Trending News
સ્થાનિક સમાચાર

ચુડવામાં પ્રોવિઝન સ્ટોરમાંથી ગેસના નાના-મોટા ૧પ બાટલા કબજે કરાયા

20 October




પૂર્વ કચ્છમાં ગેસ એજન્સીઓના બદલે જનરલ સ્ટોરમાં મળતા ગેસના બાટલાઓના ગેરકાયદે વેપલા સામે કાર્યવાહી જારી : ગેસ એજન્સીઓ ચુપકીદી સેવીને બેસી જતા સવાલો ઉઠયા : પુરવઠા વિભાગ પણ સુષુપ્ત અવસ્થામાં


ગેરકાયદે રીતે બાટલા રાખી મોટા ગેસના બાટલામાંથી નાના ગેસના બાટલામાં રીફલીંગ કરી ઉંચા ભાવે વેચાણ કરવામાં આવતું હોવાનો ખુલાસો



ગાંધીધામ : કોઈ સામાન્ય નાગરીકના ઘરે ગેસનો બાટલો પુરો થઈ જાય અને ફરી નોંધાવે તો માંડ બે - ચાર દિવસે તેના ઘરે બાટલો આવે, એજન્સીમાં  જાય તો રૂબરૂમાં બાટલો આપવાના બદલે તમારા ઘરે આવી જશે, તેવો જવાબ અપાય. ગેસનો બાટલો શોધવા માટે વ્યક્તિ મથામણ કરે અને તળિયા ઘસાઈ જાય પરંતુ આજ ગેસ એજન્સીઓની મીલીભગત અને પુરવઠા વિભાગના ભ્રષ્ટ અધિકારીઓના પાપે પૂર્વ કચ્છમાં ન માત્ર ગેસ એજન્સીઓ પરંતુ સામાન્ય પડીકા વેચતી જનરલ સ્ટોરની દુકાનોમાં પણ ગેસના બાટલા વેચાઈ રહ્યા છે. પાણીની બોટલો વેચાતી હોય તેમ ગેસના બાટલાનું વેચાણ કરવામાં આવે છે. એજન્સી મારફતે બાટલો બુક કરાવો તો હજાર રૂપિયા ચુકવવા પડે  અહીં બ્લેકમાં ૧પ૦૦ થી ર૦૦૦ ભાવ બોલાય છે. ખાસ કરીને પુર્વ કચ્છમાં પરપ્રાંતિયો રહેતા હોવાથી તેઓ આ પ્રમાણે બ્લેકમાં ગેસના બાટલા ખરીદી ભોજન બનાવે છે. નવું કનેક્શન લેવા માટે સ્થાનીકના આધાર પુરાવા જોઈએ. તેઓ રોજગારી મેળવવા માટે કચ્છમાં આવ્યા હોવાથી સ્થાનીકે નવા ડોકયુમેન્ટ બનાવવાની મથામણમાં પડવાને બદલે આ રીતે બ્લેકમાં ગેસના બાટલા ખરીદતા હોય છે. 
આ અંગે પોલીસ કાર્યવાહીની વાત કરીએ તો ગાંધીધામ - ભચાઉ નેશનલ હાઈવે પર ચુડવા સીમ વિસ્તારમાં વિનાયક કોમર્શીયલ કોમ્પલેક્ષમમાં દુકાન નં. ૮ માં દરોડો પાડવામાં આવ્યો હતો. જીણમાતા પ્રોવિઝન સ્ટોરમાં ગેસના બાટલા વેચવામાં આવતા હતા. અહીંના સંચાલક મુળ રાજસ્થાનના હાલ વરસામેડીમાં રહેતા શ્રવણકુમાર ત્રિલોકરામ ચૌધરી પાસે આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા. એસઓજી દ્વારા દુકાનમાં કરાયેલી તપાસમાં નાના મોટા ગેસના ૧પ બાટલા મળી આવ્યા હતા. જેમાં ઈન્ડિયન કંપનીના કોમર્શીયલ ગેસના ૧૯ કિલોની ક્ષમતાના ર ભરેલા બાટલા, ૧૪ કિલોની ક્ષમતાના ચાર બાટલા, પાંચ કિલોની ક્ષમતા ચાર બાટલા તથા રેગ્યુલેટર લાઈન સહિત ૩૪પ૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. દુકાનમાં ગેસના બાટલા ગેરકાયદે રીતે રાખ્યા હતા. પોતાના આર્થિક ફાયદા માટે મોટા ગેસના બાટલામાંથી નાના ગેસના બાટલામાં રીફલીંગ કરી ઉંચા ભાવે વેચાણ કરવામાં આવતું હતું. કોમર્શીયલ ગેસટના બાટલા રાખવા સંદર્ભે કોઈ સક્ષમ અધિકારી પાસેથી લાયસન્સ મેળવવામાં આવ્યું ન હતું. સંભવીત જોખમ સામે પુરતો બચાવ રહે તેવા કોઈ સાધનો કે ઉપકરણોની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. દુકાનમાં આવતા જતા ગ્રાહકો તથા પોતાની જિંદગી જોખમમાં મુકાય તેવું કૃત્ય કરવામાં આવતા એ ડિવિઝન પોલીસમાં આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો દાખલ કરાવી એસઓજીએ આગળની તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં એસઓજી પીઆઈ ડી. ડી. ઝાલા, પીએસઆઈ વી. પી. આહિર તેમજ સ્ટાફ જોડાયો હતો.ખરેખર આ ગેસના બાટલા કઈ એજન્સીમાંથી મેળવ્યા તેની તપાસ કરી એજન્સી સામે પગલા ભરી એજન્સીને બ્લેક લીસ્ટેડ કરવી જોઈએ. ઉપરાંત પુરવઠા વિભાગની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવે તે જરૂરી છે. ન માત્ર ચુડવા પરંતુ મીઠીરોહર, ખારીરોહર, પડાણા, જવાહરનગર, વરસામેડી, મેઘપર બોરીચી સહિતના વિસ્તારમાં પોલીસ દ્વારા અગાઉ પણ આ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી છે. ગેસ એજન્સીઓ સામે પગલાં ભરવામાં પુરવઠા વિભાગ કેમ ચુપ છે ? તે પણ એક મોટો સવાલ છે. ખરેખર આ કામગીરી પુરવઠા વિભાગને કરવાની હોય છે પરંતુ આ વિભાગના જવાબદાર અધિકારી - કર્મચારીઓ જાણે જિલ્લામાં સબ સલામત હોય તેમ વર્તન કરી રહ્યા છે. ભુજમાં બેઠા બેઠા મીટીંગો યોજી, રિપોર્ટ મંગાવી નીર્ણયો લેવાય છે પરંતુ વાસ્તવિકમાં કામગીરી માત્ર પોલીસ જ કરી રહી છે. 



 

Comments

COMMENT / REPLY FROM