કંડલા ઈમામીકંપની કાંડ : શ્રમિકો સુરક્ષા કાયદાના લીરેલીરા : કચ્છ કલેકટરશ્રી કંપની સામે કેમ ન કરે ધાક બેસાડતી લાલઆંખ?
સુરક્ષા નિયમોના ધરાર ઉલ્લંઘનથી સર્જાતી
અણુબોમ્બ પર બેઠેલ કંડલા સંકુલ માટે ઈમામીકંપનીની દુર્ઘટના લાલબત્તી સમાન : હવે નહી તો તંત્ર-પ્રશાસન કયારે ઉઘાડશે આંખ? કંડલા જેવી દુર્ઘટનાઓમાંથી કચ્છનું ‘રેઢિયાળ’ તંત્ર નથી લેતું ‘બોધપાઠ’
કચ્છના બંદરીય અને ઔદ્યોગિક વિકાસ બાદ જીવલેણ દુર્ઘટનાઓનું
વધ્યું પ્રમાણ : બોમ્બ સમાન ઔદ્યોગિક એકમો કે ટેન્ક ફાર્મ પર સુરક્ષાના યોગ્ય ઉપકરણોનો અભાવ : તંત્ર દ્વારા સઘન તપાસના અભાવે એકમો શ્રમજીવોઅની સુરક્ષાની નથી લેતા દરકાર
કચ્છમાં ધમધમતા ઔધોગિક એકમો અને સ્ટોરેજ ટેન્ક ફાર્મમાં સુરક્ષાના નિયમોની અમલવારી જાણે માત્ર કાગળ પર : સેફટી સપ્તાહની ઉજવણી કે, પ્રસંગોપાત ઔધોગિક એકમો પર સુરક્ષા માટેની યોજાતી મોકડ્રીલ સામે કંડલા જેવી મોટી દુર્ઘટના સર્જાય છે, ત્યારે અસરકારકતા અંગે ઉભા થાય પ્રશ્નાર્થ
ગાંધીધામ : ર૦૦૧ના ભુકંપ બાદ કચ્છમાં આવી પડેલા ઉદ્યોગો માત્ર અને માત્ર જાણે કે પોતાના ગજવા ગરમ કરવા, યેન કેન પ્રકારે નફાખોરીઓ જ કરી લેવીના જ ગતકડાઓ અને હથકંડાઓ અજમાવવામાં પડયા હોય તેમ ઘટનાક્રમો સામે આવવા પામીરહ્યા છે. કચ્છને ઝડપથી બેઠુ કરવાના નામે આવી પડેલા ઉદ્યોગોઉપરાંત અહી મહાકાય બંદરોમાં પણ કાર્યરત બંદરોમાં પણ જાણે કે ઔદ્યોગીક કાયદાઓના ભોગે માત્ર અને માત્ર કંપનીઓ નફખોરીમાં જ વ્યસ્ત હોય તેવી ગંભીર ઘટનાઓ સતત બનવા પામી રહી છે. તાજેતરમાં જ કંડલાની ઈમામી કંપનીમાં પણ જેરી ગેસની અસર તળે પાંચ નિદોર્ષ શ્રમજીવીઓના મોત થવા પામીગયા હોવાની ઘટના બનવા પામી છે , અહી સુરક્ષા કાયદાઓના લીરેલીરા જ ઉડાડવામાં આવી રહ્યા છે, ઈમામીકંપનીમા બનેલી ઘટના ખુબજ કરૂણ અને ગંભીર કહીશકાયતેવી છે પરંતુ હજુ સુધી આ કંપનીના લાપરવાહોની સામે ફરીયાદ શુદ્ધા પણ નોધવા જેવી કાર્યવાહીકરવામા આવી નથી? કચ્છ કલેકટરશ્રીએખરેખર આવા કિસ્સાઓમાં જાત તપાસ કરી, અને જરૂરી અધિકારી-તંત્રને આવી બેદરકાર કંપનીઓની સામે ધાક બેસાડતો દાખલો પુરવાર કરવાની લાલઆંખ કરી દેખાડવી જોઈએ. કુદરતી આફતોમાં જયારે માનવ જીદંગીનો ભોગ લેવાય છે, ત્યારે તેવી ઘટનાઓ દુઃખદાયક બની રહે છે. કુદરતના કહેર સામે માનવી લાચાર હોય છે, પરંતુ માનવસર્જીત કુત્રિમ આફતો કે માનવીય બેદરકારીના લીધે કોઈ નિર્દોષનો ભોગ લેવાય ત્યારે તેવી ઘટનાઓ પીડાદાયક બનતી હોય છે. કચ્છ જિલ્લાએ ભારતના મહત્વના ઔધોગિક અને બંદરીય વ્યાપર કેન્દ્ર પૈકીના મોખરાનો પ્રદેશ છે. કચ્છના ઔધોગિક અને બંદરીય વિકાસનો દેશની આર્થિક પ્રગતિમાં મહત્વનો ફાળો છે, પરંતુ સુરક્ષાના નિયમોની અવગણના અને કર્મચારીઓ માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થાના અભાવે સમયાંતરે જીવલેણ દુર્ઘટનાઓ સર્જાતી રહે છે. આવી દુર્ઘટનાઓમાં નિર્દોષ લોકો જીવ ગુમાવે છે. અનેક પરિવારોના આધાર છિનવાઈ જાય છે. આવા કિસ્સાઓમાં થોડા દિવસ સુધી ભારે ઉહાપોહ થાય છે. તંત્ર દ્વારા તપાસનું તરકટ રચાય છે અને થોડા દિવસો બાદ ફરી બુધ ‘જૈસે થે’ની સ્થિતિમાં ફેરવાઈ જાય છે. જિલ્લામાં સમયાંતરે દુર્ઘટનાઓ બનતી હોવા છતાં તંત્ર તેમાંથી કોઈ બોધપાઠ લેતું ન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. કચ્છમાં કાર્યરત ઉદ્યોગ
