રાપર શહેરમાં પીવાના પાણીનો કકળાટ
અઠવાડીયે એક વખત મળતું પાણી : હજુ એક માસ કેનાલ બંધ રહે તેવી શક્યતા
રાપર : વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરની ચાલીસ હજારની વસ્તી અને દસ હજારથી વધુ પશુઘન ધરાવતા આ શહેરમાં નગરપાલિકા સંચાલિત પાણી વિતરણ વ્યવસ્થા અપુરતી રહેતા પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે. કચ્છની જીવાદોરી સમાન કચ્છ બ્રાન્ચ કેનાલ દસ દિવસથી રિપેરીંગ માટે બંધ કરવામાં આવી છે અને હજી એક માસ સુધી બંધ રહેશે તેવું નર્મદા કેનાલના સુત્રોએ જણાવ્યું હતું. રાપરના સાત વોર્ડને દરરોજ છ થી સાત એમએલડી પાણીની જરૂર છે, પરંતુ એકાંતરે પાણી વિતરણ કરવામાં આવતું હતું. હવે તો અઠવાડિયે એક વાર પાણી પુરવઠા બોર્ડ દ્વારા સામખીયાળીથી પાણી આપવામાં આવ્યું છે. રાપર શહેરમાં ભાજપની ગત ટર્મમાં પણ પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ હતી ત્યારે કકળાટ થયો હતો અને શહેરીજનોએ આંદોલન કર્યા હતા. ગત ટર્મની અણઆવડત અને ઘરની ઘોરાજી જેવા શાસન થકી ભાજપના જ શાસન દરમિયાન ૨૦૧૮ માં લોકલ સ્ત્રોત માટે પાંચ થી છ બોર અને બાદરગઢથી રાપર સુધીની પાણીની પાઈપલાઈન નાખવામાં આવી હતી. પરંતુ ગત ટર્મના શાસનકર્તાએ પાઇનલાઇન કાઢી નાખી અને જે રિઝર્વ બોર અને મોટરો બંધ કરી કાઢી નાખી હતી અને રાપર શહેર ને માત્ર નર્મદા કેનાલ આધારિત પાણી માટે વલખાં મારવા મજબૂર કરી દીધા છે. તો રાપર શહેરના નગાસર તળાવને કેનાલ દ્વારા ભરવા માટે દોઢ ડહાપણ શાસન કરતાઓએ પાણી માટે બનાવવામાં આવ્યું છે, પરંતુ હજી સુધી એક પણ વખત છેલ્લા એક દાયકામાં ભરાયેલ નથી અને વરસાદના પાણી દ્વારા નગાસર તળાવ ભરાઇ ઓગની જતું હતું તે પાણીની આવક બંધ કરી દીધી છે.
રાપર શહેરમાં છેલ્લા ચોવીસ વર્ષથી ભાજપનું શાસન છે પરંતુ છેલ્લા શાસનકર્તાએ શહેરના લોકોને પાણી, સફાઈ અને રખડતા ઢોરોની સમસ્યાની લોકોને ભેટ આપી છે. ચોવીસ વર્ષના શાસનમાં રાપર નગરપાલિકા દ્વારા બાવીસ વર્ષના શાસનમાં ક્યારેય પાણીની સમસ્યા કે સફાઈ અને ઢોરોની સમસ્યા ના હતી તેટલી સમસ્યા છેલ્લે આવેલ શાસનકર્તા એ આપી છે. હાલ રાપર શહેરમાં પાણીની મુખ્ય સમસ્યા છે તે હલ કરવા માટે રાપર શહેરના એક પણ નેતાઓ ભાજપ, કોંગ્રેસ કે આપ દ્વારા લેખિત રજૂઆત રાજય સરકારમાં કરાઈ નથી. માત્ર મૌખિક રજૂઆતો કરવામાં આવે છે અને લોકોને આશ્ચર્યજનક આશ્વાસન આપી પાણી કાલે ચાલુ થશે પરંતુ કઈ કાલ તે કહેતા નથી. જો આગામી દિવસોમાં નગરપાલિકાની ચુંટણી આવનાર છે, એટલે રાપરમાં કોણ શાસન કરશે તે નક્કી નથી. અગાઉ શાસન કરી ગયેલા અને મુંબઈ રહેતા આ નેતાને પણ પુનઃ ભાજપની ટિકિટ માટે ચુંટણી લડવાનો અભરખો જાગતા રાપરમાં ઘામા નાખ્યા છે અને નગરપાલિકાની સમસ્યાની રજૂઆત પોતાના શાસનની તાલુકા સંકલન સમિતિની બેઠકમાં કરી હતી. આમ પોતાના શાસનની સમસ્યા પોતે રજૂઆત કરી રહ્યા છે જે ભાજપના મોવડી મંડળે વિચારવું જોઈએ હાલ તો રાપરના લોકો અને પશુઘન પાણી વગર ટળવળે છે.
.........

Comments