Trending News
સ્થાનિક સમાચાર

માતાનામઢે હજારો ભાવિકો વચ્ચે હનુવંતસિંહે પતરી પ્રસાદ ઝીલ્યો  ’

11 October

જય ભવાની... જય અંબે... આશાપુરા માતા કી જયના નાદ ગુંજયા...





ચાચરાકુંડથી ચામર યાત્રામાં હજાર નરનારી જોડાયા : ટ્રસ્ટીઓ તથા રાજકીય, સામાજિક, ધાર્મિક અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત : હવનની રાત્રે એકાદ લાખ ભાવિકોએ લાભ લીધો : ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો 



નખત્રાણા : કચ્છની આસ્થા સાથે જોડાયેલા દેશ દેવ આશાપુરા મંદિરે સમસ્ત કચ્છની સુખાકારી માટે રાજ પરિવારના હાથે લેવાતી પતરી પરંપરાના અનેક ચડાવ ઉતાર બાદ રાજ્યની વડી અદાલતે હનુવંતસિંહના પક્ષને સમર્થન આપતાં આજે આઠમના વહેલી સવારે ૮ઃ૧૦ વાગ્યે ચાચરાકુંડ ખાતે પતરી પ્રસાદની ધાર્મિકવિધિ યોજાઈ હતી. બાદમાં ચચરા ભવાની માતાજીને પગે લાગી ચામરયાત્રા ચાચરકુંડથી માતાનામઢ મંદિર તરફ પ્રસ્થાન કર્યું હતું. રજવાડી ડ્રેસમાં ખુલ્લા પગે હનુવંતસિંહજીની સવારી નિકળી હતી. જય ભવાની જય અંબે આશાપુરાજી માતા કીના જય ઘોષ સાથે ઢોલ શરણાઈ અને ડાકલિયાના ઘેરા ડાકના નાદ સાથે નિકળેલી ચામરયાત્રામાં હજારો નરનારી જોડાયા હતા. આશાપુરાજી મંદિરે પતરી, પૂજા, આરતી બાદ પતરી - પ્રસાદ ઝીલ્યો હતો. પતરી ઝીલવામાં થોડોક વિલંબ થયો હતો. પતરી પ્રસાદ ઝીલતા અવસરે ઉપસ્થિત હજારો માઈ ભક્તોની આંખો ભીની થઈ હતી. પતરીવિધિ ટાંકણે હનુવંતસિંહજી તથા તેમના પરિવાર અને પ્રતાપસિંહજી જાડેજા, અનિરૂદ્ધસિંહ જાડેજા, જાગીરના ટ્રસ્ટીઓ ખેંગારજી જાડેજા, પ્રવીણજી વાઢેર, કનૈયાલાલ કટારિયા, ચત્રભુજ ભાનુશાલી, પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા સહિત માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પતરી - પ્રસાદ ઝીલ્યા બાદ હનુવંતસિંહજીએ રાજ પરંપરા મુજબ રાજાબાવા યોગેન્દ્રસિંહના નિવાસસ્થાને ગયા હતા. ત્યાં ગુરૂગાદીના દર્શન કર્યા હતા. અને ત્યારબાદ રાજાબાવા યોગેન્દ્રસિંહજી પણ પરંપરા અનુસાર રાજવી પરિવારના નિવાસસ્થાને જઈ ત્યાં શુભેચ્છા મુલાકાત લીધી હતી. ગત રાત્રે મંદિરમાં આવેલા યજ્ઞ શાળા ખાતે મઢ જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે હોમહવન વિધિ આદરાઈ હતી. આચાર્ય દેવકૃષ્ણ વાસુ તેમજ ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હોમ હવનની વિધિ કરાઈ હતી. આ ટાંકણે મ.ક. હનુમંતસિંહજી બાવા, ખેંગારજી જાડેજા, પ્રવીણસિંહ વાઢેર, ચત્રભુજભાઈ, કનૈયાલાલ કટારિયા, સુરેન્દ્રસિંહજી જાડેજા, મયુરસિંહ જાડેજા, મંદિરના પૂજારી તિલા પરિવાર ઉપરાંત કચ્છ આઈજી કોરડિયા સહિત લાખ જેટલા ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. માતાનામઢે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આમ માતાનામઢે આસો નવરાત્રી પર્વ રંગેચંગે ઉમંગ ઉલ્લાસ સાથે સંપન્ન થયો હતો.

...................



