કંડલાની ઈમામી ઓઈલ કંપનીમાં કેમિકલથી ગુંગળામણ થતા સુપરવાઈઝર સહિત પાંચનાં મોત
કામદારોને કોઈપણ જાતના સુરક્ષાના સાધનો ન અપાતા બની ઘટના : કામદાર સુરક્ષાના ધજાગરા ઉડવા છતા આદિપુરની શ્રમ કચેરીનો કંઈ ન બન્યું હોવાનો વર્તારો : આકસ્મિક દુર્ઘટનાના બનાવથી હતભાગીઓના પરિવારમાં શોક છવાયો
ગઈકાલે રાત્રે ૧ર વાગ્યાના અરસામાં ઈમામી એગ્રો કંપની ખાતે બન્યો બનાવ : ટાંકામાં સેફટીના અભાવે સફાઈ કરવા જતા હતા ત્યારે ગુંગળાઈ જવાના કારણે પાંચ શ્રમિકોના શ્વાસ રૂંધાયા :
ગાંધીધામ : પૂર્વ કચ્છના કંડલા ખાતે આવેલી ઈમામી એગ્રો કંપનીમાં કેમિકલ ભરેલા ટાંકામાં ગુંગળાઈ જવાના કારણે પાંચ શ્રમીકોના મોત થતા ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે. આ સાથે કામદાર સુરક્ષાના ફરી એકવાર પૂર્વ કચ્છમાં ધજાગરા ઉડ્યા છે. તંત્ર કંપનીના જવાબદારો સામે કાર્યવાહી કરશે કે પછી લાજનો ઘુંઘટો તાણી લેશે તે તો આવનારો સમય બતાવશે પરંતુ બેદરકારીના કારણે પાંચ લોકોને અમુલ્ય જીવન ગુમાવવાનો વારો આવ્યો છે. હતભાગીઓના મોત સાથે પરિવાર ભાંગી પડતા અનેક જિંદગીઓ બરબાદ થઈ છે.
આ અંગેની વિગતો મુજબ કંડલા સંકુલ બારૂદના ગોળા પર બેઠું છે. અવાર-નવાર પૂર્વ કચ્છના ખાનગી એકમોમાં દુર્ઘટનાના બનાવો સામે આવે છે. જેમાં કામદારોને પુરતા સેફટીના સાધનો આપવામાં આવતા ન હોવાથી ઘટનાઓ બનતી હોય છે. કંડલા ખાતે બંદર આવેલું હોવાથી અહીં કેમિકલના મોટા સ્ટોરેજ ટાંકાઓ આવેલા છે. આ ટાંકાઓમાં સફાઈ કરવામાં આવતી હોય છે. કંડલામાં ઈમામી એગ્રો કેમિકલ કંપની ખાતે ગઈકાલે રાત્રે ૧ર વાગ્યાના અરસામાં દુર્ઘટના ઘટી હતી. અહીં સફાઈ કરવા માટે કામદારો જતા હતા તેઓ સીડી ચડ્યા ત્યારે અચાનક કેમિકલના કારણે ગુંગળામણ થતા બહાર જાય તે પહેલાં શ્વાસ રૂંધાવવાથી મોત થયા હતા. કંડલા મરીન પોલીસમાંથી મળેલી માહિતી મુજબ આ ઘટનામાં સુપરવાઈઝર સહિત પાંચનાં મોત થયા હતા. હતભાગીઓને રામબાગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ બનાવમાં સિદ્ધાર્થ તીવારી, અજમદ ખાન, આશીષ ગુપ્તા, આશીષ કુમાર અને સંજય ઠાકુરના જીવ ગયા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા જાણવા જોગ દાખલ કરવામાં આવી છે. આગળની તપાસ પીઆઈ વાળાએ હાથ ધરી છે. આ ઘટનાને પગલે આસપાસની કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓમાં પણ અરેરાટી સાથે ભય ફેલાઈ ગયો હતો. કેવા સંજોગોમાં બનાવ બન્યો તે અંગે તટસ્થ તપાસ થાય તે જરૂરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કર્મચારીઓને સેફટીના કોઈ સાધનો આપવામાં આવ્યા ન હતા. જેના કારણે આ બનાવો બન્યો હતો. જો કર્મચારીઓને માસ્ક, મોજા સહિત સુરક્ષાના સાધનો અપાયા હોત તો અટકાવી શકાયો હોત. ખરેખર આ ઘટનામાં કંપનીના માલિક ડાયરેક્ટર સહિતના જવાબદારો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવી જોઈએ અને સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવો જોઈએ તો જ હતભાગીઓને ન્યાય મળશે.
