Trending News
ક્રાઈમ

ખારીરોહરમાં ૧ર૦ કરોડનું ૧૧ કિલો કોકેઈન ઝડપાયું 

07 October




ગઈકાલે રાત્રે બાતમીના આધારે સર્ચ દરમ્યાન મળી સફળતા : આસપાસના વિસ્તારમાં વધુ પેકેટ હોવાની આશંકાએ સર્ચને વેગવાન બનાવાયુંઃ અગાઉ મળી આવેલા પેકેટ જેમ જ બિનવારસુ ડ્રગ્સ બરામદ થયું


ગાંધીધામ : જેમ પશ્ચિમ કચ્છના જખૌ, કોટેશ્વર, પીંગલેશ્વર સહિતના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના બીનવારસુ કોથળા મળી આવે છે તેમ હવે પૂર્વ કચ્છની દરીયાઈ ખાડીમાં કોકેઈન સહિતના મોંઘેરા ડ્રગ્સ મળી આવ્યા છે. અગાઉ પણ સ્થાનીક પોલીસ, એટીએસ, એસઓજીને ગાંધીધામની દરિયાઈ ખાડીમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું હતું. ત્યારે ફરી એકવાર ગાંધીધામના ખારીરોહર ગામની સીમમાં આવેલ તળાવની બાજુમાં બાવળોની ઝાડીઓમાં છૂપાવેલ અંદાજીત ૧ર૦ કરોડનું ૧૧ કિલો કોકેઈન મળી આવ્યું છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ એસપી સાગર બાગમાર દ્વારા દરિયાઈ  વિસ્તારમાં પોલીસને અસરકારક પેટ્રોલીંગ કરવા માટે સુચના આપવામાં આવી છે. જે અંતર્ગત અંજાર ડીવાયએસપીના માર્ગદર્શનમાં પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે શંકાસ્પદ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. તપાસ કરતા કોકેઈન હોવાનું સામે આવ્યું છે. અંજારના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના જણાવ્યા પ્રમાણે બાતમીના આધારે બી ડિવિઝન પોલીસ દ્વારા સર્ચ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગઈકાલે રાત્રે ખારીરોહરની ખાડી વિસ્તારમાંથી શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા. તપાસ કરતા કુલ્લ ૧૧ પેકેટ મળી આવ્યા હતા. હાલમાં તપાસ વેગવાન બનાવાઈ હોવાનું ઉમેર્યું હતું. ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એસ. વી.ગોજીયાના માર્ગદર્શનમાં સ્ટાફ દ્વારા કરવામાં આવેલા સર્ચમાં સફળતા મળી હતી. હાલમંં લખાય છે ત્યારે બપોરના અરસામાં એફએસએલ બોલાવાઈ છે અને આસપાસના વિસ્તારમાં તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. દરમ્યાન સુત્રોના કહેવા પ્રમાણે આસપાસના વિસ્તારોમાં ફોર્સ ઉતારી હજુ પણ ડ્રગ્સ છુપાયેલું હોવાની આશંકા આધારે તપાસ કરવામાં આવી રહી છે તેમજ કોલ ડીટેલ્સ આધારે તપાસના ચક્રો વેગવાન બનાવાયા છે. મહત્વનું છે કે, કંડલા પોર્ટ પર આવતા મોટી સંખ્યામાં જહાજો આવતા હોય છે. ઘણી વખત જહાજના કન્ટેનરોમાં મીસ ડીકલેરેશેન કરીને તેમાંથી અમુક માલ નીર્જન એવા ખાડી વિસ્તારમાં ઉતારી અહીં કરાયેલા ખાડામાં ડ્રગ્સના પેકેટ ફેંકી તેની પર પાણી નાખવામાં આવે છે. અથવા તો એવી રીતે ખાડા કરાય કે જેમાં દરીયાનું પાણી ભરાય. મોટા ભાગે અરબ દેશોમાંથી આ ડ્રગ્સ આવતું હોય છે અને ભારતના દરિયામાં પકડવાની બીકે તેમાં ચુસ્ત પેકીંગ કરાય છે. જેથી પાણીમાં દ્રવ્યને નુકશાન થઈ શકે નહીં. હાલમાં આસપાસમાં વિસ્તારમાં પુછપરછ અને શંકાસ્પદ લોકો પર નજર રાખવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે, આ પ્રકરણમાં કોઈની સંડોવણી ખુલશે કે પછી ? અગાઉની જેમ અજ્ઞાત શખ્સો અંધારામાં ઓજલ થઈ જશે. ?

...........


અગાઉ ગત વર્ષે આ સમયગાળામાં 

૮૦૦ કરોડનું કોકેઈન મળ્યું હતું
ગત વર્ષે ર૮ સપ્ટેમ્બરના ગાંધીધામ નજીક આવેલ મીઠીરોહર પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં  ૮૦ કિલો કોકેઈનની કિંમત રૂા. ૮૦૦ કરોડ આંકવામાં આવી હતી. એજન્સી દ્વારા સંયુક્ત કવાયતમાં આ કાર્યવાહી કરાઈ હતી. દરમ્યાન બાદમાં સમગ્ર કેસની તપાસ એટીએસ દ્વારા હાથ ધરવામાં આવી અને બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો. જેમાં શંકાસ્પદ એવા ત્રણેક લોકોને ઉઠાવી એટીએસ દ્વારા પુછપરછ હાથ ધરવામાં આવી હતી. તે બાદ પ જૂન ર૦ર૪ ના એટીએસ અને એસઓજી દ્વારા ખારીરોહર પાસેથી ૯૧ કરોડના ૧૩ પેકેટ કબજે કરવામાં આવ્યા હતા. જે બાદ આજે કાર્યવાહી થઈ છે. મહત્વનું છે કે, અગાઉની કાર્યવાહીમાં એટીએસ સાથે હતી. આ કાર્યવાહી સ્થાનીક પોલીસ દ્વારા કરવામાં આવી છે.


................



ગાંધીધામ સ્મશાન નજીક ચોકડીએ આઈઓસીના સીસીટીવી કેમેરાની ચકાસણી જરૂરી 

ગાંધીધામ : તાલુકાના ખારીરોહર વિસ્તારમાંથી રૂા. ૧ર૦ કરોડની કિંમતનો ડ્રગ્સનો માતબર જથ્થો ઝડપાતા ચકચાર મચી ગઈ છે. સ્થાનિક પોલીસ ૧૧ કિલો કોકેઈનને ઝડપી પાડ્યું છે. કોકેઈનનો મોટો જથ્થો પકડાતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની તપાસ ચલાવી રહી છે. શહેરના સ્મશાન ગૃહથી આગળ ચાર રસ્તા પાસે આઈઓસી કંપની દ્વારા ગોઠવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરવામાં આવે તો ડ્રગ્સની હેરાફેરી માટે મોટી લીડ મળી શકે તેવું જાણકારો જણાવી રહ્યા છે. ચાર રસ્તા પરથી એક રસ્તો ખારીરોહર ગામ તરફ જયારે એક માર્ગ આઈઓસી તરફ જાય  છે. આ વિસ્તારમાં આઈઓસી દ્વારા સીસીટીવી કેમેરારૂપે ત્રીજુ નેત્ર ગોઠવવામાં આવ્યું છે ત્યારે કેમેરાની ચકાસણી તપાસ એજન્સીઓને મદદરૂપ બને તીવી સંભાવના છે. 


.................


 

Comments

COMMENT / REPLY FROM