Trending News
સ્થાનિક સમાચાર

મહિલા અત્યાચાર કરનાર ‘અસૂરો’ના ખાત્મા માટે પોલીસ પ્રતિબદ્ધ : હર્ષ સંઘવી

09 October


શક્તિ આરાધનાના પર્વ ટાંકણે ગૃહમંત્રીનો ધ્રુજારો : કચ્છમાં વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યના યુવા ગૃહમંત્રીએ નારીશક્તિને સમાજમાં ઉચ્ચીત આદર અપાવવા વ્યક્ત કરી પ્રતિબદ્ધતા


ભુજના પોલીસ હેડક્વાર્ટર ખાતે નવનિર્મિત પોલીસ અવાસો, ગાગોદર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ : ગૃહમંત્રીએ નારાયણ સરોવર બસ પોર્ટનું કર્યું ઈ-લોકાર્પણ : પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા નિર્માણ થનાર શિણાય ગૌશાળા અને અંજાર એસટી વર્કશોપનું કર્યું ઈ-ખાતમુહૂર્ત : સર્વે કચ્છીજનોને ગૃહમંત્રીએ નવરાત્રિ પર્વની પાઠવી શુભેચ્છાઓ : દેશદેવીના આશીર્વાદ કચ્છ-ગુજરાતની જનતા પર વરસતા રહે અને રાજ્યમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો થાય તેવી મા આશાપુરા પાસે કરી પ્રાર્થના 


ભુજ : નારી શક્તિનો આદર એ ભારતીય સંસ્કૃતિ છે. ભારતીય સભ્યતામાં નારીઓ શક્તિ સ્વરૂપ તરીકે પૂજનીય છે. આદ્યશક્તિની આરાધનાના આ પાવન અવસરે કચ્છ અને ગુજરાતની પોલીસ નારીઓ સામે થતા અત્યાચારને અટકાવવા અને નારીઓને ઉચિત સન્માન અપાવવા પ્રતિબદ્ધ છે તેવું રાજ્યના યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભુજ ખાતે પોલીસ હેડક્વાર્ટ ખાતે આયોજીત લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં જોશીલું ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું. કચ્છ બોર્ડર રેન્જથી ગુરૂજન સેતુ યોજનાનો પ્રારંભ કરાવતા શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે, મહિલાઓની સુરક્ષા મુદ્દે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યમાં બનતા મહિલા અત્યચારના કિસ્સાઓમાં પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરી અપધારીઓને દંડ કરવામાં આવે છે. આ સાથેમહિલાઓ પણ સ્વરક્ષણની તાલીમ મેળવી અને પોતાની સાથે પરિવાર અને મિત્રવર્તુળની બહેન-દીકરીઓને સાચી દિશા બતાવે તે ઈચ્છનીય છે. 
આજે કચ્છના પ્રવાસે આવેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગુજરાત પોલીસ હાઉસિંગ દ્વારા નિર્મિત ભુજના ૧૪૪ પોલીસ આવાસોનું લોકાર્પણ કર્યુ હતું. તેમણે તમામ લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત તેમણે એસઆરપી ગ્રૂપના ૧૬ અને ભચાઉ ખાતે કક્ષા બી-૭ર આવાસોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. ગાગોદરમાં જનભાગીદારીથી નિર્મિત પોલીસ સ્ટેશનનું ઈ-લોકાર્પણ કર્યું હતું. પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા નિર્માણ થનાર શિણાય ગૌશાળાનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. અંજાર એસટી ડેપોના વર્કશોપનું પણ ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. 
આ સમારોહમાં ઉપસ્થિતોને ઉદ્દબોધન કરતા શ્રી સંઘવીએ રાજ્યમાં લવ જેહાદ, ડ્રગ્સ, વ્યાજખોરી જેવા દુષણો સામે આકરાપ્રહારો સાથે સામાજિક દુષણોના ખાત્મા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. રાજ્યની વિપક્ષી પાર્ટીઓ પોલીસની કાર્યવાહી વિશે ભ્રામક જુઠાણાઓ ફેલાવી અપ્રચાર કરતી રહે છે. તેમ છતાં પોલીસ તંત્ર પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા કાર્ય કરે છે. તેમણે સર્વે કચ્છીજનોને ગૃહમંત્રીએ નવરાત્રિ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. દેશદેવીના આશીર્વાદ કચ્છ-ગુજરાતની જનતા પર વરસતા રહે અને રાજ્યમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો થાય તેવી મા આશાપુરા પાસે પ્રાર્થના કરી હતી. સમારોહના પ્રારંભે પૂર્વ અને પશ્ચિમ પોલીસ વિભાગ દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ઉપસ્થિત મહાનુભાવોનું પ્રસંગોચિત સન્માન કરાયું હતું. સરહદી રેન્જના આઈજી ચિરાગ કોરડિયાએ શાબ્દિક આવકાર આપ્યો હતો. વિવિધ પ્રકલ્પોના રાજ્યના ગૃહમંત્રી હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાદ નવા પોલીસ આવાસો, ગોગોદર પોલીસ સ્ટેશન અને નિર્માણ થનાર ગૌશાળા અંગે વીડિયો ફિલ્મનું પ્રેઝન્ટેશન કરાયું હતું. રાજ્યના ગૃહમંત્રીના હસ્તે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લાભાર્થીઓને લોન ચેકનું વિતરણ કરાયું હતું. આ સાથે પોલીસ વિભાગના તેરા તુજકો અર્પણ વિભાગ દ્વારા વિવિધ ગુના કામોમાં રિક્વર કરવામાં આવેલ કિંમતી મુદ્દામાલ ભોગગ્રસ્તોને પરત કરવામાં આવ્યો હતો. ગૃહમંત્રી વિવિધ ગુનાઓમાં પોલીસની ઝડપી કામગીરીને બિરદાવી હતી. નોંધપાત્ર કામગીરી કરનાર પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને મજબૂત બનાવવામાં પોલીસ તંત્રની કામગીરીની સરાહના કરી હતી. મહિલાઓ સામે થતા અત્યાચારથી માંડી નાના-મોટા ગુનાઓમાં પોલીસની ઝડપી કામગીરીને બિરદાવી હતી. રાજ્યમાં કાયદાનું શાસન રહે તે માટે ગુજરાત સરકાર, ગૃહવિભાગની કામગીરી અંગે વિગતો આપી હતી. આજરોજ વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો ઉલ્લેખ કરી લાભાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકાર કચ્છ અને ગુજરાતની જનતાની સુખાકારી માટે પ્રતિબદ્ધ હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.આ સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, ત્રિકમભાઈ છાંગા, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદ વરસાણી, બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર, ડીવાયએસપી એર.આર.ઝણકાટ અને શ્રી જાડેજા, ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી, પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી, રાહુલ ગોર, ગોદાવરીબેન ઠક્કર, બીએસએફના અધિકારીઓ, વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને કચ્છવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 