ભુજ આશાપુરા મંદિરે મહારાણી પ્રીતિદેવીએ ઝીલ્યો પતરીપ્રસાદ


આજે સવારે પતરીવિધિ-પૂજન કરાયુંઃ ભુજના દરબારગઢથી વાજતે-ગાજતે નીકળી ચામર યાત્રા : સાંજે મહામાયા મંદિરે માતાજીને નૈવેદ પ્રસાદ અર્પણ કરાશે


ભુજ : કચ્છના મહારાણી પ્રીતિદેવીએ આજે ભુજના ઐતિહાસિક આશાપુરા આશાપુરા માતાજીના મંદિરે પતરીવિધિ કરી હતી. મંદિરના ઈતિહાસમાં સર્વ પ્રથમ વખત કોઈ મહિલા દ્વારા પતરીવિધિ કરવાામાં આવી છે.
આસો નવરાત્રીની આઠમના દિવસે માતાનામઢ અને ભુજના આશાપુરા મંદિરે પતરીવિધિ કરવાની પરંપરા રાજાશાહીકાળથી ચાલી આવે છે. આજે સવારે મહાામાયા મંદિર, ટીલામેડી ખાતે મહારાણી પ્રીતિદેવીના હસ્તે ચામર પૂજનવિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ દરબારગઢથી ચામરયાત્રા નીકળી ભુજ આશાપુરા મંદિરે પહોંચી હતી.સવારે ૮.૩૦ કલાકે માતાજી પાસે પતરીવિધિ કરવામાં આવી હતી. મહારાણી પ્રીતિદેવીએ પતરીપ્રસાદ ઝીલ્યો હતો. માતાજીએ આશિર્વાદઆપતા મંદિર પરિસર જય ઘોષથી ગાજી ઉઠ્યું હતું. આજે સાંજે મહામાયા મંદિર ખાતે માતાજીને મહા અષ્ટમી નિમિતે નૈવેદ અર્પણ કરવામાં આવશે. મહારાણી પ્રીતિદેવીએ સર્વે કચ્છવાસીઓને મહાઅષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી હતી. કુંવર ઈન્દ્રજિતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કચ્છના મહારાણી પ્રીતિદેવીના અંતરમાં ભુજ મંદિરે પતરીવિધિ કરવાની ઈચ્છા હતી જે  આજે માતાજીના આશીર્વાદથી પરિપુર્ણ થઈ છે. આ વેળાએ મોટી સંખ્યામાં માતાજીના ભાવિક ભક્તો હાજર રહ્યા હતા.


................


શું... છે માતાનામઢે ચામર અને પતરીવિધિનો મહિમા.. !
’


શું... છે માતાનામઢે ચામર અને પતરીવિધિનો મહિમા.. !
નખત્રાણા : માતાનામઢ ખાતે આઠમના યોજાતી ચામર અને પતરીવિધિના ઈતિહાસ પર ડોકિયું કરીએ તો રાજ પરિવાર - પ્રતિનિધિ હવન પૂર્ણ થયા બાદ આઠમના ચામરકુંડમાં સ્નાન કરે છે અને સ્નાન બાદ ચાચર ભવાની અને ગણેશની વિશેષ પૂજા કરે છે. પૂજા બાદ ચામર લઈ અને પગપાળા વાજતે ગાજતે નીજ મંદિરમાં પ્રવેશ કરે છે, તેઓ માની પૂજાવિધિ કરે છે. ત્યારબાદ પૂજારી માના જમણા ખંભા ઉપર પતરી મુકે છે અને આ પતરી નામની વનસ્પતિ માતાજીના ફુલ માનવામાં આવે છે. આ વનસ્પતિ ૧ર મહિનામા માત્ર એક જ વખત માતાનામઢની સીમમાં થાય છે. પતરી માતાના ખંભે મુકયા બાદ મંદિરના પૂજારી ઝાઝર, પખવાજ, ડાકલા વગાડવાની આજ્ઞા આપે છે અને કચ્છ મહારાવ પ્રાગમલજી ત્રીજા અથવા તેમના નિમેલા પ્રતિનિધિ જમણા પગે ઉભા રહી અને પતરી ઝીલે છે. માતાજી રાજી હોય તો તત્કાલ પતરી મળી જાય છે અથવા ૧૦થી ૧પ મિનિટનો સમય લાગે છે અને પતરી પહેલા માના ખમ્ભા પરથી રથી ૩ ઈંચ ઉપર જાય છે અને ત્યારબાદ કચ્છ મહારાવ પતરી ધારણ કરે છે. અહીં રાજવી પરિવાર અથવા તેમને નિમેલા તેમના પ્રતિનિધિ સિવાય કોઈ પતરી ઝીલી શકતું નથી તેવી શ્રદ્ધા - આસ્થા આજે પણ અકબંધ છે. ત્યારબાદ પતરી ઝીલનાર જાગીર અધ્યક્ષના નિવાસસ્થાને મુલાકાત લેવા જાય છે તે પૂર્વે છેલ્લા લગભગ સાડા ચારસો વર્ષ કરતાં પણ વધારે સમયથી ભુજથી માતાનામઢ સુધી પરંપરાગત ચામરયાત્રાનું પૂજન કરી પ્રસ્થાન કરવામાં આવે છે. દર વર્ષે નવરાત્રિમાં માતાનામઢ ખાતે ચામર અને પતરીવિધિનો ઈતિહાસ અને મહિમા છે. 


 

Comments

COMMENT / REPLY FROM