પૂર્વ કચ્છમાં ખનીજ તસ્કરો પર તંત્રનો સપાટો
કંડલા અને વાગડમાંથી ગેરકાયદેસર ખનીજનું વહન કરતા ૪ વાહનો પકડાયા : ૧ કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી દંડનીય રકમ રૂા. ૧૦લાખની વસુલાત માટે હાથ ધરાઈ કામગીરી
ભચાઉ પ્રાંત અધિકારી અને પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગની ફલાંઈગ સ્કવોર્ડની આકસ્મિમ તપાસથી ખનીજ ચોરોમાં ફેલાયો ફફડાટ
ગાંધીધામ : કચ્છ જિલ્લામાં માન્ય લીઝો પર ખનન બંધ થતાં ગેરકાયદેસર ખનન અને વહનની પ્રવૃત્તિમાં ઉછાળો આવયો છે. ઈસી અને માયનીંગ પ્લાનના વાયોલેશનના પગલે રાજય સરકારનો આદેશ થતાં ખાણ ખનીજ વિભાગે અનેક લીઝના એટીઆર બંધ કર્યા છે. લીજો થયા બાદ કચ્છમાં ખનીજ ચોરીનું પ્રમાણ વધ્યું હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે ભચાઉ પ્રાંત અધિકારી અને ખાણ ખનીજ વિભાગની ફલાંઈગસ્કવોર્ડ દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવયું છે. આ તપાસ દરમ્યાન કંડલા અને વાગડમાંથી ગેરકાયદેસર ખનીજ વહન કરતા ૪વધુ વાહનો ઝડપી પાડવામાં આવ્યા છે.આ અંગેની વિગતો મુજબ ભચાઉ પ્રાંત અધિકારી અને ખાણ ખનીજ વિભાગની ફલાંઈગ સ્કવોર્ડ દ્વારા પુર્વ કચ્છના વિવિધ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું. ગત તા. ૯-૧૦ ગાંધીધામ કંડલા વીસ્તારમાં હાથ ધરાયેલ ચેકીંગમાં ૧ ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યું હતું. જ્યારે તા. ૧૦-૧૦ ના લાકડીયા-આડેસર હાઈવે પરથી ખનીજભરેલા ૩ ડમ્પર વાહનો ઝડપાયા હતા. બે ડમ્પરમાં ચાઈનાકલે ખનીજ અને ૧ ડમ્પરમાં સાદી રેતી અને હાર્ડ મોરમ ભરેલ ૧ ડમ્પર સહિત બે દિવસમાં કુલ ૪ વાહનો ઝડપી પાડવામાં આવ્યા હતા.આ કામગીરીમાં અંદાજીત રૂા. ૧ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વાહનોને સીઝ કરાયા હતા. આ ઉપરાંત દંડનીય રકમ રૂા. ૧૦ લાખની વસુલાત માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પુર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર ખનીજ વહન કરતા વાહનો પર સપાટો બોલાવતા ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

Comments