Trending News
સ્થાનિક સમાચાર

સરહદી કચ્છ જિલ્લો સર્વાંગી વિકાસની વ્યાખ્યા સમાન : અમિત અરોરા

16 October




વિકાસ સપ્તાહની ઉજવણી ટાંકણે જિલ્લા સમાહર્તાએ વિતેલા બે દાયકામાં કચ્છના વિકાસ અંગે આપી માહિતી : ભૌગોલિક સંશાધનોના મહત્તમ ઉપયોગ સાથે દરેક ક્ષેત્રમાં થયો સમતોલ વિકાસ : ગ્રીન હાઈડ્રોજન અને રિન્યુએબલ એનર્ઝી ક્ષેત્રે કચ્છ દેશ-દુનિયા માટે બનશે રોડમોડેલ : સર્વાંગી વિકાસમાં કચ્છીજનોની સહભાગીતાની કરી સરાહના



ભુજ : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં શ્રેણીબદ્ધ કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે ગુજરાતના વિકાસની વાત હોય તો કચ્છ તેમં મોખરે જ હોય. છેલ્લા દોઢ વર્ષથી કચ્છમાં જિલ્લાના પ્રથમ નાગરિક એટલે કે જિલ્લા સમાહર્તા તરીકે ફરજ બજાવી રહેલા અમિતભાઈ અરોરાએ વિતેલા બે-અઢી દાયકામાં થયેલા વિકાસને દ્રષ્ટાંતરૂપ ગણાવ્યું છે.વિકાસની વ્યાખ્યા કરવી અઘરી છે, પરંતુ સર્વાંગી વિકાસ કોને કહેવાય તે દર્શાવવું હોય તો કચ્છના વિકાસનું દ્રષ્ટાંત અચૂક આપી શકાય. કચ્છ કલેક્ટર કહે છે કે, વર્ષ ર૦૦૧માં કચ્છમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદના બે દાયકામાં કચ્છમાં જે પ્રમાણે વિવિધ ક્ષેત્રમાં વિકાસ થયો છે તેવું દેશમાં અન્ય ક્યાંંય થયું નથી. ખૂબ ઝડપભેર કચ્છ વિકસીત થયું છે. કૃષિ, બાગાયતી, પશુપાલન જેવા કચ્છના પરપંરાગત વ્યવસાયો ઉપરાંત ઔદ્યોગિક, રિન્યુએબલ એનર્જી, પોર્ટ સેક્ટર અને ટુરિઝમ ક્ષેત્રે સર્વાંગી વિકાસથી કચ્છ ધમધમતું થયું છે અને કચ્છના વિકાસની ખાસીયત એ છે કે તેનો વિકાસ કોઈ એક ચોક્કસ ક્ષેત્ર પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ કચ્છ પાસે જે ભૌગોલિક ક્ષમતાઓ છે તેનો ઉપયોગ કરી દરેક ક્ષેત્રમાં સમયાંતરે વિકાસ થયો છે.આજે કચ્છમાં જે રીતે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કામ થઈ રહ્યું છે તે જોતા આવનાર પાંચ વર્ષમાં કચ્છ જિલ્લામાં રાજ્યની કુલ ખપત કરતા વધુ ઉર્જાનું ઉત્પાદન થશે. કચ્છમાં વિન્ડ એનર્જી અને સોલાર એનર્જી ક્ષેત્રે ખૂબ સારૂં કામ થયું છે. આવનાર દિવસોમાં ટેકનોલોજીના ડેવલપમેન્ટ સાથે ઉત્પાદન ક્ષમતામાં વધુ વધારો થશે. ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે પણ કચ્છ જિલ્લો દેશનું હબ બનવા ભણી અગ્રેસર છે. કચ્છમાં હાલે ૧ર૦૦ જેટલા મોટા ઉદ્યોગો કાર્યરત છે. ઔદ્યોગિક અને ટુરિઝમ ક્ષેત્રે થયેલા વિકાસ થતી રોજગારીની વિપુલ તકોનું સર્જન થયું છે. નર્મદાના નીર કચ્છની ધરતી પર આવી પહોંચતા એક સમયે સૂકા પ્રદેશ તરીકે ઓળખાતું કચ્છ હવે હરિયાળું બન્યું છે. બાગાયતી ક્ષેત્રે કેસર કેરીની સાથે કચ્છની ખારેક, ડ્રેગનફ્રુટ વગેરે વિદ્યેશના ગ્રાહકો સુધી પહોંચી રહ્યા છે. બાગાયતી પાકોની નિકાસ માટે સરકાર દ્વારા જરૂરી સુવિધાઓ અને ટેકનોલોજીની સહાયતા પ્રદાન કરવામાં આવી રહી છે.આ તકે જિલ્લા કલેક્ટર શ્રી અરોરાએ કચ્છના વિકાસમાં કચ્છીમાડુઓના સહયોગની પણ સવિશેષ નોંધ લીધી હતી. કચ્છની પ્રજાના ખમીરની સરાહના કરતા તેમણે આફતને અવસરમાં પલટાવવાની તાકાતને દ્રષ્ટાંતરૂપ ગણાવી હતી. જ્યારે કો’ઈ પ્રદેશનો કોઈ એક ચોક્કસ ક્ષેત્રમાં વિકાસ થતો હોય છે ત્યારે તેને કેટલીક મર્યાદાઓ નડતી હોય છે, પરંતુ રણ, ડુંગર અને દરિયા જેવી પ્રાકૃતિક સંપદાથી સમૃદ્ધ કચ્છનો વિકાસ દરેક ક્ષેત્રમાં સમયાંતરે થયો હોવાથી આવનાર વર્ષોમાં કચ્છ જિલ્લો વધુ વિકસીત થવાની સાથે દેશના વિકાસમાં સહભાગી થશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.



 

Comments

COMMENT / REPLY FROM