પીપરીમાં જુગાર ક્લબ પર કચ્છ-સૌરાષ્ટ્ર-હળવદના ખેલીઓનો જમાવડો
ખાનગી વાડીમાં ચાલતી જુગાર પર પોલીસના આંખ આડા કાન : ભુજમાં ક્રોસ રેડ થઈ શકે તો પીપરીમાં કોની શરમ નડે છે ?
માંડવી : તાલુકાના પીપરી ગામે અગાઉ જુગાર કલબ ધમધમતી હોવાની વાતો સામે આવી ચૂકી છે અને પોલીસ દ્વારા સમ ખાવા પૂરતી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે હવે તો કચ્છ, સૌરાષ્ટ્ર અને હળવદ, ધાંગધ્રા સહિતના પંથકના જાણીતા ખેલીઓનો આ જુગાર પર જમાવડો થાય છે. હાલ નવા એસપી ચાર્જ સભાળ્યા બાદ લાંબા સમયથી ચાલતી જુગાર અને ખનીજ ચોરોમાં છુપો ફફડાટ છે. પુર્વ એસ.પી.ની જેમ પશ્ચિમ એસ.પી શ્રી વિકાસ સુંડા પણ ક્રોસ રેડ કરાવે તો કેટલાકના પગ નીચે રેલો આવે તેમ હોઈ પોલીસ અને જુગારી સંચાલકોને થોડો ધ્યાન રાખજો તેવો પણ કહેતા ફરે છે. શ્રાવણમાં ભુજની આસપાસ ત્રણથી ચાર જેટલી જુગાર ક્લબો ધમધમતી હતી તે દરમિયાન એસપીના ચાર્જમાં રહેલા પૂર્વ કચ્છ પોલીસ વડાએ નાગોર મધ્યે ધમધમતી પૂજનની જુગાર પર ક્રોસ રેડ કરાવી હતી જેમાં સંચાલક સહિતના ખેલીઓ ઝડપાયા હતા. હાલ છેલ્લા થોડા દિવસોથી પીપરી ગામે વાડીએ મોટી જુગાર ધમધમી રહી છે જે અંગે આ પંથકના લોકો તેમજ જિલ્લાની પોલીસ અને કચ્છ સૌરાષ્ટ્રના ખેલીઓ માહિતગાર હોવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ સમ ખાવા પૂરતી કાર્યવાહી
થતી નથી તે ઘણું બધું કહી જાય છે. ખાનગી માલિકીની વાડીએ ચાલતી આ જુગાર પર ભુજ, માંડવી, અંજાર, આદિપુર, ગાંધીધામ, સામખીયાળી, રાપર, હળવદ, ધ્રાંગધ્રા, મોરબી અને રાજકોટના જાણીતા સંચાલકો અને ખેલીઓનો ભારે જમાવડો થાય છે અને દરરોજ કરોડ રૂપિયાથી વધુની હારજીતના દાવ લાગે છે આટલી મોટી જુગાર હોવા છતાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી થતી નથી તે આશ્ચર્યર્ સર્જાયું છે.
................
જાણીતા ખેલીઓ ૧૦-૧૦ લાખ લઈને રમવા જાય છે
પીપરીમાં વાડીએ ચાલતી જુગાર પર કચ્છ સૌરાષ્ટના જાણીતા ખેલીઓ મોટી રકમ લઈને ક્લબ પર જતા હોવાની વાત સંભળાઈ રહી છે. જુગાર ક્લબ ઉપર દરોડો પાડવામાં આવે તો ઓછામાં ઓછા ૬૦ થી ૭૦ લાખ રૂપિયા રોકડ મળી આવે તેમ છે.
...........
અગાઉ એલસીબી આંટો મારી હોવાની વાત પણ ચર્ચામાં
લાંબા સમયથી પીપરીમાં ચાલતી જુગાર ક્લબ પકડવા માટે અમુક અધિકારીઓ સક્રિય હોવાની વાત પણ ચર્ચા રહી છે. અગાઉ બે થી ત્રણ વખત એલસીબીની ટીમ ત્યાં આંટો મારીને ખાલી હાથે પરત ફરી હોવાની વાત પણ ચર્ચામાં રહી છે ટીમ ત્યાં પહોંચે તે પહેલા જ અમુક ભ્રષ્ટ અને પલળેલા પોલીસ કર્મચારીઓ સંચાલકોને મેસેજ પાસ કરી દેતા હોય છે જેથી જુગાર પર રહેલા ખેલીઓ વાડીઓમાં છૂટા છૂટા થઈને નીકળી જતા હોય છે જેના લીધે રેડ સફળ થતી નથી તેવી એક ચર્ચાએ પણ ભારે જોર પકડ્યું છે ત્યારે હવે પોલીસ દ્વારા ફરીથી કોઈ કાર્યવાહી થાય છે કે નહીં તે જોવું રહ્યું. હાલ જુગાર ચાલી રહી છે જેમાં પોલીસનો છુપે આર્શિવાદ હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.

Comments