....................


સલીમ સુરેશ બની પ્રેમજાળમાં ફસાવે તે સાંખી લેવાશે નહીં 

ભુજ : રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે રાજ્યમાં વધી રહેલા લવ જેહાદના કિસ્સાઓ અંગે સમાજને લાલબતી ધરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રેમ એ પવિત્ર સંબંધ છે. દરેક લોકોને પ્રેમ કરવાનો અધિકાર છે પરંતુ કોઈ સલીમ, સુરેશ બનીને કોઈ નિર્દોષ બહેન-દીકરીને પ્રેમજળામાં ફસાવે તે સાંખી લેવાશે નહીં. આવી છેતરપીંડી કરનારને ઉચિત દંડ કરાવવા સરકાર પ્રતિબદ્ધ છે. આ સાથે તેમણે ચાલી રહેલા નવરાત્રિના પર્વ દરમિયાન બહેન-દીકરીઓને સાવધ રહેવા ટકોર કરી હતી. પરિવાર સમક્ષ જુઠુ બોલી પોતાને અસુરક્ષિત બનાવતી દીકરીઓને જણાવ્યું હતું કે, પરિવારની માતા અને મા અંબા બધુ જુએ છે. પરિવારને અંધારામાં રાખી દિશા ભટકી ન જવા તેમણે ટકોર કરી હતી.


.................


વ્યાજખોરીનું દુષણ ભૂતકાળ બનશે 

ભુજ : કચ્છ જિલ્લાએ ખેતી અને વેપાર કરતો જિલ્લો છે. કચ્છના લોકોને જ્યારે ધંધા-વ્યવસાય માટે નાણાંની જરૂરિયાત પડે ત્યારે મહિલાઓ પોતાના મંગળસુત્ર, દાગીનાઓ, સપનાઓનું ઘર ગિરવે મૂકી સ્થાનિકો પાસેથી ધિરાણ મેળવે છે. અનેક બહેનોના સુહાગની નિશાનીઓ વ્યાજખોરીના ખપ્પરમાં હોમાઈ ગઈ છે ત્યારે કચ્છ અને ગુજરામાંથી વ્યાજખોરીના દુષણને ખતમ કરવા પોલીસે ધાક બેસાડતી કાર્યવાહી કરી છે. પોલીસના પ્રયાસો થકી અનેક બહેનોને પોતાના દાગીનાઓ, મકાન પરત મળ્યા છે. રાજ્યમાંથી વ્યાજખોરીના ગેરકાયદેસર કારોબારને ખતમ કરી દેવા સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. 


....................


