કચ્છમાં નમક ઉદ્યોગ ‘મુઠ્ઠીભર’ વગદાર ઉદ્યોગજૂથોની બની જશે ‘જાગીર’
... તો મીઠા ઉત્પાદન ક્ષેત્રે દેશમાં ‘મોખરે’ એવા
રાજ્ય સરકાર દ્વારા નમકના પ્લોટની અરજીઓને રિન્યુ કરવા પર લાદી દેવામાં આવી રોક : સંસદથી સ્થાનિક સ્વરાજ્ય સુધી સત્તા પક્ષનું શાસન છે, પરંતુ કચ્છના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ રાજ્ય સરકાર સુધી આ મુદે રજૂઆત કરવામાં વિફળ
વિપક્ષો હંમેશા ભાજપ શાસિત સરકારોને ઉદ્યોગપતિઓની સરકાર કહે છે ત્યારે સંવેદનહિન સરકાર નાના વ્યવસાયકારોની વાત સાંભળતી જ નથી તે વાત કચ્છના નમક ઉત્પાદકોને લાગી રહી છે યથાર્થ’’
દાયકાઓ સુધી જાતને ઘસી દઈ નમક ઉત્પાદન ક્ષેત્રે જિલ્લાને દેશમાં મોખરાનું સ્થાન અપાવનાર અગરિયાઓ અને નાના ઉત્પાદકોનો વ્યવસાય છિનવાઈ જવાની ભીતિ : જિલ્લાના સરકારી દફતરોમાં નાના અગરિયાઓની જમીન રિન્યુ અરજીઓ ધુળ ખાતી અવસ્થામાં પણ નવા વગદારોને જમીનની લ્હાણીથી ફેલાયો કચવાટ
ભુજ : કૃષિ અને પશુપાલન ક્ષેત્રે વિક્સિત કચ્છ જિલ્લો વિશાળ દરિયાકાંઠો ધરાવે છે, પરંતુ જિલ્લામાં સમુદ્ર આધારિત નમક ઉત્પાદન અને માછીમારી જેવા વ્યવસાયો જાણે મરણ પથારીએ હોય તેવો ઘાટ સર્જાયો છે. રાજ્ય સરકારની નીતિરીતિ અને સ્થાનિક અધિકારીઓ અને જનપ્રતિનિધિઓના અસહકારી વલણથી કચ્છમાં નમક ઉત્પાદન વ્યવસાય સાથે સંકળાયેલા નાના અગરિયાઓથી માંડી નમક પ્લોટ ધારકોના રોજગાર છિનવાઈ જવાનું સંકટ ઝળુબી રહ્યું છે.
આ અંગેની વિગતો મુજબ વિશાળ ભૂભાગ પર પથરાયેલા કચ્છ જિલ્લાને કુદરતે રણ, ડુંગર સાથે દરિયા જેવા પ્રાકૃતિક સૌદર્યની ભેટ ધરી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા, ત્યારે કચ્છીજનોને કચ્છનો દરિયાકાંઠો જિલ્લા વિકાસનું પ્રવેશદ્વાર બનશે અને કચ્છડો સમૃદ્ધિથી છલકાઈ જશે તેવું આશ્વાસન આપ્યું હતું. જિલ્લામાં વર્ષ ર૦૦૧માં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ બંદરીય ક્ષેત્રે ભરપુર વિકાસ અવશ્ય થયો છે, પરંતુ સમુદ્ર સાથે સંકળાયેલ નમક ઉત્પાદન અન માછીમારી જેવા વ્યવસાયોની દશા દુર્દશામાં પલટાઈ ગઈ છે. છેલ્લા થોડા વર્ષોથી કચ્છમાં નમકનું ઉત્પાદન કરતા નાના ઉદ્યોગકારો અને મીઠાના અગરિયાઓનું જીવન દુર્ભર બની ગયું છે. રાજ્ય સરકાર દ્વારા નમકના પ્લોટની અરજીઓને રિન્યુ કરવા પર રોક લાદી દેવામાં આવી છે. રાજ્ય સરકારના આદેશ બાદ જિલ્લા વહિવટીતંત્ર પાસે હજારો નમક ઉત્પાદકો અને નાના અગરિયાઓની નમકના પ્લોટ માટેની અરજીઓ પડતર ધૂળ ખાતી અવસ્થામાં પડી રહી છે. કોઈ પણ યોગ્ય કારણ વિના અરજીઓને અકળ કારણોસર પેન્ડિંગ રાખી દેવામાં આવતાં કચ્છમાં લાખો શ્રમજીવી પરિવારોને સ્વમાનભેર રોજગાર પુરૂ પાડતા નમક ઉત્પાદનનો વ્યવસાય મંદીની ગર્તામાં ધકેલાઈ ગયો છે. જયાં