Trending News
સ્થાનિક સમાચાર

આંખલાનો આતંક : રાપરમાં વેપારી અગ્રણીને એડફેટે લેતા મોત

07 October



રાપર લોહાણા મહાજનના ઉપપ્રમુખનું નિધનથી અરેરાટી : છેલ્લા બે માસમાં ત્રણ વ્યક્તિના મોતથી પાલિકા સામે રોષ 

રાપર : અગાઉ પણ રાપરમાં રખડતા આંખલાએ આતંક મચાવી લોકોના જીવ લીધા છે, ત્યારે શહેરના અયોધ્યાપુરીમાં આંખલાના ઝગડામાં રાપર લોહાણા મહાજનના ઉપપ્રમુખનું મોત થતાં શોક સાથે અરેરાટી ફેલાઈ છે. રાપર શહેરમા નગરપાલિકાના પાપે રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનામા ત્રણ લોકોના મોત આંખલાના યુદ્ધમા થયા છે. તે વચ્ચે ગઈકાલે રાપર શહેરના અયોધ્યાપુરી ચકરા પાસે ત્રણ આંખલાના યુદ્ધમાં રાપર લોહાણા મહાજનના ઉપપ્રમુખ વસંત દયારામ ભાઇ ઠક્કર ઉર્ફે બકાભાઈ (ઉ.વ. ૫૫)નું મોત થયું છે, તેઓ રાપર દરીયાસ્થાન મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી અને રાપર લોહાણા સમાજના માજી પ્રમુખ રસિકલાલ ઠક્કર તથા નગરપાલિકાના માજીપ્રમુખ પ્રવિણભાઈ ઠક્કરના નાના ભાઇ અને હાલ રાપર લોહાણા સમાજના ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપતા હતા. વસંત ઠક્કરને સાંજે સાત વાગ્યાની આસપાસ અયોધ્યાપુરીમાં રખડતા આંખલા ઝગડી રહ્યા હતા, ત્યારે બાઇક દ્વારા બજારમાં આવી રહ્યા હતા. જેમાં આંખલાએ વસંતભાઈને અડફેટે લેતા ગંભીર ઇજાઓ થઇ હતી. તેમને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે તપાસ માટે ખસેડવામાં આવ્યા બાદ ગંભીર ઈજાઓને પગલે વધુ સારવાર માટે પાટણ ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન આજે સવારે તેમનું દુઃખ દ નિધન થયું હતું. વસંત ઠક્કર ધાર્મિક પ્રવૃત્તિ અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા, અને તમામ સમાજના લોકો સાથે ધરોબો ધરાવતા જેના મોતના સમચારથી સમગ્ર પંથકમાં શોક સાથે રોશ ફેલાયો છે.  રાપર શહેરમાં રખડતા ઢોરો અને આંખલા પકડવાનુ નગરપાલિકા દ્વારા માત્ર નાટક કરવામાં આવે છે. આ ઘટના પરથી ફરી એક વાર લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. રાપર શહેરમાં રખડતા ઢોરો અને આંખલા રાપર શહેરમાં જ આવેલી એક ઢોરો નિભાવતી સંસ્થાના છે. સંસ્થા દ્વારા રખડતા ઢોરો અને આંખલા રાખવામાં આવતા નથી.  અત્રે ઉલ્લેખની છે કે, પાલિકાના પાપે છેલ્લા બે માસમાં ત્રણ લોકો જેમાં નિવૃત્ત કર્મચારી અને આધેડ મહિલા અને આજે વસંત ઠકકરના મોત થયા છે. તો અસંખ્ય લોકો અંખલાની લડાઈમાં ઈજાગ્રસ્ત બન્યા હશે. રાપર શહેરના તમામ સાતે સાત વોર્ડમા રખડતા આંખલા અને ઢોરોની સંખ્યા મોટી છે ત્યારે રાપર શહેરમાં રખડતા આંખલા અને ઢોરોના લીધે લોકોના મોત અને ઇજાઓ અંગે રોષની લાગણી ફેલાઈ છે. અને મામલે કડક કાર્યવાહી કરી શહેરને આ સમસ્યાથી કાયમી મુક્તિ મળે તેવી લોકોની અપેક્ષા છે. રાપરમાં આગેવાનના મોતથી શોક સાથે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. બનાવ સંદર્ભે જવાબદાર તંત્રે વધુ માહિતી મેળવવા પ્રયત્ન શરૂ કર્યા છે. આ મામલે રાજકીય સામાજિક આગેવાનો પણ ગંભીર બની કાર્યવાહી માટે તાકીદ કરે તે જરૂરી બન્યું છે.


.................


વાગડ વિસ્તારમાં રખડતા ઢોરો 
બેફામ : પાંજરાપોળો શું કરે છે ?



વાગડ વિસ્તારના રાપર, ભચાઉ ઉપરાંત આડેસર, સામખિયાળી, ગાગોદર, લાકડીયા, પદમપર સહિતના વિસ્તારોમાં રખડતા ઢોરના કારણે લોકોને કાયમી હાલાકીનો સામનો કરવો પડે છે. અવારનવાર રખડતા ઢોરની હડફેટે આવી જવાથી નિર્દોષ લોકોના મોત થતા હોય છે. જો કે તંત્રના પેટનું પાણી હલતું નથી. રખડતા ઢોરોને પાંજરે પુરવામાં આવતા નથી. એક તરફ સરકાર દ્વારા રખડતા ઢોરના નિભાવ માટે પાંજરાપોળોને સબસીડી આપવામાં આવે છે તેમજ વાગડ વિસ્તારમાં સેવાભાવીઓ દ્વારા લાખો રૂપિયાનું દાન અપાય છે ત્યારે આ દાન ઢોરના બદલે માનવરૂપી આખલાઓ ચરી જતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રખડતા ઢોર પાંજરાપોળ કરતા રોડ પર વધારે જોવા મળે છે, ત્યારે તંત્ર દ્વારા પાંજરાપોળના જવાબદારોનું પણ પુછાણું લેવામાં આવે તે જરૂરી બન્યું છે.

Comments

COMMENT / REPLY FROM