કચ્છમાં ઈમ્પેકટ ફી અધિનિયમ બન્યો દબાણકારો માટે ઢાલ સમાન
અમુક બાંધકામ ઈમ્પેકટ ફીમાં ન હોવાતો હોવા છતાં દબાણકારો ઈમ્પેકટ ફીમાં અરજી કરી છતાં તંત્ર તરફથી કોઈ જવાબ ન હોવાથી ચલક ચલાણુ ચલાવી રહ્યા છે...
ભુજ : કચ્છ સહિત રાજયમાં ૧પ લાખથી વધુ ગેરકાયદસર બાંધકામોને કાયદેસર કરવા માટે રાજય સરકારે વર્ષ ર૦૧રમાં ઈમ્પેકટ ફી અંગેનો કાયદો અમલમાં મુકયો હતો. જો કે શરૂઆતી તબક્કામાં જટીલ નિયમો અને જંત્રી આધારિત ધરખમ ઈમ્પેકટ ફી વસુલી લેવાની ગણતરીના કારણે કાયદાને સફળતા મળી ન હતી. જેના કારણે છેવટે સરકારે કાયદાના નિયમો અને પ્રક્રિયાને સરળ કરી ફીના ધોરણોમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો હતો. સરહદી કચ્છ જિલ્લામાં નિયત ઈમ્પેકટ ફી ભરી ગેરકાયદેસર બાંધકામોને નિયમીત કરાવવા જુજ જ લોકોએ રસ દાખવ્યો છે. પરંતુ ઈમ્પેકટ ફી અધિનિયમ કચ્છમાં કાયદેસર રીતે પોતાની જમીન ન હોય કે ઈમ્પેકટ ફીની જોગવાઈમાં સમાવિષ્ટ ન થઈ શકે તેવા બાંધકામ કરનાર દબાણકારો માટે ઢાલરૂપ બની ગયો છે.
આ અંગે વિગતો આપતા આધારભુત સુત્રો જણાવી રહ્યા છે કે કચ્છ જિલ્લામાં ગેરકાયદે બાંધકામ ખુબ મોટા પ્રમાણમાં થયું છે. પોતાની માલિકીની જમીન પર ચણી દીધેલા મંજુરી વગરના વધારાના બાંધકામના ઈમ્પેકટ ફી ભરી નિયમીત કરી શકાય તેવી કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ આ અધિનિયમ હેઠળ રાજય સરકાર, સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની માલિકીની જમીન, સંપાદિત કરેલી જમીન, વિકાસ યોજનાઓ માટેની જમીન, રસ્તા, લાઈન દોરીની જમીન, જળમાર્ગો, તળાવો, નદીના પટ, કુદરતી ગટરના સ્થળો, ફાયર સેફટી ન હોય તેવા બાંધકામોને કાયદેસર કરી શકાય નહી. માલિકીની જમીન પર થયેલા રહેણાંક કે ધંધાદારી હેતુસરના ગેરકાયદેસર બાંધકામ નિયત ફી ભરી કાયદેસર કરી શકાય છે. ત્યારબાદ મિલકતધારક તે મિલકતને પોતાના નામે ચઢાવી શકે છે. વેચી કે બક્ષીસ આપી શકે છે બેન્ક અથવા નાણાંકીય સંસ્થાઓમાંથી લોન પણ મેળવી શકે છે. જાણકારો કહે છે કે કચ્છમાં અનેક લોકો આ અધિનિયમનો દુરૂપયોગ કરી રહ્યા છે. ઈમ્પેકટ ફી અધિનિયમ હેઠળ ન આવે તેવા ગેરકાયદેસરના બાંધકામોને નિયમીતકરણની અરજી કરી રહ્યા છે. જેના કારણે જ્યારે તંત્ર દ્વારા દબાણ હટાવવાની ધોંસ બોલાવવામાં આવે છે. ત્યારે બાંધકામને નિયમીત કરવા ઈમ્પેકટ ફી માટે નોંધણી કરાવી હોવાનું દર્શાવી બાંધકામને બચાવી લેવામાં આવે છે. ભુજ શહેરની વાત કરીએ તો જ્યુબીલી સર્કલ, હોસ્પીટલ રોડ, વાણીયાવાડ, જ્યુબીલીથી પ્લેન સર્કલ, કોલેજ રોડ સહિત અનેક બાંધકામ વિવાદમાં છે પંરતુ ઈમ્પેકટમાં અરજી કરી છે તેવું કહી ચલક ચલાણું ચલાવી રહ્યા છે. તંત્રને પણ ખબર છે કે આ અરજી રદ કરી અથવા જવાબ આપીને કાયદેસરની કાર્યવાહી કરી શકે છે પરંતુ આવી અનેક ફાઈલો કોઈ વજનના કારણે દબાવી દેવામાં આવે છે. કચ્છમાં ભુજ, ભચાઉ, રાપર સહિતના શહેરી વિસ્તારોમાં શહેરી વિસ્તાર વિકાસ સત્તા મંડળોને ઈમ્પેકટ ફી અધિનિયમ હેઠળ અનિયમીત બાંધકામોને નિયત ફી વસુલી નિયમિત કરવાની સત્તા આપવામાં આવી છે. પરંતુ સત્તા મંડળની કચેરીઓમાં આ કામગીરી ખુબ ધીમી ગતિએ થતી હોવાની વ્યાપક ફરિયાદો સમયાંતરે ઉઠતી રહે છે. કચ્છમાં આવેલ સત્તા મંડળોની કચેરીઓમાં આઅધિનિયમ હેઠળ બાંધકામોને નિયમીત કરાવવાની અનેક અરજીઓ હાલે પેન્ડીંગ પડી છે. જેમાં મોટા પ્રમાણમાં ઈમ્પેકટ ફી અધિનિયમ અંતર્ગત સમાવિષ્ટ ન થતી હોય તેવી અરજીઓ પણ હોવાનું સુત્રો જણાવે છે. તંત્ર દ્વારા પડતર અરજીઓનો સમયસર નિકાલ કરવામાં આવે તો અનેક ગેરકાયદેસર દબાણોને દુર કરવાના આડે અરજી કરી દીધાના આવતા અંતરાય દુર થઈ શકે તેવું જાણકારો વધુમાં જણાવી રહ્યા છે.

Comments