ડ્રગ્સના કારોબાર સામે સર્જિકલ સ્ટ્રાઈક અવિરત જ રહેશે 

ભુજ : રાજ્યમાં ડ્રગ્સના વધતા દુષણથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે. નાપાક પડોશી રાષ્ટ્ર દેશમાં યુવાધનને ડ્રગ્સને રવાડે ચડાવી દઈ બરાબદ કરવા પ્રયાસો કરી રહ્યું છે ત્યારે આર્મી, બીએસએફ અને ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સના કાળા કારોબાર સામે કડક કાર્યવાહી અવિરત રહેશે તેવી ખાતરી આપી હતી. આ ઉપરાંત ગુજરાત બહાર જઈ મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ વગેરેમાં પણ ડ્રગ્સના રેકેટને સ્થાનિક પોલીસના સંકલન સાથે ગુજરાત પોલીસે કરેલી કામગીરીને બિરદાવી હતી. કચ્છમાંથી કરોડોનું ડ્રગ્સ પકડી પાડવા બદલ સ્વાનિક પોલીસ અને બીએસએફને અભિનંદન પાઠવ્યા હતા. 


..................


સંબંધીઓ વ્યાજ છોડતા નથી ત્યારે વડાપ્રધાન મોદી વગર ગેરંટીએ આપે લોન 


ભુજ : ધંધા રોજગાર માટે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે લોકો સગા-સ્નેહીઓ કે મિત્રો પાસેથી ધિરાણ મેળવતા હોય છે. આજે પૈસો લોકો માટે સર્વસ્વ બની ગયો છે ત્યારે લોકો વગર વ્યાજે મદદ કરતા નથી. તેવામાં દેશના વડાપ્રધાન મોદી કોઈપણ ગેરંટી વગર જ લોકોને લોન આપે છે. વડાપ્રધાન સ્વનીધિ યોજના હેઠળ લોકોને પ્રથમ વખત ૧૦ હજાર ત્યાર બાદ ક્રમશઃ ર૦ અને પ૦ હજારની લોન કોઈપણ ગેરંટી વગર આસાનીથી મળી રહે છે તેવું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પીએમ સ્વનીધિ યોજનાના લાભાર્થીઓને લોન ચેકનું વિતરણ કરતા જણાવ્યું હતું. 


..............

વડોદરા કેસ : સ્પેશિયલ કોર્ટમાં દરરોજ થશે સુનાવણી 

ભુજ : તાજેતરમાં વડોદરામાં બનેલી દુર્ઘટના અંગે વાત કરતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દુષ્કર્મના આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે ત્યારે આ કેસમાં પીડિતાને ઝડપભેર ન્યાય મળે તે માટે રાજ્યના ગૃહવિભાગે કાયદા વિભાગને સ્પેશિયલ કોર્ટની રચના કરી ડે ટુ ડે સુનાવણી કરી આરોપીઓને ઝડપભેર સજા થાય તે સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. આ ઉપરાંત રાજ્યની પોલીસ પણ આરોપીઓને ફાંસીની સજા મળે તે માટે પ્રતિબદ્ધ છે તેવું વધુમાં ઉમેર્યું હતું. વડોદરા જેવી ઘટનાઓ સભ્ય સમાજમાં સ્વીકાર્ય ન હોવાની લાગણી તેમણે વ્યક્ત કરી હતી. 
 

..............



પ્રશંસનીય કામગીરી કરનારનું સન્માન

ભુજ : અહીંના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આયોજીત લોકાર્પણ - ખાતમુહૂર્ત સમારોહમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રશંસનીય કામગીરી કરનાર પૂર્વ અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરાયું હતું. ડ્રગ્સનો મોટો જથ્થો પકડનાર, લૂંટના આરોપીઓ, વ્યાજખોરો, ઠગબાજો, અભિનેતા પર ફાયરીંગના કેસમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરનાર, રેસ્ક્યુ ઓપરેશનમાં લોકોના જીવ બચાવનાર કર્મીઓને સન્માનિત કરાયા હતા.
પૂર્વ કચ્છ એલસીબીના પીઆઈ એન.એન. ચૂડાસમા, પીઆઈ એસ.ડી. સિસોદિયા, પીઆઈ વી.કે. ગઢવી, પીઆઈ એ.આર. ગોહિલ, પીઆઈ એસ.એન. ચૂડાસમા, પીએસઆઈ એન.ડી. જાડેજા, એએસઆઈ નરેન્દ્રસિંહ જે. ઝાલા, એએસઆઈ મદનસિંહ એલ. જાડેજા, હેડ કોન્સ્ટેબલ ગલાલભાઈ પારગી, હેડ કોન્સ્ટેબલ મનુભાઈ નાડોદાને સન્માનપત્ર એનાયત કરાયા હતા.






 

Comments

COMMENT / REPLY FROM