Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ શાખા નહેરમાં નર્મદાના નીર વહેતા થયા : બે દિવસમાં પાણી પહોંચશે

14 October



વાગડ વિસ્તારમાં એરંડા, કપાસ સહિતના પાકને નર્મદાના પાણીથી મળશે જીવનદાન : ૧પમી માર્ચ સુધી કેનાલમાં સતત પાણીનો પ્રવાહ ચાલુ રહે  તે માટે રાપર ધારાસભ્યની નર્મદા નિગમને રજૂઆત


ભુજ : ગુજરાત સરકારના અને નર્મદા નિગમના ધારાધોરણ મુજબ રવિ સીઝન માટે નર્મદાના નીર ૧૫મી ઓક્ટોબરથી ચાલુ કરીને ૧૫મી માર્ચ સુધી પુરા પાડવાનું આયોજન  છે. નર્મદા ડેમમા પાણીનો જથ્થો ઉપલબ્ધ હોય અને ખરીફ પાકોમાં જરૂર જણાય તો ખરીફ પાકો માટે પણ પાણી આપવામાં આવે છે.
કચ્છમાં વધુ વરસાદ પડતાં કઠોળ વર્ગના પાકોનો મોટાભાગે નાશ થયો છે. એરંડા, કપાસમાં પાણીની તબક્કાવાર જરૂર પડતાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના સંકલનથી નર્મદાના નીર મળતા રહે છે. કચ્છ શાખા નહેરમાં અમુક સ્થળોએ કેનાલ રીપેરીંગ કરવાની ખાસ જરૂર હોય રીપેરીંગ કામો પૂર્ણ થવામાં ૨૫મી ઓક્ટોબર આવી જાય તેમ હતું પરંતુ કાળઝાળ ગરમીને કારણે એરંડા, કપાસના પાકોને ખાસ જરૂર ઊભી થતાં ધારાસભ્યના ભચાઉ સ્થિત ફાર્મ હાઉસે ખેડુતોએ રૂબરૂ મળીને રજુઆત કરતા ધારાસભ્યે ઉચ કક્ષાએ રજુઆત કરતા તેમજ સ્થાનિક લેવલે ભલામણ કરી કે, રીપેરીંગના કામો એવી રીતે ઝડપથી પુરા કરવામાં આવે જેથી કરીને પાણી ઝડપથી ચાલુ કરી શકાય, આ વિચારને નર્મદા નિગમ દ્વારા સહર્ષ સ્વીકાર કરી તેની અમલવારી કરી હતી. તંત્ર દ્વારા કચ્છ શાખા નહેરમાં આજે ૧૪મી ઓક્ટોબરના સવારમાં મુખ્ય કેનાલમાંથી નર્મદાના નીર પ્રવેશ કરી ચૂક્યા છે અને લગભગ ૧૬મી ઓક્ટોબરના કચ્છમાં પ્રવેશ કરી જશે. ખેડુતોની મુરઝાતી પાકને જીવતદાન મળી જશે. રાપર શહેર સહિત પીવાના પાણીથી તકલીફ ભોગવી રહેલ વિસ્તારોને જળ સંકટમાંથી મુક્તિ મળશે. હવે ૧૫મી માર્ચ ૨૦૨૫ સુધી કેનાલ સતત ચાલુ રહે તેવું આયોજન કરવા ધારાસભ્યે નર્મદા નિગમને ભલામણ કરી દીધી છે. કચ્છ શાખા નહેરમાં નર્મદાના નીર વહેતા થયાના સમાચાર સાંભળી સૌ કોઈ ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. સાથે ધારાસભ્યનો આભાર માનયો હતો. નર્મદા નિગમ સાથે, ખેડુતો તેમજ કોન્ટ્રાકટરો સાથે યોગ્ય સંકલન ભાજપ યુવા નેતા રાજેશભાઈ આહીરે કર્યું હતું. નર્મદામાં ઝડપી પાડી વહેતું થાય તે માટે ગાંધીનગર, રાધનપુર અને કચ્છ જિલ્લા નર્મદા નિગમ, કોન્ટ્રાકટરોએ હકારાત્મક સહયોગ કર્યો છે. સાથે ધારાસભ્યે ખેડુતો માંગણી પત્રકો અવશ્ય ભરે તેવા સૂચનને ખેડુતો અમલવારી કરે અને પોતાની ફરજ બજાવે તેવું જણાવ્યું હતું. 


................


એન્જીન કે પંપ મુકી પાણી ઉલેચાશે તો કાર્યવાહી થશે


કચ્છમાં નર્મદાના નીર આવ્યા બાદ વાગડ વિસ્તારમાં ખેતીક્ષેત્રે ક્રાંતિ આવી છે પરંતુ તેની સાથે પાણી ચોરીના બનાવો વધી રહ્યા છે. કેનાલ પર એન્જીન કે પંપ ગોઠવીને પાણી ઉલેચવામાં આવે છે પરિણામે વાગડને બાદ કરતા અન્ય વિસ્તારો સુધી પુરતા પ્રમાણમાં પાણી પહોંચતું નથી. આજની તારીખે પણ પશ્ચિમ કચ્છના વિસ્તારો પાણી માટે રઝળપાટ કરતા હોય છે. છેવાડાના દયાપર ખાતે ખુદ ભાજપના જ લોકો પીવાના પાણી માટે અઠવાડીયાથી ધરણા કરીને બેઠા છે. ખુદ તંત્ર સ્વીકારે છે, પાણી ચોરી થાય છે પણ પકડવામાં આવતી નથી. આ વખતે નિગમે એવું જાહેર કર્યું છે કે નર્મદા નહેરમાં એન્જીન કે પંપ મુકી ગેરકાયદે પાણી ઉલેચવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે. નહેરને નુકશાન થાય તેવી કામગીરી કરવી નહીં, પાળા તોડીને પાણીની લાઈનો પસાર કરવી નહીં. ગેરકાયદે રીતે ગેટ ખોલ - બંધ કરવા નહીં. નહેરના પાળામાંથી માટી લેવી નહીં. જો આ પ્રમાણેની કામગીરી ધ્યાને આવશે તો સબંધીતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ સાથે નહેરમાં પશુ કે માનવીએ ઉતરવું નહીં અને સિંચાઈના બાકી લેણા ભરપાઈ કરવા માટે અપીલ કરવામાં આવી છે.

Comments

COMMENT / REPLY FROM