વાસી એપીએમસીનું ઓધવધામ વેપારીઓ માટે પ્રેરણાના સ્ત્રોત સમાન
દરરોજ મોટી સંખ્યામાં ઓધવ પ્રેમીઓ દર્શન અને પ્રસાદનો લઇ રહ્યા છે લાભ : પૂ. સંત હરિદાસજી મહારાજની પ્રેરણાથી શરૂ થયેલું ધર્મસ્થાન લોકો માટે આધ્યાત્મિક ચેતનાનું બન્યું કેન્દ્ર
મુંબઈ : ન્યુ મુંબઈના વાશી એપીએમસી માર્કેટમાં આવેલા ઓધવધામમાં દરરોજ ભક્તો બાપાના દર્શન અને પ્રસાદ લઈને પોતાના દિવસની શરુઆત કરે છે. દરરોજ ૮૦૦થી ૧૦૦૦ જેટલા ભક્તો પૂ. હરિદાસજી મહારાજની પ્રેરણાથી અને ભગવાનના આશીર્વાદથી પૂજન - અર્ચનામાં જોડાય છે. માર્કેટમાં કામ ધંધા પર લાગવા પહેલા, ભક્તો પૂ. ઓધવરામ બાપાના આશીર્વાદ લઈને દિવસની કામગીરી શરૂ કરે છે. ઓધવધામના આ પ્રાર્થના સ્થળે ભક્તો પૂજા અર્ચના અને સેવા કરતાં ઘણી તૃપ્તિ અનુભવે છે. સવારના દર્શન બાદ તેઓ પ્રસાદ ગ્રહણ કરે છે, જે તેમની અંદર આત્મિક શાંતિ અને ઉર્જાનો સંચાર કરે છે. સંધ્યા સમયે, જયારે ભક્તો પોતપોતાના ધંધાથી ઘરે પરત ફરે છે, ત્યારે ચાલીસા અને આરતી કરી પોતાના દિવસની શ્રેષ્ઠ પૂર્ણાહુતિ કરી ધન્યતા અનુભવે છે. માર્કેટના સર્વ વેપારી સભ્યો સેવા પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહે છે. જયારથી ઓધવધામનું નિર્માણ થયું છે અને સેવા પ્રવૃત્તિઓ શરૂ થઈ છે, તે સમયથી ભક્તિની જ્યોત જગાડાઈ છે. આ સ્થાન માત્ર ધાર્મિક અનુષ્ઠાન માટેનું જ નહીં, પણ ભક્તોને અનન્ય આનંદ અને શાંતિ પ્રદાન કરવાનું કેન્દ્ર બન્યું છે. ન્યુ મુંબઈના વાશી એપીએમસી માર્કેટનું ઓધવધામ ભક્તોને આંતરિક શાંતિ અને ધર્મની શક્તિ સાથે પોતાનાં દૈનિક કાર્યમાં શ્રેષ્ઠ કાર્યો કરવાની પ્રેરણા પ્રદાન કરે છે.

Comments