ગૃહોમાં વિસ્તૃત ધોરણે સુરક્ષાના નિયમોનું પાલન થતું જ નથી. આવા એકમોમાં કામ કરતા કર્મચારીઓ - શ્રમજીવીઓની મક્કમ સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવાના કડક સરકારી નિયમો હોવા છતાં મોટાભાગના એકમો પર તેની અવગણના જ જોવા મળતી હોય છે. ઉદ્યોગ જૂથો માટે સુરક્ષા ઉપકરણો જાણે વધારાનો ફોગટનો ખર્ચ હોય તેમ મોટાભાગના એકમો પર જરૂરી એવા સલામતીના સાધનો અભાવ જ હોય છે. કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે તંત્ર દ્વારા થોડા સમય માટે ચકાસણીના નાટક ચલાવવામાં આવે છે, પરંતુ જોખમી એકમો પર સચોટ સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરાવવા મુદે તંત્ર સદંતર નિષ્ફળ જ રહ્યું છે તેવો આક્ષેપ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા જાણકારો કરી રહ્યા છે. જિલ્લામાં અનેક નાની મોટી દુર્ઘટનાઓ સર્જાઈ ચુકી છે. છતાં રેઢિયાળ તંત્ર તેમાંથી બોધપાઠ લેતું નથી તેવો બળાપો કંડલા કંપનીમાં ઝેરી ગેસની ગુંગળામણથી પાંચ કર્મીઓના મોત બાદ ફરી વ્યકત થઈ રહ્યો છે. તંત્ર દ્વારા સમયાંતરે એકમો પર સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરવામાં આવે તે જરૂરી છે, પરંતુ મોટા ઉદ્યોગજૂથો તરફથી થતા કોઈ ‘દબાણ’ કે અન્ય કારણોસર સુરક્ષા ઉપકરણોની તપાસમાં ઉદ્યોગોને ઢીલો દોર મળી જતો હોય છે. કચ્છમાં ધમધમતા ઔધોગિક એકમો અને સ્ટોરેજ ટેન્ક ફાર્મમાં સુરક્ષાના નિયમોની અમલવારી જાણે માત્ર કાગળ પર જ થતી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
સેફટી સપ્તાહની ઉજવણી હોય કે, પ્રસંગોપાત ઔધોગિક એકમો પર સુરક્ષા માટેની મોકડ્રીલ યોજવામાં આવતી હોય છે. આવી મોકડ્રીલનો હેતુ દુર્ઘટના સમયે બચાવ કાર્ય અંગે જાગૃતિ લાવવાનો હોય છે, પરંતુ જયારે કંડલા જેવી મોટી દુર્ઘટના સર્જાય છે, ત્યારે આવી મોકડ્રીલની અસરકારકતા અંગે પ્રશ્નાર્થ ઉભા થાય છે. જાણકારો કહે છે કે, સુરક્ષાના નિયમોનું સચોટ અમલીકરણ થાય તો મોટાભાગની દુર્ઘટનાઓને ટાળી શકાય છે. તંત્ર દ્વારા નિયમિત તપાસ કરવામાં આવે અને નિયમોની સચોટ અમલવારી કરાવવામાં આવે તો નિર્દોષ લોકોના લેવાતા ભોગ અટકી શકે. જિલ્લામાં તંત્ર અનેક દુર્ઘટનાઓ બનતી હોવા છતાં બોધપાઠ લેતું નથી. યોગ્ય તપાસના અભાવે ઔધદ્યગિક એકમો પર સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન થતું રહે છે. અને નિર્દોષ લોકો તેનો ભોગ બનતા રહે છે. જિલ્લામાં ખુબ વિકસિત બંદરીય અને ઔધોગિક ક્ષેત્રમાં શ્રમ કાનૂન અને સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન સામાન્ય બાબત બની ગઈ છે તેવું જાગૃત નાગરિકો વ્યથિત સૂરે જણાવી રહ્યા છે.
