Trending News
ક્રાઈમ

વાગડમાં ગરબા રમીને ઘરે જતી યુવતી સાથે દુષ્કર્મ 

09 October



વડોદરા, માંગરોળ બાદ કચ્છમાં દેવી સ્વરૂપા બાળાઓને દુષ્કર્મી દાનવોથી કોણ બચાવશે 


રાતના એક વાગ્યાના અરસામાં યુવતીને ચકકર આવી જતાં પેવર બ્લોકના કારખાનામાં પાણી પીવા લઈ ગયા ત્યારે ભીમાસરના શખ્સે આચર્યું કુકર્મ 


રાપર : હાલમાં નવરાત્રી ચાલી રહી છે. મોડે સુધી ગરબા રમવાની છુટ અપાઈ છે, પરંતુ મોડે સુધી ગરબા રમી પરત જતી દિકરીઓને સુરક્ષા પ્રદાન કરવાના દાવાઓ સામે એક બાદ એક બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરાના ભાયલીમાં બીજા નોરતે સગીરા પર ગેંગરેપ કરાયો હતો. જે બાદ સુરતના માંગરોળના બોરસરા ગામની સીમમાં રાત્રીના સમયે ત્રણ નરાધમોએ સગીરાને અવાવરૂ જગ્યાએ લઈ પીખી નાખી હતી. જે બાદ હવે વાગડમાં આ પ્રમાણેની ઘટના સામે આવી છે. જેના કારણે નવરાત્રીમાં દેવી સ્વરૂપા બાળાઓને દુષ્કર્મી દાનવોથી કોણ બચાવશે તેવો સવાલ ઉઠી રહ્યો છે. આ બાબતે આડેસર પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળેલી વિગતો મુજબ ભોગ બનનાર ૧૮ વર્ષિય યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. આ યુવતી નવરાત્રી જોઈને રાત્રીના સમયે ઘરે જતી હતી. એ દરમિયાન ચકકર આવી જતાં સાહેદ તેને નજીકમાં આવેલા પેવર બ્લોકના કારખાનામાં પાણી પીવા લઈ ગયો હતો. ત્યારે આરોપી ભીમાસરનો પ્રવીણ કરશન રાજપૂત સાહેદ સાથે આવ્યો અને રૂમનો દરવાજો બંધ કરી ફરિયાદીને ગાળો આપી મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ૭મી તારીખે રાત્રે એક વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. હેબતાઈ ગયેલી યુવતીએ સમગ્ર બાબતે પરિવારને જાણ કર્યા બાદ પરિવારે હિમંત આપતા ગઈકાલે રાત્રે પોલીસે ફરિયાદ દાખલ કરી હતી. બનાવ અંગે ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડાને તપાસ સોપાઈ છે. ડીવાયએસપી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આરોપીને ઝડપી લેવા માટે તપાસના ચક્રોગતિમાન કરાયા છે. ટૂંક સમયમાં સફળતા મળવા પામશે. 

 

Comments

COMMENT / REPLY FROM