ગાંધીધામમાં રાશનકાર્ડમાં સુધારો કરી આપવાનું કહીં યુવતી સાથે બળાત્કાર ગુજારાયો ’
આરોપીએ કાર્ગો ઝુપડપટ્ટીની બાવળોની ઝાડીમાં કુકર્મ આચર્યું
ગાંધીધામ : રાજ્યમાં સગીરા અને યુવતીઓ પર છેડતી, બળાત્કાર સહિતના બનાવો વધી રહ્યા છે. એક તરફ સરકાર અને પોલીસ મહિલાઓને સુરક્ષા પ્રદાન કરવાના દાવા કરે છે પરંતુ જે પ્રમાણે ગુનાઓ બની રહ્યા છે અને ચોપડે ન ચડતા ગુનાઓની સંખ્યા વધી રહી છે તે જોતા પોલીસના સુરક્ષા આપવાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. ગાંધીધામમાં વધુ એક પરિણીતા સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ફરિયાદ દાખલ થઈ છે.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટની પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે માતાના રાશનકાર્ડમાં સરનામું બદલાવવાનું હોવાથી તેઓ ગાંધીધામ આવ્યા અને મામલતદાર કચેરી ગયા હતા અહીં રાશનકાર્ડ અંગેનો કામ કરી આપતા આરોપી મચ્છુનગરના સંજય કચરાભાઈ રાઠોડ સાથે સંપર્ક થયો અને રાશનકાર્ડમાં સુધારો કરવા જણાવ્યું હતું. મહિલાને કામસર બહાર જવાનું થયું અને પોતાનો નંબર આપ્યો હતો. બાદમાં આરોપીએ વોટ્સએપ મેસેજથી વાતચીત કરી રાશનકાર્ડનું કામ કરી આપવાનું કહી ભોગ બનનારનો વિશ્વાસ કેળવ્યો હતો. ગત ૧પ તારીખે મહિલા ગાંધીધામ આવ્યા ત્યારે બાઈક પર બેસાડી ચા-નાસ્તો કરાવી કાર્ગો ઝુપડપટ્ટી પાસે આવેલ બાવળોની ઝાડીમાં લઈ જઈ ભોગ બનનાર સાથે બળજબરી પૂર્વક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. જે બાબતે મહિલાએ આરોપી સામે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.
.........
મેઘપર (બો)માં પાણીનું ટેન્કર ખાલી કરવા આવેલા શખ્સે છેડતી કરી
અંજાર : તાલુકાના મેઘપર (બોરીચી) ગામે પાણીનું ટેન્કર ખાલી કરવા આવેલા શખ્સે યુવતીની છેડતી કરી હતી. ભોગ બનનારે અંજાર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે પોતાના ઘરે પાણીનું ટેન્કર બોલાવ્યું હતું. આરોપી અરવિંદ રાજપૂત ટેન્કર લઈને ખાલી કરવા આવ્યો ત્યારે મહિલા પાણીનો કેરબો ભરતા હતા ત્યારે નજીક આવી સતામણી કરી છેડતી કરી હતી. જે બાબતે તાત્કાલિક મહિલાએ પ્રતિકાર કરી આરોપી સામે અંજાર પોલીસ કાયદેસરની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Comments