અને શ્રમિકોની સંખ્યા વધી છે. લેબર કોન્ટ્રાક્ટરો ઓછા પગાર દરે દેશના વિવિધ રાજ્યોમાંથી શ્રમજીવીઓને કચ્છમાં લઈ આવતા હોય છે, જેમાં અન્ય રાજ્યોમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંડોવાયેલા અસામાજિક તત્ત્વો પણ લેબર કોન્ટ્રાક્ટરો મારફતે કચ્છમાં પગપેસારો કરી ગયા છે.
સરકારના નિયામનુસાર દરેક ઔદ્યોગિક એકમ કે વાણિજ્ય સંસ્થાએ પરપ્રાંતિય શ્રમજીવીઓનું અલગ રજિસ્ટર રાખવાનું હોય છે. આ ઉપરાંત પરપ્રાંતિયોને મકાન ભાડે આપનાર ઘર માલિકે પણ તેની જાણ સ્થાનિક પોલીસને કરવાની રહે છે. પોલીસ દ્વારા પણ બી રોલ ભરી પરપ્રાંતિયોના ગુનાહિત ઈતિહાસની ચકાસણી કરવાની રહે છે, પરંતુ જિલ્લામાં મોટાભાગના કિસ્સાઓમાં સરકારી નિયમની અનદેખી કરવામાં આવતી હોય છે તેવું જાણકારો જણાવી રહ્યા છે. કચ્છ જિલ્લામાં ભૂતકાળમાં સામે આવેલા કેટલાક બનાવોમાં અન્ય રાજ્યમાં ગંભીર ગુનાઓને અંજામ આપી અપરાધીઓ કચ્છમાં ઔદ્યોગિક એકમો પર કામ કરતા હોવાને ખૂલાસો થયો છે તેમ છતાં પોલીસ તંત્ર કે લેબર કોન્ટ્રાક્ટ એજન્સીઓ કે ઉદ્યોગજૂથો તરફથી તેને ગંભીરતાથી લેવામાં ન આવતા પરિસ્થિતિ ઠેરની ઠેર રહી છે. જિલ્લામાં સતત વધભી રહેલા ગંભીર પ્રકારના ગુનાઓ અને ઉંચકાયેલા ક્રાઈમ રેટ પાછળ અન્ય રાજ્યોમાંથી કચ્છમાં આવેલા ગુનાહિત ઈતિહાસ અને માનસ ધરાવતા તત્ત્વો કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કચ્છ એ સરહદી જિલ્લો હોવાના નાતે દેશની સુરક્ષા મામલે પણ જવાબદાર એજન્સીઓ સતર્કતા દાખવે તે ઈચ્છનીય છે. શ્રમજીવીઓના વેશમાં દેશની સુરક્ષાને હાનિ પહોંચાડી શકે તેવા તત્ત્વો કચ્છમાં આશ્રય મેળવી ન જાય તેની તકેદારી રાખવી અનિવાર્ય બની રહે છે. સ્થાનિક વહિવટી તંત્ર, પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ આ દિશામાં ગંભીરતાપૂર્વક ચોક્કસાઈ રાખી જિલ્લામાં વસવાટ કરતા પરપ્રાંતિયોના આવાગમન પર જરૂરી અંકુશ રાખે, પરપ્રાંતિયોને કામે રાખવાના કેસમાં કાળજીપૂર્વકની ચોક્કસાઈ રખાય તે ઈચ્છનીય છે તેવું પ્રબુદ્ધ નાગરિકો જણાવી રહ્યા છે.

Comments