Trending News
સ્થાનિક સમાચાર

અંજારની સૂચિત બે ટીપી સ્કીમ સામે ઉઠ્યો વિરોધનો વંટોળ

17 October



સ્થાનિક ખેડૂતો અને હિતધારકોને વિશ્વાસમાં લીધા વગર જ નોટીફિકેશન બહાર પડાયું હોવાનો આક્ષેપ : મહાનગરપાલિકા અમદાવાદની ટીપી સ્કીમનું બેઠું મોડેલ અંજાર શહેર માટે અપનાવાયું : સૂચિત યોજનામાં કપાત જનાર જમીનના સર્વે નંબર વગર માત્ર પીંક લાઈનના નકશા કરાયા જાહેર : ટીપી સ્કીમના ગેરલાભ અંગે ચર્ચા-વિચારણા કરવા આજે અંજારમાં મહત્ત્વપૂર્ણ બિનરાજકીય બેઠકનું આયોજન



ચોટીરાજ રમત રમી રહ્યો છે




અંજાર : કોઈપણ વિસ્તારનો વિકાસ એ અવિરત ચાલતી પ્રક્રિયા છે, પરંતુ સ્થાનિક લોકોના હિતના ભોગે વિકાસ સ્વીકાર્ય ન હોઈ શકે. કચ્છના ઐતિહાસિક અંજાર શહેરમાં અંજાર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ટાઉન પ્લાનિંગ યોજના પાંચ અને સાત માટે નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યા છે. આ ટીપી સ્કીમ અંતર્ગત શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી જમીનોને આડા અંતર્ગત હસ્તગત કરવામાં આવશે, જેના સામે અંજારવાસીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓ, હિતધારકો કે ખેડૂતોને વિશ્વાસમાં લીઘા વગર જ હાથ ધરવામાં આવેલ ટીપી સ્કીમ સામે લડતના મંડાણ થયા છે.આ અંગે વિસ્તૃત વિગત આપતા શહેરના જાગૃત નાગરિક રવિભાઈ સોરઠિયાએ (આહિર)એ જણાવ્યુું હતું કે, આજથી બિનરાજકીય લડતનો પ્રારંભ કરવામાં અવાી રહ્યો છે. અંજાર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા શહેરની સોરઠિયા સમાજના સ્મશાનથી સાંગનદી, કે.જી. માણેક સ્કૂલથી મેઘપર કુંભારડી તેમજ અંજાર એપીએમસીની પાછળના વિસ્તારમાંથી જુદી-જુદી જમીનો ટાઉન પ્લાનિંગના નામે અંજાર સીમના ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના આડા અંતર્ગત હસ્તગત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આડા દ્વારા ટીપી સ્કીમ પાંચ અને સાત માટે નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યુંં છે, જેમાં ટીપી સ્કીમના નકશાઓ આડાની કચેરીએ ચકાસવા જણાવવામાં આવ્યુંં છે. આડા હસ્તક થનાર જમીન પીંકલાઈનમાં દર્શાવવામાં આવી છે. કપાતમાં જનાર સર્વે નંબર વગર માત્ર પીંકલાઈનમાં સૂચિત એરિયાને દર્શાવી નોટીફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. નકશાની પીંકલાઈન અંગે ખેડૂતોને પૂરતું જ્ઞાન ન હોય તે સ્વાભાવિક છે. ખરેખર તો આડાએ સર્વે નંબર સાથેની અધિસૂચના જાહેર કરવી જોઈએ, પરંતુ સ્થાનિક ખેડૂતો અને હિતધારકોને વિશ્વાસમાં લેવામાં જ આવ્યા નથી, જેથી સ્થાનિક ખેડૂતોને જાગૃત કરવા, ટીપી સ્કીમના ગેરફાયદાઓ અને ખેડૂતોને કેટલી નુકસાનકારી છે તે અંગે ચર્ચા-વિચારણા કરવા આજે સાંજે શહેરના સવાસર નાકે આવેલા રઘુનાથજી મંદિરે મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યુંં છે.શ્રી સોરઠિયાએ વધુમાં જણાવ્યું હતં કે, આ બેઠક સંપૂર્ણપણે બિનરાજકીય બેઠક છે. આ બેઠકનો ઉદ્દેશ્ય માત્ર ખેડૂતોને જાગૃત કરી આગામી રણનીતિ તૈયાર કરવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અંજારની ટીપી સ્કીમને તૈયાર કરવામાં અમદાવાદ શહેરના ધારા-ધોરણોને અપનાવવામાં આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશનની ટીપી સ્કીમનું બેઠું મોડેલ અપનાવવામાં આવ્યું છે. અંજાર શહેર અને અમદાવાદ શહેરની ભૌગોલિક સ્થિતિ, રિયલ એસ્ટેટ સેક્ટર બધું અલગ છે. કોઈ મહાનગરપાલિકાની ટીપી સ્કીપનું મોડેલ નાના શહેર માટે કઈ રીતે લાગુ કરી શકાય ? તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો. અંજારની સૂચિત ટીપી સ્કીમ સ્વીકાર્ય ન હોઈ આજની બેઠકમાં આગળની રણનીતિ તૈયાર કરશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતુંં.અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ર૦૦૧માં કચ્છમાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ શહેરી વિસ્તારોમાં પુનઃવસન માટે શહેરી વિસ્તાર વિકાસ સત્તા મંડળોની રચના કરવામાં આવી હતી. ભૂતકામાં પણ ભુજ, ભચાઉ વગેરે શહેરોમાં સત્તા મંડળો દ્વારા રજૂ કરવામાં આવેલ ટાઉન પ્લાનિંગ સામે વ્યાપક વિરોધ થયા હતા ત્યારે આગામી દિવસોમાં અંજાર શહેશરમાં ટાઉન પ્લાનિંગની બે યોજનાઓમાં વિરોધના વંટોળ સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.


 

Comments

COMMENT / REPLY FROM