Trending News
સ્થાનિક સમાચાર

કચ્છભરમાં ‘ટોક ઓફ ધી ટાઉન’ બનેલા રહસ્યમય કિસ્સાનો ભેદ હજુય અકબંધ

10 October



ખારી ગામની ઘટનામાં ગમે તે ઘડીએ ધડાકો થવાની સંભાવના


ભુજ : તાલુકાના ખારી ગામે રહસ્યમય રીતે નકલી આપઘાતનો બનાવ સામે આવ્યો હતો. જે ચર્ચાસ્પદ બનાવમાં યુવક યુવતી પોલીસની હાથવેતમાં છે. દરરોજ રહસ્યના આટાપાટા સર્જતી આ ઘટનામાં ગમે તે ઘડીએ ધડાકો થવાની સંભાવના છે. જે રીતે સમગ્ર મામલાને અંજામ અપાયો છે તે જોતા ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે તેવી ઘટના ગ્રામીણ વિસ્તારમાં બની છે. આ અંગેની વિગતો મુજબ ભુજ તાલુકાના નાડાપા ગામની રામીના લગ્ન ખારી ગામે થયા હતા. તેના પહેલા લગ્ન દસ વર્ષ અગાઉ થયા હતા, જે પતિ સાથે મનમેળ ન થતા છુટાછેડા આપી ૧પ દિવસ બાદ અંધારી તેરસના બીજા લગ્ન ખારી ગામે કાનજી ચાડ સાથે થયા હતા પણ રામીને ખારી ગામમાં રહેતા અનિલ ગાગલ નામના પરિણીત યુવક સાથે પ્રેમ સબંધ હતો. સામાજીક રીતે લગ્ન શક્ય ન બનતા કાનજી સાથે વિવાહ થયા હતા. અનિલ સાથે લગ્ન કરવા માટે તેણે નકલી આપઘાતનું નાટક રચ્યું હતું. પાંચ જુલાઈના સાસરીમાં ઘરથી થોડે દૂર લાકડાની ભારીમાં આગ લગાવી તેમાં પોતે બળીને મરી ગઈ હોવાનું તરકટ રચ્યું હતું. સ્થાનીકે કપડા સહિતના અવશેષો રાખ્યા હતા. તેમજ બનાવ પહેલા પોતે આપઘાત કર્યો હોવાનું વીડીયો રેકોર્ડ કર્યો હતો. પરિવારજનોએ અંતિમવિધિ કર્યાના બે મહીના પછી ર૭ સપ્ટેમ્બરે રામી તેના પ્રેમી સાથે નાડાપા ગામે આવી અને પોતે આપઘાત નથી કર્યો જીવતી છે, તેમ કહેતા પિતાએ પોલીસ સ્ટેશને જવાનું કહેતા ભાગી ગયા હતા. બનાવ અંગે ખાવડા પોલીસને જાણ કર્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલ સુત્રોના મતે બન્ને પ્રેમી પંખીડા પોલીસના હાથવેતમાં છે. જો કે સત્તાવાર જાહેરાત કરાઈ નથી. સવાલ એ થાય કે બળવાનું નાટક કર્યું ત્યાં હાડકા મળી આવ્યા હતા તે કોના હતા ? માત્ર કોઈની અસ્થિ હતી કે અન્ય કોઈ બાબત ? તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ? બે મહિના કયાં છુપાયા તે દિશામાં તપાસ થઈ રહી છે. આ મુદ્દો આહીર પટ્ટીમાં ચર્ચાના સ્થાને રહ્યો છે.

Comments

COMMENT / REPLY FROM