........
શું શ્રમિકો ગરીબ હતા એટલી તેમની કોઈ જ ચિંતા નથી કરતું..?
કંડલા ઈમામી કંપની દુર્ઘટના : પાંચના મોત બાદ કોઈના પેટનું પાણી જ નથી હાલતું :
હાય રે ગરીબી..!ઃ કંપની સામે પોલીસ ફરીયાદ દાખલ કરવામાં કેમ વિલંબ?
રાજકોટ ગેમઝોનની દુર્ઘટના બાદ કડક કાર્યવાહી કરનાર સરકારની કંડલા દુર્ઘટના મામલે ચુપકીદી કેમ ?
કંડલા મરીન પોલીસ દ્વારા તપાસ ચાલી રહી હોવાનું રટણ : પાંચ શ્રમજીવીના ભોગ લેવાયા છતાં મંથરગતિએ થતી તપાસ સામે ભોગ બનનારના પરિવારજનોનો આક્રોશ : આદિપુરની લેબર સેફટી કમિશ્નરની કચેરીએ ભોગગ્રસ્તોને વળતર અપાવી બનાવમાં ભીનું સંકેલ્યું : માનવીના મોતની કિંમત માત્ર ૧૦ લાખ ?
ગાંધીધામ : કંડલા ખાતે ઈમામી એગ્રોટેક કંપનીમાં બુધવારની મધરાતે સર્જાયેલ દુર્ઘટનામાં સુપરવાઈઝર સહિત પાંચ લોકોના મોતથી હડકંપ મચી ગયો છે. કંપનીના સ્લજ ટેન્કમાં સફાઈ માટે ઉતરેલા પાંચ લોકો ઝેરી ગેસથી ગુંગળાઈ જવાના કારણે મોતને ભેટ્યા હતા. ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોની સુરક્ષા મુદ્દે અધુરાશોનું વધુ એક પ્રમાણ પૂરું પાડનારી આ ઘટનામાં ચોથો દિવસ થયો છતાં હજુ સુધી કંપનીના જવાબદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. તપાસનીસ કંડલા મરીન પોલીસના ઈન્સ્પેક્ટર અજીતસિંહ વાળાએ હાલે પ્રાથમિક તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. આ દુર્ઘટનાને ચાર દિવસ થવા છતાં જાણવા જોગ સિવાય પોલીસ ચોપડો કોરો જ રહેતા મંથરગતિએ ચાલી રહેલી તપાસથી પરિવારજનોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. કોઈપણ સુરક્ષા સાધનો વગર જ શુદ્ધિકરણની કામગીરી માટે પાંચ લોકો સ્લજ ટેન્કમાં ઉતર્યા હતા. આ દુર્ઘટનામાં કંપનીની લાપરવાહી જ નહીં. છાશવારે ઔદ્યોગિક એકમો પર ફાયર સેફટી સહિતની વ્યવસ્થાની ચકાસણી માટે પહોંચી જતા વહીવટી તંત્રની બેદરકારી પણ છતી થઈ છે.
તાજેતરમાં રાજકોટના ગેમઝોન ખાતે થયેલા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર ત્વરીત એકશન લઈ તંત્રના જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરી હતી. કંડલાની દુર્ઘટના મુદ્દે રાજ્ય સરકારે મૌન સેવી લીધું હોય તેમ તપાસ મંથર ગતિએ ચાલી રહી હોવા છતા કોઈ એકશન લેવામાં આવ્યા નથી. કંપની દ્વારા મૃતકોના વારસદારોને વળતરની જાહેરાત કરી દેવામાં આવી છે પરંતુ થયેલી દુર્ઘટનામાં કંપનીની પણ સીધી રીતે જવાબદારી બને છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા ઝડપભેર પ્રાથમિક તપાસ કરી જવાબદારો સામે ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે.

Comments