Trending News
સ્થાનિક સમાચાર

​​​​​​​અંજારના મકલેશ્વર હાઈવે પર ટ્રેઈલરના  જોટામાં આવી જતા ર૪ વર્ષિય યુવતીનું મોત

07 October




મેઘપર કુંભારડીની યુવતી ઓફિસે જતી હતી ત્યારે કાળમુખા વાહને જીવ લઈ લીધો : સમગ્ર અંજાર વિસ્તારમાં ભારે વાહનો યમરાજ સમાન દોડતા હોવા છતાં બની બેઠેલા નેતાઓના પેટનું પાણી હલતું નથી


અંજાર : ટ્રાન્સપોર્ટેશનના કારણે અંજાર વિસ્તારમાં વાહનોની અવરજવર વધી છે. જેની સામે રસ્તાઓ સાંકળા બની રહ્યા છે. પરિણામે અવારનવાર અકસ્માતોમાં નિર્દોષ જિંદગી મોતના ખપ્પરમાં હોમાઈ રહી છે. થોડા મહિના અગાઉ પોલીસ કર્મચારીની દિકરીનું અકસ્માતમાં મોત થયા બાદ લોકોએ મોરચો માંડતા થોડા સમય સુધી પોલીસે ટ્રાફિક નિયમન કરાવ્યું અને તંત્ર તેમજ નેતાઓએ બાયપાસ બની જશે તેવા આશ્વાસનો આપ્યા પરંતુ સરવાળે કંઈ જ ન થયું. પરિણામે અકસ્માતોની શ્રુંખલા યથાવત રહેવા પામી છે.
આજે સવારે અંજારના મકલેશ્વર મહાદેવ મંદિરને જોડતા હાઈવે રોડ પર અકસ્માતનો બનાવ બન્યો હતો. સવારે દસ વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં રહેતી ર૪ વર્ષિય નયનાબેન દેવજીભાઈ મહેશ્વરી નામની યુવતી ઓફીસે જતી હતી ત્યારે ટ્રેઈલર ચાલકે એક્ટિવાને ટક્કર મારતા પાછળના ટાયરના જોટામાં આવી જતા સ્થળ પર ચગદાઈ જવાના કારણે આ આશાસ્પદ યુવતીનું મોત થવા પામ્યું હતું. ટ્રક નંબર જી.જે.૧ર.એટી પપ૦૬ ના ચાલકે મારેલી ટક્કરના કારણે આ બનાવ બન્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, યુવતીનું ચગદાઈ જવાના કારણે સ્થળ પર જ મોત થયું હતું. ઘરેથી તૈયાર થઈને ઓફિસે જતી હતી, પરંતુ એવી કયાં ખબર હતી કે રસ્તામાં કાળ સાથે ભેેટો થઈ જશે. બનાવને પગલે સ્થળ પર લોકો ભેગા થઈ ગયા હતા અને બેફામ દોડતા વાહનો પર લગામ કસવામાં આવે તેવી માંગ કરી હતી. અંજાર પોલીસે બનાવ અંગે જાણવા જોગ દાખલ કરી છે. 


........

Comments

COMMENT / REPLY FROM