લખપત તાલુકાના જીએમડીસીના પ્રકલ્પો પર સ્થાનિકોને રોજગારી મુદ્દે ઠેંગો
સ્થાનિકોને મહત્તમ રોજગારનો ઉડ્યો છેદ
ખાનગી એજન્સીઓ અને કેટલાક સ્થાનિક ભ્રષ્ટ અધિકારીઓની મીલીભગત : પેટા કંપનીઓ સ્થાનિક લાયકાત ધરાવતા યુવાનોને નોકરી આપવામાં કરે છે અખાડા
તાજેતરમાં પાવર પ્લાન્ટ પરથી છુટા કરાયેલા ૩પ૦ જેટલા શ્રમજીવીઓ સ્થળાંતર કરવા બની રહ્યા છે મજબૂર : સ્થાનિકે રોજગારીના સ્ત્રોતના અભાવે સરહદી ગામો થઈ રહ્યા છે ખાલી : જીએમડીસી દ્વારા સરકારી નિયમોની અનદેખી સરહદી સુક્ષા માટે જોખમરૂપ
વર્માનગર : દેશની પશ્ચિમી સરહદે આવેલ કચ્છ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ માટે દેશનો રોલ મોડેલ ગણાય છે. રાજ્યના વિકાસનું ગ્રોથ એન્જિન બનેલા કચ્છમાં ઔદ્યોગિક ક્રાંતિ છતા સ્થાનિકોને રોજગારીનો પુરતો લાભ મળતો નથી. કચ્છમાં ધમધમી રહેલા મહાકાય ઉદ્યોગોમાં સ્થાનિક યુવાનોને ભાગ્યે જ રોજગાર મળે છે. સ્થાનિકોને રોજગારી ન મળવા મુદ્દે સમયાંતરે ફરિયાદો પણ ઉઠતી રહે છે. તેવામાં પશ્ચિમ કચ્છના લખપત તાલુકામાં ધમધમતા જીએમડીસીના વિવિધ પ્રકલ્પોમાં પણ સ્થાનિક લાયકાત ધરાવતા યુવાનોને રોજગારી મુદ્દે ભારોભાર અન્યાય કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં. તાજેતરમાં જ લેબર કોન્ટ્રાક્ટ એજન્સી મારફતે કામ કરતા ૩પ૦ જેટલા સ્થાનિક શ્રમજીવીઓને નોકરીમાંથી છુટા કરી દઈ રોજગાર વિહોણા કરી દેવામાં આવ્યા છે.આ અંગેની વિગતો અનુસાર લખપત તાલુકામાં જીએમડીસીના પાનધ્રો, ઉમરસર, એટીપીએસ છેર, માતાના મઢ, પુનરાજપર, પાનધ્રો-ર જેવા અનેક પ્રોજેક્ટ કાર્યરત છે પરંતુ આ પ્રોજેક્ટ પર સ્થાનિક યુવાનોને લાયકાત પ્રમાણે ભરતી કરવામાં આવતા નથી. આ ઉપરાંત લાંબા સમયથી છુટા કરી દેવાયેલા ૩પ૦ જેટલા શ્રમજીવીઓ લડત ચલાવી રહ્યા છે પણ જીએમડીસીના સ્થાનિક અધિકારીઓએ તેમની વાત સાંભળવાની પણ દરકાર લીધી નથી.
