કંડલાની ઈમામી કંપનીમાં થયેલી દુર્ઘટનામાં ર૪ કલાક બાદ પણ જવાબદારો સામે કાર્યવાહી નહીં
કંપનીના ટેન્કમાં સફાઈ માટે ઉતરતી વખતે સુપર વાઈઝરને ગુંગળામણ થતાં તેને બચાવવા માટે એકબાદ એક હેલ્પર ઉતર્યા અને ગેસ ગળતરથી મોતને ભેટ્યા : સમગ્ર બનાવ પાછળ કંપનીની બેદરકારી વચ્ચે સેફટી ઈન્સ્પેકટરની કચેરીની ભુંડી ભૂમિકા સામે આવી
ગાંધીધામ : કંડલા ખાતે આવેલ ઈમામી એગ્રોટેક કંપનીમાં બુધવારે મધરાત્રે દુર્ઘટના સર્જાઈ હતી. કંપનીના સ્લજ ઓઈલના ટેન્કમાં સફાઈ માટે ઉતરેલા સુપરવાઈઝર સહિત પાંચ લોકોના ઝેરી ગેસથી ગુંગળાઈ જવાના કારણે મોત થતાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
આ ઘટનામાં ર૪ કલાક બાદ પણ જવાબદારો સામે કોઈ કાર્યવાહી થઈ નથી, જેથી તંત્રની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી છે.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ઈમામી એગ્રોટેક કંપનીના કંડલા સ્થિત પ્લાન્ટમાં સોયાબીન અને પામ ઓઈલ જેવા ખાદ્ય તેલનું ઉત્પાદન થાય છે. ૧૪મી તારીખથી પ્લાન્ટમાં શટડાઉન કરાયું હતું. ખાદ્ય તેલના શુદ્ધિકરણ બાદ જે નકામો કચરો (સ્લજ) નિકળે છે, તે ટેન્કમાં ભેગો થાય છે. આ સ્લજ ટેન્કની સફાઈ કરવાની હતી. તંત્રના કહેવા મુજબ આ કચરો પાઈપ મારફતે ટેન્કમાંથી નિકળી જાય છે, પરંતુ કચરો નિકળતો ન હોવાથી સંભવતઃ જોવા માટે સુપરવાઈઝર સિદ્ધાર્થ તિવારી સીડી મારફતે ટેન્કમાં ગયો ત્યારે ઝેરી ગેસની અસરથી ગુંગળાઈ જતાં અન્ય હેલ્પરો બચાવવા માટે ગયા હતા. જયાં એક બાદ એક પાંચ લોકોના મોત થયા હતા.
બનાવ બાબતે કંડલા મરીન પોલીસે માત્ર જાણવા જોગ દાખલ કરી છે. હજુ સુધી કંપનીના જવાબદારો સામે કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. ગઈકાલે કંપનીમાં પોલીસે તપાસ કરી હતી. પોલીસ કહે છે કે, એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે. બનાવને પગલે લોકોમાં ભારે આક્રોશ છે.
.........
કંડલામાં મૃત્યુ પામેલા શ્રમિકોના વારસદારોને
વળતરપેટે એક કરોડ આપવા માંગ કરાઈ
શ્રમિક કાયદાના ભંગ બદલ કંપનીને દંડ ફટકારવામાં આવે
ગાંધીધામ : કંડલા ખાતે આવેલ ઈમામી એગ્રોટેક કંપનીમાં સલામતીના કોઈપણ સાધન વગર શ્રમિકોને કેમિકલ પ્રવાહીની ટાંકી સાફ કરવા ઉતારવામાં આવ્યા હતા. જેઓનું ગુંગળાઈ જવાને કારણે થયેલા મોતની ઘટનામાં માનવ અધિકાર ભંગના મુદ્દે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસના અગ્રણી ભરત સોલંકીએ રાજ્યના મુખ્યમંત્રી, પોલીસ મહાનિર્દેરશ, કલેક્ટર સહિતના અધિકારીઓઅને પત્ર લખી કરવામાં આવી છે. પત્રમાં જણાવ્યા મુજબ તા.