એકતરફ સરકારના આદેશના પગલે ૧૦-ર૦ એકરના પ્લોટ ધરાવતા નાના અગરિયા કે નમક ઉત્પાદકોની રિન્યુ અરજીઓ પડતર પડી છે, તેવામાં જ જુના પ્લોટ ધારકોની માંગણીઓને નજર અંદાજ કરી મોટા ઉદ્યોગ જૂથોની નવી અરજીઓને મંજૂરીની મ્હોર લાગી જતાં કચવાટ ફેલાયો છે. રાજકીય વગ ધરાવતા મોટા ઉદ્યોગકારોની નવી અરજીઓ મંજૂર થઈ છે અને ૯ હજાર એકર જેટલી જમીનની ફાળવણીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પ્રવેશી છે, જેના કારણે કચ્છમાં વર્ષોથી નમકનું ઉત્પાદન કરી દેશભરમાં નમક ઉત્પાદન ક્ષેત્ર કચ્છને ટોચનું સ્થાન અપાવનાર નાના ઉત્પાદકોના માનસમાં સરકારે વિશ્વાસઘાત કર્યો હોવાની લાગણી ફેલાઈ છે. કચ્છમાં દાયકાઓની નમક ઉત્પાદક કામગીરી સાથે સંકળાયેલા વ્યવસાયકારો જણાવી રહ્યા છે કે, કચ્છનો દરિયા કિનારો નમકના ઉત્પાદન માટે આદર્શ સ્થાન છે. રણ અને સમુદ્ર જેવા પ્રાકૃતિક સંશાધનોના કારણે કચ્છ જિલ્લો નમક ઉત્પાદન ક્ષેત્રમાં દેશનું હબ બન્યું છે. કચ્છમાં નવા ઉધોગકારોને સમાવી લેવા ખુબ વિશાળ ક્ષમતા ઉપલબ્ધ છે. નમક ઉત્પાદનમાં નવા અને મોટા ઉદ્યોગો આવે તે આવકાર્ય છે પરંતુ વર્ષોથી આ વ્યવસાય સાથે સંકળાયેલા નાના વર્ગના પ્લોટ છિનવી લઈ મોટા ઉદ્યોગજૂથોને આપી દેવાની નીતિ સ્વીકાર્ય નથી. કચ્છના નાના ઉત્પાદકોની વેદના સરકારના કાન સુધી પહોંચતી નથી. સંસદથી સ્થાનિક સ્વરાજ્ય સુધી સત્તા પક્ષનું શાસન છે, પરંતુ કચ્છના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ રાજ્ય સરકાર સુધી આ મુદે રજૂઆત કરવામાં વિફળ રહ્યા છે, તેથી જુના વ્યવસાયકારોનો રોજગાર છિનવાયો છે તેવો બળાપો ઉઠી રહ્યો છે.
વિપક્ષીનેતા રાહુલ ગાંધી, અરવિંદ કેજરિવાલ વગેરે હંમેશા ભાજપ શાસિત સરકારોને ઉદ્યોગપતિઓની સરકાર કહે છે. સંવેદનહિન સરકાર નાના વ્યવસાયકારોની વાત સાંભળતી જ નથી તે વાત કચ્છના નમક ઉત્પાદકોને યથાર્થ લાગી રહી છે.
નાના અગરિયા અને ઉત્પાદકોની રિન્યુ અરજીઓ સરકાર દફતરોમાં ધુળ ખાઈ રહી છે અને મોટા વગદાર ઉદ્યોગપતિઓ સ્થાનિક ભ્રષ્ટ અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી પોતાની નવી ફાઈલો મંજૂર કરાવી રહ્યા છે, જેમાં બદનામીનો દાગ રાજ્ય સરકારના લલાટે લાગી રહ્યો છે અને કચ્છના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સામે આક્રોશ વધી રહ્યો છે. રોજગાર છિનવાઈ જતાં આર્થિક રીતે પાયમાલ થઈ ગયેલા હજારો અગરિયાઓ અને નાના વ્યવસાયકારોની વેદના સમજી રાજ્ય સરકાર સત્વરે ઉચિત નિર્ણય કરે તે ઈચ્છનીય છે. અન્યથા દેશમાં નમક ઉત્પાદન ક્ષેત્રે ટોચના ક્રમે રહેલા જિલ્લામાં નમક ઉત્પાદનનો વ્યવસાય માત્ર મુઠ્ઠીભર મોટા વગદાર ઉદ્યોગપતિઓ પુરતો સિમિત થઈ જશે તેવી વ્યથા સ્થાનિકે વ્યક્ત થઈ રહી છે.

Comments