.................
ઓક્સિજન લેવલ ઘટતા સર્જાઈ દુર્ઘટના
સેફટી ઉપકરણોના અભાવે પાંચ માનવજીંદગીઓનો લેવાયો ભોગ
ગાંધીધામ : કંડલા સ્થિત ઈમામી કંપનીના ટેન્કમાં તળિયે સ્લચની સફાઈ કરવાની કામગીરી દરમ્યાન સામાન્ય બેદરકારી ભારે પડી હતી. ઓઈલ ટેન્કમાં સ્લચ જમા થવાના કારણે ઝેરી ગેસ ઉત્પન્ન થતો હોય છે. સામાન્ય રીતે સફાઈ માટે ટેન્કમાં જવાનું થતું નથી. પરંતુ આજે થઈ રહેલી કામગીરી દરમ્યાન કોઈ કારણસર સુરક્ષા ઉપકરણ વગર જ સુપરવાઈઝર ટેન્કમાં ઉતર્યા હતા. ટેન્કમાં ઓક્સિજન લેવલ ઘટી જતા ગૂંગળામણ થઈ હતી. તેમને બચાવવા પ્રથમ બે હેલ્પર ઓપરેટર અને તેઓ પણ પટકાઈ જતા વધુ બે કર્મીઓ ટેન્કમાં ગયા હતા. કોઈપણ સુરક્ષા ઉપકરણો વગર ટેન્કમાં ઉતરેલા પાંચેય હતભાગીઓને મોત આંબી ગયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, યોગ્ય સુરક્ષા ઉપકરણોના અભાવે કંડલામાં અગાઉ પણ અનેક જીવલેણ અકસ્માતો સર્જાયા છે તેમ છતાં જીવતા બોમ્બ સમાન ઓઈલ સ્ટોરેજ ટેન્ક વિસ્તારમાં સુરક્ષાના મુદ્દે વ્યાપક લાપરવાહી જોવા મળી રહી છે. આજની દુઃખદ ઘટનાએ ફરી એક વખત કંડલા ખાતે સુરક્ષાના નિયમોમાં દાખવવામાં આવતી બેદરકારીનું પ્રમાણ પૂરૂં પાડ્યું છે.
...........
ટેન્કના તળિયે સ્લજની સફાઈ દરમિયાન ઘટના બની
ગાંધીધામ : અહીંના કંડલા વિસ્તારમાં આવેલ ઈમામી એગ્રો ઓઈલ કંપનીના ઓઈલ સ્ટોરેજ ટેન્કમાં સફાઈ માટે ઉતરેલા સુપરવાઈઝર સહિત પાંચ કર્મચીઓના મોત થતાં ભારે અરેરાટી ફેલાઈ છે. કંડલા પોલીસ મથકના પીઆઈ શ્રી વાળાએ આ ઘટના અંગે પ્રાથમિક વિગત આપતા જણાવ્યું હતું કે, ઈમામી એગ્રો ઓઈલ કંપનીના ટેન્કના તળિયે સ્લજની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટાંકાના તળિયેથી સ્લજની સફાઈ કરવા માટે સુપરવાઈઝર અને તેમની સાથે અન્ય ચાર કર્મીઓ ટેન્કમાં ઉતર્યા હતા. જેમને ગૂંગળામણના કારણે પાંચેય લોકોના મોત થયાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

Comments