Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં મકાન ભાડે આપી પોલીસમાં જાણ ન કરાવનાર સામે હવે સામૂહિક કાર્યવાહી

14 October

મુંબઈમાં બાબાસિદિકીની હત્યામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગની સંડોવણી ખુલ્યા બાદ




મુંદરા, ગાંધીધામ, અબડાસા વિસ્તારમાં સ્થાનીક પોલીસે કેસો શોધ્યા



ભુજ : મુંબઈમાં એનસીપીના નેતા બાબા સિદિકીની ગોળી ધરબી હત્યા કરવામાં આવી હતી, જેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગે જવાબદારી સ્વીકારી છે. તેમજ સલમાન ખાનને ફરી એકવાર ધમકી આપવામાં આવી છે, જેથી સુરક્ષા વધારી દેવામાં આવી છે. ભૂતકાળમાં પંજાબી સીંગર સિધ્ધુ મુસેવાલાની હત્યા થઈ ત્યારે લોરેન્સ ગેંગના સાગરીતો કચ્છમાં આવીને છુપાયા હતા. તેમજ ગત એપ્રીલ મહિનામાં સલમાન ખાનના ઘર બહાર ફાયરીંગ કરનારા બે શખ્સો પણ કચ્છમાં આવી છુપાયા હતા. માતાનામઢમાંથી તેઓને ભુજ એલસીબીએ દબોચી લીધા હતા. ખુદ લોરેન્સ બિશ્નોઈ નલિયાની કોર્ટમાં ડ્રગ્સ કેસમાં ત્રણ વખત હાજરી પુરાવી ચુકયો છે. કચ્છમાં ઔદ્યોગીક વસ્તીના કારણે પરપ્રાંતિયોની અવરજવર વધી છે ઉપરાંત ગુનેગારોને છુપાવવા માટે જાણે કચ્છમાં મોકળું મેદાન હોય તેમ ગુનો આચરી આવા તત્ત્વો કચ્છમાં છૂપાઈ જાય છે. જેથી પોલીસ એલર્ટ મોડમાં આવી છે. અલગ અલગ વિસ્તારમાં છાનબીન કરવામાં આવી રહી છે. જેમાં પરપ્રાંતિયને મકાન ભાડેથી આપી પોલીસમાં જાણ ન કરાવનારા લેબર કોન્ટ્રાકટરો, મકાન માલીકો સામે ફરિયાદો દાખલ કરવામાં આવી રહી છે.ભુજ એસઓજીના પીઆઈ વી. વી. ભોલાના માર્ગદર્શનમાં મુંદરા વિસ્તારમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સુખપરના શકુરભાઈ સતારભાઈ રાજડે પરપ્રાંતિયને મકાન ભાડેથી આપી નોંધ કરાવી ન હતી. તેમજ અબડાસાના વાગોઠમાં હસન ઓસમાણ અબડાએ પરપ્રાંતિયને મકાન ભાડેથી આપી આધાર પુરાવા મેળવ્યા ન હતા. બીજીતરફ ગાંધીધામમાં નવી સુંદરપુરી ખાતે રોનકભાઈ મોહનભાઈ સથવારા, ઈબ્રાહીમ ઈશાકભાઈ જુણેજા, મેઘપર બોરીચીમાં રમેશ હિંમતલાલ ભુવા, દિનેશભાઈ અમરતભાઈ સોલંકી, અંજાર અંબિકાનગરના બલરામભાઈ રઘુભાઈ વરૂ, અજાપરના મસરૂભાઈ વીશાભાઈ રબારી, વરસામેડીના સંતોષકુમાર પ્રતાપભાઈ ભુરીયાએ પોતાનું મકાન પરપ્રાંતિય ઈસમને ભાડેથી આપી તેની પાસેથી આધાર પુરાવા ન મેળવી સ્થાનીક પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા ન હતા, જેથી કલેકટરના જાહેરનામા ભંગ બાબતે અનુક્રમે એ ડિવિઝન અને અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહત્વનું છે કે, જિલ્લો આંતરરાષ્ટ્રીય બોર્ડર હોવા ઉપરાંત અહીં સેંકડો કંપનીઓ, પોર્ટ તેમજ હવે તો વિશ્વનો સૌથી મોટો સોલાર એનર્જી પાર્ક 
આવેલો છે. ધંધા રોજગાર માટે પરપ્રાંતિયો આવતા હોય છે પણ તેની આડમાં અમુક અસામાજીક તત્વો ઘૂસી આવતા હોય છે. જેઓ શહેર - ગામડામાં મકાન ભાડે રાખી સ્થાનીક માહિતીથી વાકેફ થઈ ગંભીર ગુનાઓને અંજામ આપતા હોય છે ત્યારે પરપ્રાંતિયોને મકાન ભાડેથી આપતા પહેલા સ્થાનીક પોલીસ સ્ટેશનમાં મકાન માલીકે ભાડુઆતનું ઓળખપત્ર, ફોટોગ્રાફ સહિતની વિગતો જમા કરાવવી જરૂરી છે. કલેકટર દ્વારા આ બાબતે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે.

 

Comments

COMMENT / REPLY FROM