ભુજમાં મુંબઈથી ટ્રેન મારફતે લવાયેલો શરાબ ઝડપાયો
રેલવે સ્ટેશન બહાર એલસીબીએ વોચ ગોઠવીને પ૮ હજારના દારૂ સાથે બાપાદયાળુ નગરના યુવકની કરી ધરપકડ : અન્ય બે શખ્સના નામ ખૂલ્યા
ભુજ : શહેરમાં મુંબઈથી ટ્રેન મારફતે લવાયેલો દારૂ ઝડપી લેવાયો હતો. રેલવે સ્ટેશન બહાર એલસીબીએ વોચ ગોઠવીને આ કાર્યવાહી કરી હતી. આ અંગેની વિગતો મુજબ પોલીસને બાતમી મળી કે, રેલવે કોલોની રેલવે સ્ટેશન પાસે રહેતા મનોજસિંહ ઉર્ફે પપ્પુ ભાસ્કરસિંહ રાજપૂતે મુંબઈથી ટ્રેન મારફતે મોટી ટ્રોલી બેગમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવ્યો છે અને પોતાના મળતિયા આરીફ ચૌહાણ સાથે જથ્થો સગેવગે કરવાની ફીરાકમાં છે. બન્ને જણા ક્લિક હોટલ પાસે ઊભા હોવાની બાતમી આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં બાપાદયાળુ નગરમાં રહેતો આરીફ ઓસ્માણ ચૌહાણ મળી આવ્યો હતો અને જ્યારે મનોજ ભાગી જવામાં સફળ રહ્યો હતો. આરોપીના કબજામાં રહેલી ટ્રોલી બેગમાંથી અલગ અલગ બ્રાન્ડની ૯૦ બોટલ કિંમત રૂા.પ૭,૯૮૩ તથા પાંચ હજારનો મોબાઈલ મળી આવ્યો હતો. ચાર મોટી ટ્રોલી બેગમાં દારૂ રાખવામાં આવ્યો હતો. મહત્ત્વનો છે કે, રેલવે મારફતે અવાર-નવાર શરાબની હેરાફેરી થાય છે. જેમાં રેલવે પોલીસ ભુંડી ભૂમિકા ભજવે છે. અવાર-નવાર ટ્રેનોમાં ચેકિંગના તાયફા કરાય છે પરંતુ રેલવે પોલીસ આજદીન સુધી દારૂ સાથે શખ્સને ઝડપી પાડવામાં સફળ સાબિત થઈ નથી. ખરેખર રેલવેનું કામ પેસેન્જરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું છે. પરંતુ અમુક લોકોએ આ પરિભાષા બદલીને દારૂની સોફ્ટ હેરાફેરી માટે રેલવે પર વધારે પસંદગી ઉતારી છે.

Comments