નખત્રાણામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પથ સંચલન
નખત્રાણા : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નખત્રાણાનગર દ્વારા વિજયા દસમી નિમિતે સ્વયંસેવકોનું નગરના મુખ્ય માર્ગો પર પથ સંચલન ઘોષના તાલ સાથે નિકળ્યું હતું. નગરના લોકોએ ઉત્સાહ અને આનંદથી વરસતા વરસાદ વચ્ચે ભારત માતા કી જયના નારા તેમજ પુષ્પ વૃષ્ટિથી સંચલનનું સ્વાગત કર્યું હતું. સત્યનારાયણ મંદિરેથી પથ સંચલન પ્રસ્થાન કર્યું હતું. નગરના પાટીદાર સમાજવાડી, વથાણચોક, બસ સ્ટેશન, પંચમુખા હનુમાન મંદિરથી પસાર થઈ હતી. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. દંડ, ગણસમાન (પરેડ) રમતો ઘોષ (બેન્ડ)નું શિસ્તબદ્ધ નિર્દેશન કરાયું હતું. આ પ્રસંગે કચ્છ વિભાગ ધર્મજાગર સંયોજક હિંમતસિંહ સોઢાએ પ્રસંગોચિત ઉદ્દબોધનમાં શાસ્ત્ર અને શસ્ત્ર બંનેનું મહત્વ સમજાવ્યું હતું. વર્તમાનમાં ઉંચનીચ, ભેદભાવ, ત્રાસવાદ, સાંસ્કૃતિક આક્રમણ, પર્યાવરણ, અસંતુલન વગેરે પડકારો છે, જેનો ઉકેલ સંગઠન સક્રિય હિન્દુ સમાજ છે. પ્રાર્થના - ગીત રજૂ થયા હતા. નિલેશ રૈયાણીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સંપન્ન થયો હતો.

Comments