૧૬/૧૦ના રાત્રે ૧રઃ૩૦ વાગ્યે બનેલા બનાવમાં પાંચ શ્રમિકોને કેમિકલ વેસ્ટવાળી ટાંકી સાફ કરવા માટે સલામતીના કોઈપણ સાધનો વગર ઉતારવામાં આવ્યા હતા માટે કંપનીના સતાધિશોને જાણ હોવા છતા બેદરકારી રાખી મોતના મુખમાં ધકેલી દેવાયા ત્યારે ગુંગળાઈ જવાથી મરણને શરણ થયા છે. આ શ્રમિકોનું પોસ્ટમોર્ટમ રામબાગ હોસ્પિટલ ખાતે કરાયું હતું. મૃત્યુ પામેલા ચાર અન્ય રાજ્યના છે અને એક ગુજરાતના પાટણનો છે. સિદ્ધાર્થ તિવારી શિવપુરી (ઉ.વ.ર૭) (મધ્યપ્રદેશ) ત્રણ-ચાર વર્ષથી કામ કરે છે, સંજય ઠાકોર, અજમતખાન (ઉ.વ. ર૮) (મધ્યપ્રદેશ) ચાર મહિનાથી, આશિષકુમાર એક મહિનાથી, આશિષગુપ્તા (મધ્યપ્રદેશ) ત્રણ ચાર વર્ષથી કામ કરે છે. ઈમામી એગ્રોટેક કંપનીના માલિક તથા સંચાલકોએ શ્રમિક કાયદાનો ભંગ કર્યો છે. તેમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. જેમા. અપરાધ, મનુષ્યવધ અને શ્રમિકોને મોતના મુખમાં ધકેલવાનો ગુનો દાખલ કરવા, તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, મરણ પામેલા શ્રમિકોને વળતર રૂપે ૧ કરોડ, તાત્કાલિક ધોરણે કંપની બંધ કરવી અને શ્રમિક કાયદાનો ભંગ બદલ સરકાર દંડ વસૂલ કરે તે રકમ ભોગ બનનારના પરિવારને પુનઃવસન માટે આપવામાંઆવે તેવી માંગ શ્રી સોલંકીએ પત્રમાં કરી છે.
.........
રાત્રીમાં ફરજ ન સોંપવાનો હુકમ છતાં કામ કેમ કરાવાયું ?
હતભાગીના સ્વજનોના જણાવ્યા પ્રમાણે રાત્રીના સમયે ટેન્ક સફાઈ સહિતના કામ ન કરવાનો નિયમ છે. આ નિયમ ખુદ કંપનીએ બનાવ્યો છે. તેમ છતાં રાત્રીના સમયે કામ કરવા માટે ફરજ પાડવામાં આવી હતી. સુત્રોના કહેવા મુજબ કોઈ પણ ભોગે ખાદ્યતેલના શુદ્ધિકરણ બાદ ભેગા થયેલા કચરાને સફાઈ કરવા માટે આદેશ અપાયો હતો. જેથી રાત્રીના કામ કરતા ઘટના બની હતી. આ જ કારણોથી કંપનીમાં શટડાઉન રખાયું હોવાનું સામે આવ્યું છે.
..........
કંપનીએ ૧૦ લાખ વળતરની જાહેરાત કરી હાથ ઉંચા કર્યા
માનવીના જીવનની કોઈ કિંમત આંકી શકાય નહીં, એ હતભાગી યુવાન કોઈનો દિકરો, કોઈનો પતિ, કોઈનો પિતા, કોઈનો ભાઈ કે, જીગરી મિત્ર હશે. આજીવન તેના જીવન પર પૂર્ણ વિરામ લાગી ગયું છે. કરોડો રૂપીયા આપવા છતાં મોતને ભેટેલા એક પણ વ્યક્તિનું જીવન પરત આવી શકશે નહીં. કંપનીએ ગઈકાલે હોબાળા બાદ એવી જાહેરાત કરી કે હતભાગીને વ્યક્તિ દીઠ ૧૦ -૧૦ લાખ આપવા ઉપરાંત વિમાની રકમ આપવામાં આવશે. કંપનીના મેનેજરે એમ જણાવ્યું કે, અમે ઘટનાની તપાસ કરીએ છીએ તેમાં સમય લાગશે. ખરેખર ૧૦ લાખ રૂપિયા આપવાથી કોઈનો દિકરો પરત નહીં આવી જાય ખરેખર કંપનીના જવાબદારો સામે સાપરાધ મનુષ્યવદ્યનો ગુનો દાખલ કરવો જોઈએ. આ ઘટનામાં હતભાગી સંજય ઠાકોર ૪ બહેનોનો એકનો એક ભાઈ હોવાનું સામે આવ્યું હતું. સંજય મૂળ પાટણનો છે. આદિપુરમાં ભાડે રહેતો હતો. કંપનીમાં બોઈલર ઓપરેટર તરીકે કામ કરતો હતો. થોડા દિવસો અગાઉ વતન ગયો ત્યારે બે નાના દિકરાઓએ રોકાઈ જવા જણાવ્યું પરંતુ સંજયને કાળ બોલાવતો હોય તેમ આવ્યો અને મોતને ભેટ્યો હતો.
