Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના ચાર સહિત રાજ્યના પ૬ આધારકાર્ડના ઓપરેટરો સસ્પેન્ડ

09 October



તાજેતરમાં ભુજ અને ગાંધીધામ સહિત કચ્છમાં ઓપરેટરોની મનમાની સામે રોષ ભભુકયો હતો : ભુજ - ગાંધીધામ મામલતદાર કચેરીઓમાં પણ હલ્લાબોલના સર્જાયા હતા દ્રશ્યો : અરજદારોના કામ ન થતા હોઈ સરકારી તંત્ર પણ રોષ ઠાલવ્યો હતો : અન્ય ઓપરેટરો પણ સરકારી ગાજ વરસે તેવી વકી : સુધારણા માટે આવતી અરજીઓ રીજેક્ટ પ્રમાણ વધ્યું

ભુજ : સરકારી કચેરી અને સરકાર માન્ય આધારકાર્ડ સેન્ટરોની બેદરકારીના કારણે લોકોને હાલાકી દિવસોદિવસ વધી રહી છે. જેની ફરિયાદો સરકાર સમક્ષ આવતા કચ્છના ચાર સહિત રાજ્યના પ૬ આધારકાર્ડ ઓપરેટરોને સસ્પેન્ડ કરી દેવાયા છે. સરકારે આધારકાર્ડની આવશ્યકતા મોટાભાગની દરેક કાર્યવાહી અને પ્રક્રિયામાં વધારી દીધી છે, પરંતુ તેની સામે સરકારમાં સેન્ટ્રલી કોઈ જાતનું નિયંત્રણ નહીં હોવાથી આધારકાર્ડની કામગીરી પણ નિરાધાર બની ગઈ છે. છેલ્લા ઘણા સમયથી ટેકનિકલ કારણોસર મોટાભાગના નવા એનરોલમેન્ટની અરજી રીજેક્ટ થઇ રહી છે. જ્યારે ૨૭૧ ઓપરેટરોને રીટ્રેનિંગ આપવામાં આવી છે. જેના કારણે આધારકાર્ડની કામગીરી મંદગતિએ ચાલી રહી છે તેવી ફરિયાદો તંત્ર સમક્ષ આવી હતી. કચ્છના ચાર આધારકાર્ડ ઓપરેટર સસ્પેન્ડ કરાયા હતા. જેમાં અબ્દુલ કલામ રાયશી, રોહિત ચાવડા, પ્રવિણભાઈ કોળી અને કીર્તી માહેશ્વરીનું સમાવેશ થાય છે. છેલ્લા ઘણા સમયથી આધારકાર્ડ કઢાવવા માટે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આધારકાર્ડની અરજીમાં અરજદારોને મળતી એરરના પગલે યુઆઈડીએઆઈ રીઝનલ ઓફિસ મુંબઈ દ્વારા આધારકાર્ડ ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના ૫૬ ઓપરેટરોને એક સાથે એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ૨૭૧ ઓપરેટરોને રીટ્રેનિંગ આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમાં જે ૫૬ ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેમાં સૌથી સુરતમાંથી ૧૦, અમદાવાદમાંથી ૫, રાજકોટમાંથી ૪, કચ્છમાંથી ૪ અને વડોદરામાંથી ૩ ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદના ૫૪, રાજકોટના ૨૫, સુરતના ૨૯ સહીત કુલ ૨૭૧ ઓપરેટરોને રીટ્રેનિંગ ઓર્ડર આપવામાં આવ્યો છે એટલે કે તેમને નવી કીટ રીસેટ સાથે આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ઓપરેટરો ૧૦,૦૦૦ ના પગાર ઉપર કોન્ટ્રાકટ પર કામ કરી રહ્યા છે, જેને કોઈ નોટિસ કે વોર્નિંગ આપવા બદલે સીધા જ સસ્પેન્ડ કરી દેવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે. તેઓનો આક્ષેપ છે કે, આધારકાર્ડના મુખ્ય સર્વરમાં ટેક્નિકલ પ્રોબ્લેમ હોવાથી એરર આવી રહી છે. જેનો ભોગ 
ઓપરેટરો બની ગયા છે અને સીધા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સસ્પેન્ડ થયેલા ઓપરેટરોએ બળાપો ઠાલવતા કહ્યું હતું કે, અન્ય ઓપરેટરોની વધુ ક્ષતિઓ હોવા છતાં માત્ર અમારા સામે જ પગલા લેવાયા હોઈ નારાજગી વ્યકત કરી હતી.


 

Comments

COMMENT / REPLY FROM