આદીપુરના ચકચારી પોકસો કેસમાં ગાંધીધામ કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો
ગાંધીધામ : કચ્છભરમાં ભારે ચકચારી બનેલા આદીપુરના પોકસો કેસમાં ગાંધીધામની સ્પે.પોકસો અદાલતે ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે. આ કેસની વિગત મુજબ વર્ષ ર૦રર ની ૧ લી સપ્ટેમ્બરે આદીપુર પોલીસ મથક પર પોકસો એકટ હેઠળની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં આરોપી કિશોર ઉર્ફે રાહુલ ખોખરે ફરિયાદીની સગીર વયની દીકરી (ઉ.વ.૧પ) નો પીછો કરી તેનો હાથ પકડીને કહેલ કે હું તારી સાથે લગ્ન કરવા માંગું છું અને જો તું મને મળવા નહીં આવે કે મારી સાથે ફોન પર વાત નહીં કરે તો હું તારા માતા - પિતાને ડમ્પરથી ઉડાળીને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ફરિયાદ દાખલ થતા પોલીસે આ કામે તપાસ કરી આરોપી કિશોર ઉર્ફે રાહુલ ખોખર વાળાની વિરૂદ્ધે પુરતા પુરાવા હોઈ આરોપીની ધરપકડ કરી નામ. કોર્ટમાં આરોપીની ચાર્જશીટ રજુ કર્યો હતા. આ કેસ ગાંધીધામ ખાતે એડી. સેસન્સ જજ તેમજ (સ્પે.પોકસો જજ) બી.જી. ગોલાણીની કોર્ટ ગાંધીધામ સમક્ષ ચાલતા કેસમાં કોર્ટમાં સરકારશ્રી તરફે સાહેદો તથા દસ્તાવેજી આધારો પુરાવાઓને ગ્રાહ્ય રાખીને તેમજ સરકારી વકીલ મહેન્દ્રસિંહ આર.જાડેજાની ધારદાર દલીલને ધ્યાને રાખી આરોપીને આઈપીસીની કલમ ૩પ૪ (ડી) (૧) ગુના કામે તકસીરવાન ઠરાવ્યો હતો. આરોપીને એક વર્ષની સખત કેદની સજા તથા રૂા. ૧પ હજારનો દંડ અને જો દંડ ન ભરે તો ૧ મહિનાની વધુ કેદની સજા ફટકારી હતી. પ્રિ.મેન્યુઅલ પેરા ર૦૯ મુજબ દંડની રકમ વસુલ થયેથી રૂા. ૧ર હજાર ભોગ બનનારને વળતર તરીકે ચુકવી આપવા હુકમ કર્યો હતો. સરકાર તરફે સરકારી વકીલ મહેન્દ્રસિંહ આર. જાડેજા તેમજ ફરિયાદી તરફે વકીલ એસ.ડી.માતંગ હાજર રહ્યા હતા.

Comments