...........
ખાદ્યતેલની કંપનીમાં મિથાઈલ કયાંથી આવ્યું ?
બનાવ બાદ હતભાગીના પરિવારજનો રામબાગ હોસ્પિટલ ખાતે ભેગા થયા હતા. પરિવારના કહેવા પ્રમાણે રાતના મિથાઈલ ટેન્કમાં સફાઈ માટે ગયા ત્યારે ગુંગળાઈ જવાના કારણે બનાવ બન્યો હતો. સુપરવાઈઝર ગયો તે બાદ અન્ય શ્રમિકો ગયા. ચાર જણા પરત ન આવતા ઓપરેટર સંજય ટાંકામાં જોવા ગયો ત્યારે તેને પણ ઝેરી ગેસની અસર થઈ હતી. ખરેખર આ કંપની ખાદ્યતેલની છે, તેમાં મિથાઈલ કેમિકલ આવ્યું કયાંથી તે પણ એક સવાલ છે.
કંપનીના જવાબદારો ચૂપકીદી સેવીને બેઠા છે. પોલીસ માત્ર તપાસ ચાલુ હોવાનું રટણ કરે છે અને જેની જવાબદારી છે તે સેફટી ઈન્સ્પેકટર કંપનીને કઈ રીતે છાવરવી અને મામલો કેવી રીતે દબાવવો તેની વેતરણમાં કાવાદાવા કરવામાં વ્યસ્ત છે. આ કંપની પાસે કયા કયા કેમિકલ રાખવાની પરમીશન છે તેની તપાસ થવી જોઈએ.
..........
ઈમામી એગ્રોટેક કંપની કંડલામાં પાંચ શ્રમજીવીઓના મોત માટે ગુજરાત સરકારની બેદરકારી જવાબદાર : યજુવેન્દ્રસિંહ જાડેજા
ગાંધીધામ : કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર છેલ્લા ૩૦ વર્ષમાં ભાજપ સરકારના રાજમાં સુરક્ષાના સાધનોના અભાવે હજારો શ્રમીકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. આંધળા ઔદ્યોગિકરણની લહાયમાં ભાજપ સરકાર સુરક્ષાના નિયમો સતત નેવી મૂકી રહી છે. કંડલા સ્થિત ઇમામી એગ્રોટેક કંપનીમાં વેસ્ટ પ્રવાહીની ટાંકીમાં અકસ્માતે પાંચ શ્રમિકોના
મૃત્યુ થયેલ છે જે ઘટના ખૂબજ કરુણ, ભયંકર અને ગંભીર છે, જેના માટે જવાબદાર કંપની સંચાલકો, સુરક્ષા અધિકારીઓ તથા ભાજપ સરકારને ક્યારેય માફ કરી શકાય નહીં. કચ્છ જિલ્લા કોંગ્રેસ
પરિવાર આ ઘટનામાં માર્યા ગયેલા શ્રમજીવીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે અને
મૃતકનાં પરિવારોને સરકાર ત્વરિત વળતર આપે અને આ ઘટના માટે જવાબદારો સામે કડકમાં કડક
પગલાં લેવામાં આવે કારણ કે આ બેદરકારી અક્ષમ્ય છે. ભાજપની કહેવાતી સંવેદનશીલ ગુજરાત સરકાર બોધપાઠ લે, જેથી આવા બનાવો બનતા અટકે તે માટે ભાજપ સરકાર ગંભીરતા સમજી ઔદ્યોગિક ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકો માટે સુરક્ષા નિયત કરે તેવી માંગ કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ કરી છે.
.........
સુરક્ષાના કોઈ સાધનો ન અપાયા
ખરેખર ખાદ્યતેલના શુદ્ધિકરણ બાદ ભેગા થયેલા કચરામાં કેમિકલો પણ હોવાથી ગેસ ગળતર થઈ શકે તેવી શકયતા હોવા છતાં કર્મચારીઓને સુરક્ષાના પુરતા સાધનો આપવામાં આવ્યા ન હતા. જે પણ એક ગંભીર બેદરકારી છે. આદિપુર સ્થિત શ્રમિકોના અધિકારની લેબર કચેરી અને સેફટી ઈન્સ્પેકટરના ધ્યાને આ વાત કેમ ન આવી તે સવાલ સર્જે છે.

Comments