Trending News
સ્થાનિક સમાચાર

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી એસટી બસ મારફતે કચ્છની મુલાકાતે પહોંચ્યા 

09 October

લાંબા લચક ‘એસ્કોર્ટ’ કાફલા સાથે નહીં...




રાજકોટથી ભુજ સુધી એસટીની મુસાફરી કરી પૂરુ પાડ્યું પ્રેરણારૂપ દૃષ્ટાંત : ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રથમ મંત્રીએ સરકારી એસટી બસનો ઉપયોગ કર્યો : વર્તમાન સમયે જ્યાં ગ્રામ પંચાયતના સરપંચથી માંડી મોટા ભાગના જન પ્રતિનિધિઓ ‘એસયુવી’ વીના ડગ માંડતા નથી ત્યાં 
ગૃહ અને વાહન વ્યવહાર મંત્રીએ નવો ચીલો ચાતર્યો : વહેલી પરોઢે ભુજ બસપોર્ટ પર બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા : કચ્છ એસટીના વિભાગીય નિયામક યોગેશ પટેલે મંત્રીશ્રીને આપ્યો ઉષ્માભેર આવકાર 




ભુજ : ગુજરાત સરકારની જાહેર પરિવહન સેવા એટલે કે, એસટીની બસોમાં અમુક બેઠક વિવિધ શ્રેણીમાં અનામત રાખવામાં આવે છે. જેમાં સ્વતંત્રતા સેનાની, મહિલાઓ ઉપરાંત સંસદ સભ્ય અને ધારાસભ્યો માટે બે બેઠક અનામત હોય છે. એસટીની બસમાં મુસાફરી કરતા મોટાભાગના લોકો વિચારતા હોય છે કે, સાંસદ અને એમએલએ માટે અનામત બેઠક પર ક્યારેય કોઈ જનપ્રતિનિધિ પ્રયાવસ કરતા હશે કે કેમ ? વિધાનસભામાં ચૂંટાયા બાદ દરેક ધારાસભ્ય એસયુવીમાં ફરતા થાય તે સામાન્ય બની ગયું છે ત્યારે માત્ર ધારાસભ્ય જ નહીં પરંતુ રાજ્યના ગૃહ વિભાગ, વાહન વ્યવહાર સહિતના અનેક મહત્ત્વના મંત્રાલયોમાં મંત્રી તરીકે જવાબદારી સંભાળતા હર્ષ સંઘવીએ આજે રાજકોટથી ભુજ સુધી એસટીની બસમાં મુસાફરી કરી પ્રેરણારૂપ દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. ગઈકાલે રાજકોટના મુંજકા ખાતે આયોજીત યુડી કલબ નવરાત્રિ મહોત્સવમા હાજરી આપ્યા બાદ આજે કચ્છમાં વિવિધ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત અને દેશદેવી મા આશાપુરાના સ્થાનક માતાના મઢ ખાતે દર્શનાર્થે કચ્છના પ્રવાસે આવેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટથી ભુજ સુધીનો પ્રવાસ એસટીની વોલ્વો બસમાં કર્યો હતો. આજે વહેલી સવારે તેઓ રાજકોટથી એસટી બસ મારફતે ભુજના બસપોર્ટ આવી પહોંચ્યા હતા. બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોરડિયા, કચ્છ એસટીના વિભાગીય નિયામક યોગેશ પટેલે ગૃહમંત્રીને ઉષ્માભેર આવકાર આપ્યો હતો. ગૃહ અને વાહનવ્યહાર વિભાગના મંત્રી આવી રહ્યા કોઈ વહેલી પરોઢે ભુજ બસપોર્ટ પર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો તો એસટી વિભાગના જવાબદારો પણ ખડેપગે રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, પરિવહન માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ભાગ્યે જ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કરતા હોય છે. નાનકડી ગ્રામ પંચાયતના સરપંચ કે ગ્રામ્ય સમિતિના ચેરમેન ફોર વ્હીલર વિા ડગ ભરતા નથી તેવામાં ગૃહમંત્રી શ્રી સંઘવીએ રપ૦ કિલોમીટર જેટલા પ્રવાસ માટે એસટીની સેવાનો ઉપયોગ કરી અન્યો માટે પ્રેરક દૃષ્ટાંત પુરું પાડ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ સમયાંતરે મેટ્રો ટ્રેન કે અન્ય પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પ્રયાસ કરતા હોય છે. શ્રી સંઘવીએ પણ પાર્ટીના શિષર્સ્થ નેતાઓનો નકશે કદમ પર ચાલી જનપ્રતિનિધિઓ માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજે વહેલી સવારના એસટીમાં મુસાફરી કરીને આવેલા હર્ષ સંઘવીને આવકારવા બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર, પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા, ભુજ પ્રાંત અધિકારી ડો. અનિલ જાદવ, એસટી વિભાગીય નિયામક યોગેશ પટેલ, કતિરા ક્યુબના બિરજુ શાહ સહિત અગ્રણીઓએ ઉપસ્થિત રહ્યા હતા. 



............


પ્રવાસી જનતામાં પણ ફેલાયું અચરજ 



ભુજ : સામાન્ય રીતે વહેલી પરોઢે ભુજના બસપોર્ટ પર પ્રવાસીઓની અવરજવર નહીંવત હોય છે. જિલ્લા બહારથી આવતી લાંબા અંતરની બસો વહેલી પરોઢે ભુજ પહોંચે છે અને કેટલીક લાંબા અંતરની બસો ભુજથી રવાના થતી હોય છે. આજે સવારે ભુજ બસપોર્ટ પર ઉપસ્થિત પ્રવાસીઓ બસપોર્ટ પર ગોઠવાયેલા ચુસ્ત પોલીસ બંદોબસ્તને નિહાળી વિસ્મયમાં મૂકાયા હતા. કોઈ સેલિબ્રિટી આવી રહી હોવાની અટકળો વચ્ચે જ્યારે રાજકોટથી આવતી એસટીની વોલ્વો બસમાંથી પ્રવાસીઓએ રાજ્યના યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવીને ઉતરતા જોયા ત્યારે આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. સામાન્ય મુસાફરની જેમ ગૃહમંત્રીને એસટીની બસમાં પ્રવાસ કરતા જોઈ આનંદ સાથે આશ્ચર્યની લાગણી અનુભવી હતી.

Comments

COMMENT / REPLY FROM