કચ્છમાં નદીઓના હદ-નિશાન મુદ્દે તંત્રની ઉદાસીનતાથી રોયલ્ટીની આવકને ફટકો
કચ્છની મોટા ભાગની નદીઓનું હદ નિશાનનો મુદ્દો વણઉકેલાયેલો
ભુજ : ભારતીય ધર્મશાસ્ત્રો અને સંસ્કૃતિમાં નદીઓને લોકમાતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ધર્મશાસ્ત્રોમાં નદીઓને માતાની સમાન સદૈવ પૂજનીય માનવામાં આવે છે. કચ્છ જેવા સૂકા પ્રદેશમાં જ્યાં કુદરતી જળસ્ત્રોત ખૂબ મર્યાદિત છે ત્યારે નર્મદા નદીના નીરના અવતરણ થકી કચ્છની સૂકી ઘરા નંદનવન બની છે. કચ્છ જિલ્લાની ભૌગોલિક સંરચના એવી છે કે કચ્છ જિલ્લમાં એક પણ બારમાસી નદી આવેલી નથી. ચોમાસામાં વરસાદના દિવસોમાં નદીઓ બે કાંઠે વહે છે, પણ ચોમાસાની વિદાય સાથે જ નદીઓ કોરાપટમાં ફેરવાઈ જાય છે, પરંતુ નદીના પટમાંથી મળી આવતી સાદી રેતી સોના જેવી સમૃદ્ધિની જણસ છે. સારી રેતીની માન્ય લીઝ થકી દર વર્ષે સરકારી તિજોરીને કરોડોની આવક થાય છે, પરંતુ કચ્છનું દુર્ભાગ્ય કહો કે જવાબદાર તંત્રની બેદરકરી જિલ્લામાં કાયદેસર રોયલ્ટી ભરી ઉલેચવામાં આવતા રેતીના જથ્થા કરતા અનેકગણો વધુ જથ્થો ગેરકાયદેસર ઉપાડવામાં આવે છે. કચ્છના કેટલાક ગામોમાં નદીના સીમાંકનોમાં જોવા મળતી વિસંગતતાઓ, હદ-નિશાનની કચાશના કારણે નદીના પટમાં રેતી લીઝના મોટા બ્લોક બનવાના બદલે ખાનગી ધોરણે ગેરકાયદેસર પેશકદમી કરી દેવામાં આવી છે. પાવરપટ્ટીના નિરોણા ગામની નદીમાં તંત્રની બેદરકારીના લીધે રોયલ્ટી રૂપે સરકારને થનાર મોટી આવકની ખોટ જઈ રહી છે. નિરોણા ગામન ભરૂડ નદીના સીમાંકન અને હદ-નિશાનનો મુદ્દો જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પણ ચર્ચાયો છે. જિલ્લા કલેક્ટર સમક્ષ થયેલી રજૂઆતો બાદ જિલ્લા સમાહર્તાએ ડીઆઈએલઆરને યોગ્ય કાર્યવાહી કરવા સૂચન કર્યા હતા, પરંતુ જમીન માપણીની ફી કોઈ વ્યક્તિ કે ગ્રામ પંચાયત ન ભરી શકે તેથી જમીન માપણીનું કોકળું ગૂંચવાયું છે. સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા નદીની જમીનની માપણી અને હદ-નિશાનની કામગીરી સરકારી ખર્ચે કરવામાં આવે તેવી રજૂઆત પણ
કરાઈ છે. ખાણ ખનિજ વિભાગ બીસીડી બ્લોકક માટે ૧૭.પ૧ હેક્ટર પૈકી માત્ર ૬.ર૩ હે. જમીનમાં રેતી શોધી રહ્યું હતું. અન્ય માગણી મૂકેલી જમીન ખાનગી માલિકીની ઓવરલેપ થતી હોવાથી કમામગીરી છોડી દેવામાં આવી હતી. જો નદીના હદ-નિશાન સુનિશ્ચિત હોત તો રેતી લીઝનો મોટો બ્લોક બની શકત, પરંતુ તે શક્ય ન થતાં રોયલ્ટીની મોટી આવક સરકારે ગુમાવી છે. આ ઉપરાંત નદીના પટમાં પેશકદમીના કારણે વરસાદના દિવસોમાં નદીના પુરના કારણે થતું નુકસાન ખૂબ મોટું હોય છે. આ નદીની સમસ્યાના કાયમી ઉકેલ માટે સ્થાનિક જાગૃતો દ્વારા શ્રેણીબદ્ધ રજૂઆતો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓથી માંડી સંબંધિત સરકારી વિભાગો સુધી કરવામાં આવી છે. સરકારી ખર્ચે હદ-નિશાન નક્કી કરવામાં આવે અને માપણી કરવામાં આવે તેવી પ્રબળ લોકલાગણી પ્રવર્તિ રહી છે.

Comments