સ્થાનિકે ઉઠતી ફરિયાદો મુજબ જીએમડીસીના કેટલાક અધિકારીઓ સાથે સાઠગાંઠ કરી લેબર કોન્ટ્રાક્ટર ધરાવતી પેટા કંપનીઓ દ્વારા સ્થાનિક યુવાનોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તાજેતરમાં જ છુટા કરાયેલા ૩પ૦ શ્રમજીવીઓની ખાલી પડેલ જગ્યાઓ પૈકી કેટલાક સ્થાનો પર વગદાર લોકોના ઈશારે સ્થાનિક અધિકારીઓની રહેમ નજર હેઠળ મળતિયાઓને નોકરી પર રાખી લેવામાં આવ્યા છે જે લોકોને નોકરી પર રાખવામાં આવ્યા છે તે તમામ લોકો પરપ્રાંતિય હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. લાંબા સમયથી જીએમડીસીના પ્રકલ્પોમાં આ રીતે સ્થાનિકોને રોજગારીનો છેદ ઉડાળવામાં આવી રહ્યો છે. પેટા કંપનીઓ કેટઠલાક ભ્રષ્ટ અધિકારીઓ સાથે મિલીભગત કરી કચ્છ બહારના રાજકીય વગ ધરાવતા લોકોના પરિવારના યુવાનોને સારી પોસ્ટ પર નિમણૂક આપી દેવામાં આવે છે. સ્થાનિકોને મહત્તમ રોજગાર આપવાનો નિયમ હોવા છતાં જીએમડીસીના ભ્રષ્ટ અધિકારીઓ મનમાની ચલાવી પોતાના મળતિયાઓને નોકરીઓની લ્હાણી કરતા રહ્યા છે. સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા થોડા સમય અગાઉ જીએમડીસીના એમડી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જીએમડીસીના લગ્નાઈટ પાનધ્રો પ્રોજેક્ટમાં ઈથ્રોસ એચઆર મેનેજમેન્ટ એન્ડ પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ સાથે જીએમડીસીના જ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત ચાલી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. રજૂઆતમાં જણાવાયું હતું કે, પાનધ્રો પ્રોજેક્ટમાં વર્ષ ર૦ર૪ દરમિયાન એજન્સી દ્વારા ઓનલાઈન વેકેન્સી ટેન્ડર બહાર પાડયા વગર જ નવી ભરતી કરવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયામાં મોટી ગેરરીતિ આચરવામાં આવી હોવાની આશંકા પણ સ્થાનિકો વ્યક્ત કરી હતી. જીએમડીસીએ નાની છેર ખાતે આવેલા અકરી મોટા થર્મલ પાવર સ્ટેશન પ્લાન્ટમાં આસપાસના પાંચ ગામોના ૩પ૦ કર્મચારીઓને એકી સાથે છુટા કરી દીધા હતા. આ શ્રમજીવીઓ હવે રોજગાર માટે સ્થળાંતર કરવા મજબૂર થાય છે. લખપત તાલુકામાં રોજગાર માટેના મર્યાદિત સ્ત્રોત પૈકી એક જીએમસીડીના પ્રકલ્પો છે પરંતુ તેમાં પણ સ્થાનિક લોકોને રોજગાર આપવામાં અન્યાય કરવામાં આવી રહ્યો છે. અકરી મોટા થર્મલ પાવર પ્લાન્ટમાં હાલે શટડાઉન કામ ચાલી રહ્યું છે. મળતી માહિતી અનુસાર જીએમડીસીના લાગતા વળગતાઓને આ કામ સોંપવામાં આવ્યું છે. પાવર મેક નામની ખાનગી એજન્સીને જવાબદારી સોંપવામાં આવી છે. વર્ષ ર૦૧૯ મા આ કંપની પર નાણાના દુરુઉપયોગનો આક્ષેપ થયો હતો. લાગતા વળગતા અધિકારીઓની મીલિભગતથી એ જ કંપનીને ફરી કામ સોંપવામાં આવ્યું છે. આ એજન્સી કામગીરી માટે બારાતું લોકોને લઈ આપે છે. સ્થાનિકો નોકરી માટે જાય તો કોઈ જગ્યા ખાલી ન હોવાનું જણાવી દેવામાં આવે છે. એક વર્ષ અગાઉ જીએમડીસીના પ્રકલ્પો પર ટીએન્ડડી નામની અજેન્સીનો ૧૧ માસનો કરાર પૂર્ણ થતા માત્ર નામમાં ફેરફાર કરી ઈથ્રોસ એજન્સીને કામગીરી સોંપાઈ હતી. આ એજન્સી દ્વારા કામદારોનું શોષણ થતું હોવાના પણ આક્ષેપો ઉઠ્યા છે. જો આ અંગે તલસ્પર્શી તપાસ કરવામાંઆવે તો ભરતીનું મોટું કૌભાંડ બહાર આવે તેવું સ્થાનિકો જણાવીરહ્યા છે. ખાનગી એજન્સીઓ અને સ્થાનિક ભ્રષ્ટ અધિકારીઓ સાંઠગાઠ કરી મળતિયાઓને રોજગાર આપી સ્થાનિક યુવાનોને અન્યાય કરી રહ્યા છે. જીએમડીસીની ખાણોમાં ખાણકામોમાં કોઈ અનુભવ જ ધરાવતા એક્સ આર્મીમેનની ભારતી કરવામાં આવી છે જે ભ્રષ્ટાચારનું પ્રમાણ પૂરું પાડે છે. ૧રપ મેગાવોટની ક્ષમતા ધરાતા અકરી થર્મલ પાવર સ્ટેશન પ્લાન્ટ પર સ્થાનિક લાયકાત ધરાવતા યુવાનોને ભરતી કરવામાં આવે તેવી લાગણી પ્રવર્તી રહી છે.
.

Comments