માતાનામઢે આજે મધરાતે હોમ-હવન સાથે નવરાત્રિ પર્વ સંપન્ન થશે ’’
રાજ્યના ૩ સંસદ સભ્યો, ધારાસભ્ય, પૂર્વ વિધાનસભા સ્પીકર કર્ણાટક હાઈકોર્ટના જજ, મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, જિલ્લા કલેક્ટર, ડીડીઓ, આઈજી, બે એસપી સહિત પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ માતાનામઢ દર્શન કર્યા : વહીવટી તંત્રનું સુંદર આયોજન જાગીર શાખાની સેવા સુંદર’ : ૧૦ દિવસ લાંખો નવરાત્રિ મહાપર્વ ધામધૂમથી સંપન્ન : કાલે રાજવી પરિવાર દ્વારા પતરી ઝિલાશે : મહાપ્રસાદનો લાખો ભાવિકો લાભ લીધો
નખત્રાણા : કચ્છની કુળદેવી આઈ આશાપુરા મંદિરે મહા નવરાત્રિ પર્વ આજે રાત્રે ૮ઃ૧પ કલાકે રાજાબાવા યોગેન્દ્રસિંહજી દ્વારા હવન થશે જે મધરાતે ૧ઃ૧પ કલાકે શ્રીફળ હોમ સાથે મહાપર્વ નવરાત્રિ સંપન્ન થશે. હોમ-હવનને લઈ સમગ્ર તૈયારી આદરાઈ છે. જાગીર શાખાના તમામ ટ્રસ્ટીઓ તથા હજારો માઈ ભક્તોની ઉપસ્થિતિમાં મધરાતે શ્રીફળ હોમાશે અને મંદિર પરિસર જય માતાજીના ગગનભેદી નાદ સાથે ગુંજી ઉઠશે. બીજા દિવસે શુક્રવારે સવારે રાજવી પરિવાર પતરી ઝિલાશે. આ વખતે પણ બન્ને રાજવી પરિવાર પતરી પ્રસાદ ઝિલ તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે. બીજીતરફ ૧૦ દિવસ લાંબા મહાપર્વ નવરાત્રિમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, સંસદ સભ્યો વિનોદભાઈ ચાવડા, કચ્છ પંચમહાલના રાજપાલસિંહ યાદવ, સાબરકાંઠાના શોભનાબેન બારૈયા, ધારાસભ્ય જાડેજા પી.એમ., વિધાનસભાના પૂર્વ સ્પીકર નિમાબેન આચાર્ય, કર્ણાટક હાઈકોર્ટના જ્જ અંજારિયા, કલેક્ટર અમીત અરોરા, જિ.વિ.અ. શૈલેષ પ્રજાપતિ, આઈજી તથા પૂર્વ પશ્ચિમ બન્ને એસપી સહિત પીજીવીસીએલના એમ.ડી. શર્મા સહિત પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુ માતાનામઢે મા આશાપુરાના દર્શન કર્યા હતા. હજી શરદ પૂનમ સુધી માતાનામઢે યાત્રિકોનો પ્રવાહ સતત ચાલુ રહેશે. હજુ બે લાખ લોકો દર્શન કરે તેવી આશા છે. બીજીતરફ જાગીર શાખા દ્વારા પદયાત્રીકો માટે સુંદર વ્યવસ્થા કરાઈ હતી તો વહીવટી તંત્ર અને ગ્રા.પં. દ્વારા પણ પાણી, વીજળી, સફાઈ સહિતની સુંદર વ્યવસ્થા હતી. પાંચ લાખ ભાવિકોએ પણ મહાપ્રસાદ લાભ લીધો હતો. આમ મા.મઢે નવરાત્રિ મહોત્સવ રંગેચંગે સંપન્ન થશે.

Comments