કચ્છ રાજ પરિવારના પ્રતિનિધિ કૃતાર્થસિંહ જાડેજાના હસ્તે ચામરવિધિ કરાઈ
દરબાર ગઢની ટીલામેડી ખાતે ચાર સૈકાઓ જુની પરંપરા અનુસાર કરાયું પૂજન
ભુજ : કચ્છમાં રાજ પરિવાર દ્વારા સાડા ચાર સૈકાઓથી ચાલી આવતી ચામરવિધિ કરવામાં આવી હતી. આસો નવરાત્રિના પાંચમા નોરતે દરબાર ગઢના ટીલા મેડી ખાતે ચામરવિધિ કરવાની પરંપરા રહી છે. આ પરંપરાગત પૂજન કચ્છ રાજવંશમાં સાડા ચારસો વર્ષ પૂર્વે જાડેજા રાજવી ખેંગારજી બાવા પ્રથમના રાજથી ચાલુ છે. છેલ્લા સાત દાયકાથી મહારાવ પ્રાગમલજી ત્રીજા દ્વારા વાર્ષિક ર૩ જેટલી પરંપરાગત પૂજાઓ ચાલુ રાખી હતી. વર્તમાન સમયે કચ્છના મહારાણી પ્રીતિદેવીની સૂચનાથી રાજ પરિવારના પ્રતિનિધિઓ દ્વારા પૂજનવિધિની પરંપરાઓ અકબંધ રાખવામાં આવી છે.
આજે પાંચમા નોરતે મહામાયાના સ્થાનકે દેવપર ઠાકોર કૃતાર્થસિંહ જાડેજાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે કચ્છ રાજ પરિવારના ને મહારાણી પ્રીતિદેવીને જાય છે. આસો સુદ પાંચમના રાજ પરિવારના પ્રતિનિધિના હસ્તે ચારમવિધિ બાદ આઠમના માતાના મઢ ખાતે ચામર ભવાની પૂજા ચામર યાત્રા બાદ પતરી વિધિ થશે. આજરોજ ટીલામેડી ખાતે પરંપરાગત ચામર વિધિ વેળાએ કચ્છના મહારાણી પ્રીતિદેવી, તેરા ઠાકોર મયૂરધ્વજસિંહ જાડેજા, કુંવર ઈન્દ્રજીતસિંહ જાડેજા, કચ્છના પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, વિરભદ્રસિંહ જાડેજા, ભુજ આશાપુરા મંદિરના પૂજારી, જર્નાદનભાઈ દવે, દલપત દાણીધારીયા, પ્રમોદ જેઠી, વિરેન્દ્ર દવે અને રાજ પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.
................
મહારાવ હનુવંતસિંહજીના હસ્તે ચામરવિધિ કરાઈ
આસો સુદ પાંચમના દિવસે કચ્છ રાજ પરિવારના મહારાવ હનુવંતસિંહજીના હસ્તે ભુજના દરબારગઢ સ્થિત આઈનામહેલ ખાતેના ટીલામેડીએ પરંપરાગત ચામરવિધિ કરવામાં આવી હતી. આ વેળાએ કચ્છ રાજવી પરિવારના વારસ યુવરાજ પ્રતાપસિંહ, યુવરાણી શાલિનીદેવી, એમકેએસ અનિરૂદ્ધસિંહ, ત્રિશુલીનીકુમારી, મેઘદીપસિંહ ઉપસ્થિત રહ્યા હતા. કૃપાલ મહારાજે શાસ્ત્રોક્તવિધિ કરાવી હતી. ત્યારબાદ રાજ તિલાટ ગોર ધર્મસિંહ માતંગે મહારાવને તિલક કર્યા હતા.

Comments