Trending News
સ્થાનિક સમાચાર

પીપરીમાં વિજિલન્સની ટીમ પહોંચે તે પહેલા જ જુગાર કલબ વિખેરાઈ ગઈ 

18 October

....ને હવે પલળેલા ખાખીદારીઓએ જુગાર ક્લબ બંધ કરવાનું ફરમાન કર્યું





રવિવારે ટુકડી નંબર પ્લેટ વગરની કારમાં ગામ પાસે પહોંચી ટ્રસ્ટના માણસો હોવાનું કહી એડ્રેસ પૂછતા શંકાના વાદળો ઘેરાયા : સંચાલકને તરત જ ફોન જતા ખેલીઓને છૂટા છૂટા કરી ભગાડી દેવાયા : પ્રદેશ અન્ય એજન્સી હાલ કચ્છમાં સક્રિય થઈ ગોરખધંધા ઉપર બાજ નજર રાખી રહી છે..... 



માંડવી  : તાલુકાના પીપરી ગામે છેલ્લા કેટલાય સમયથી જુગાર ક્લબ ધમધમતી હોવાની વાતો સંભળાતી હતી પણ હવે આ જુગારને પકડવા માટે છેક ગાંધીનગરથી સ્ટેટ મોનીટરિંગ સેલની ટુકડીને પીપરી સુધી લાંબા થવું પડ્યું હતું. જોકે ગામમાં પહોંચે તે પહેલા જ સંચાલકોને ફોન પહોંચી જતા ક્લબ વિખેરાઈ ગઈ હતી અને સંચાલકે બધા ખેલીઓને છૂટા છૂટા કરી બીજી વાડીઓમાંથી ભગાડી દીધા હતા. ગત સપ્તાહે જ કચ્છ ઉદયમાં અહેવાલ પ્રકાશિત કરાયો હતો કે માંડવી તાલુકાના પીપરી ગામે મોટી જુગાર ક્લબ ધમધમી રહી છે અને તેના પર અમુક પલળેલા ખાખીધારીઓની મીઠી નજર હોવાથી આ જુગાર પર દરોડો કરાતો નથી. શનિ- રવિ દશેરા રજા હોવાથી ખનીજ ચોરી, તેલ ચોરી તો આવી અનેક ગોરખધંધા સંચાલકોએ રજાનો લાભ લેવા ઉતર્યા હતા. તો બીજી તરફ રવિવારે બપોર બાદ ગાંધીનગરથી સ્ટેટ મોનિટરીંગ સેલની ટુકડી પીપરી તરફ પહોંચી હતી. ગામના ચાર રસ્તા પહેલા જ હોટલ પાસે ઊભેલા લોકોને નંબર પ્લેટ વગરની કારમાં આવેલી આ ટુકડીએ ટ્રસ્ટના માણસો હોવાનું અને પીપરી પાંજરાપોળ ક્યાં છે તેનું એડ્રેસ પૂછતા હલચલ મચી ગઈ હતી.હોટલ પર બેસેલા ક્લબના ચોકીદારોએ તરત જ સંચાલકને ફોન કરીને કહી દીધું હતું કે નંબર પ્લેટ વગરની કારમાં કોઈક પોલીસ કર્મચારીઓ ગામ તરફ આવી રહ્યા છે જેથી આ ટુકડી વાડીએ દરોડો પાડવા પહોંચે તે પહેલા જ જુગાર ક્લબ વિખેરાઈ ગઈ હતી. સંચાલક તરત જ એક્શનમાં આવીને બે બે કરીને ખેલીઓને જુદી જુદી વાડીઓમાંથી ભગાડી દીધા હતા. એસ.એમ.સી.ની ટુકડી આ વાડીઓ તરફથી આવતા બે ચાર જણાને ઊભા રખાવીને પૂછપરછ કરી હોવાની પણ આંતરિક સૂત્રોમાંથી વાત જાણવા મળી છે.સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી થતી ન હોવાથી છેક ગાંધીનગરની ટીમને અહીં સુધી ધક્કો ખાવો પડ્યો હતો જો કે જુગાર વિખેરાઈ જતા કોઈ હાથે ચડ્યા ન હતા. નોંધનીય છે કે છેલ્લા થોડાક દિવસથી ધમધમી રહેલી આ જુગાર પર લાખો રૂપિયાની હાર જીત થતી હોવાના વાવડ હતા. તેમજ કચ્છ ઉપરાંત હળવદ, ધ્રાંગધ્રા અને રાજકોટ પંથકના ખેલીઓ પણ અહીંયા નસીબ અજમાવવા આવતા હતા. 




....................


હવે તપેલા ચડી જાય એ કરતા જુગાર બંધ કરાવવી જ હિતાવહ 


બહારની ટીમ આવીને કામગીરી કરી જાય એ વાત સ્થાનિક પોલીસ માટે શરમજનક કહેવાય, ઉપરાંત ઈન્કવાયરી બેસે એ અલગ. માંડવીના પીપરી ગામે પણ ધમધમતી જુગાર કેટલી ફેમસ થઈ ગઈ છે કે છેક ગાંધીનગરની ટીમને અહીં દરોડો પાડવાની નોબત આવી છે. આમ હવે ક્યાંક જુગાર ચાલુ હોય ને ટીમ ત્રાટકી પડે અને તપેલા ચડી જાય એના કરતા જુગાર બંધ કરાવવી જ હિતાવહ હોવાનું ભ્રષ્ટ ખાખીધારીઓના મનમાં વિચાર આવ્યો છે અને તેમણે સંચાલકોને જુગાર બંધ કરવાની સુચના આપી દેતા છેલ્લા ત્રણ ચાર દિવસથી ક્લબ બંધ હોવાની વિગતો મળી રહી છે.

Comments

COMMENT / REPLY FROM