Trending News
સ્થાનિક સમાચાર

દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ કંડલાને હાઈકોર્ટની રાહત

06 October



હાઇકોર્ટે કહ્યું- નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં અરજી કરો, કોર્ટ તપાસ કરાવશે નહીં : કંડલા દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના પ્રોજેક્ટ સામેની પીઆઈનો નિકાલ


અમદાવાદ : દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ કંડલાને હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. જેમાં પંડિત દીનદયાળ પોર્ટ ઓથોરિટીને કન્ટેનર ટર્મિનલ બનાવતાં રોકવું સહિતના મુદ્દે કરવામાં આવેલી પીએલનું હાઈકોર્ટે નિકાલ કરી અરજદારને આ મુદ્દે એનજીટીમાં અપીલ કરવા જણાવાયું છે. કચ્છ જિલ્લા માછીમાર એસોસિએશનના પ્રમુખ જાખરિયા સલેમાન મલેક અને માછીમારોના સહાય અર્થે કામ કરતાં પર્યાવરણવિદ પીએચડી સ્કોલર ભરતકુમાર પટેલ દ્વારા વર્ષ ૨૦૨૩માં ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં કંડલા પોર્ટ ઉપર પંડિત દીનદયાળ પોર્ટ ઓથોરિટીને કન્ટેનર ટર્મિનલ બનાવતાં રોકવું, તેમજ જ્યાં સુધી આ જાહેર હિતની અરજીનો નિકાલ ના થાય ત્યાં સુધી જે છે તે સ્થિતિ જાળવવાની માગ કરવામાં આવી હતી. આ અરજીના જવાબમાં હાઈકોર્ટે અરજદારને કહ્યું હતું કે, તમે લાંબા સમય પછી સર્ટિફિકેટ કેન્સલ કરવાની વાત કરો છે, પબ્લિક હિયરિંગ પતી ગઈ છે. કેટલીક જગ્યાએ મેન્ગ્રુવ દૂર કરાય છે, પણ તે કોઈ મહત્વના કારણોથી, જેથી ઓથોરિટી પોતાનું મગજ વાપરી નિર્ણય લે છે. તમે એનજીટીમાં જાઓ કોર્ટ કોઈ તપાસ કરાવશે નહીં. ટ્રસ્ટે જણાવ્યું હતું કે, વિવાદ બાદ અયોગ્યતાને જોઇને ત્રણ પ્રોજેક્ટ પડતા મુકાયા છે. ત્યારે કન્ટેનર ટર્મિનલને ટારગેટ કરવાનો શું મતલબ? જો કે, કોર્ટે અરજદારને એનજીટીમાં જવાનું સૂચના આપીને અરજીનો નિકાલ કર્યો હતો. જેથી હાલ પુરતું દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ કંડલાને હાઈકોર્ટમાંથી રાહત મળી છે અને કન્ટેનર ટર્મીનલને ડેવલપ કરવાની ગતિને બળ મળશે. હાઈકોર્ટમાં અરજદારે જણાવ્યું હતું કે, કંડલા પોર્ટ ઉપર જે પ્રોજેક્ટ અમલમાં આવી રહ્યા છે, તેને લઈને મેન્ગ્રુવના જંગલોનો વિનાશ થશે. આ પ્રોજેક્ટ માટે ૨૦૧૬માં એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ આપવામાં આવ્યું છે. જો કે, પ્રોજેક્ટમાં જંગલની જમીન સામેલ નથી, તેવું બતાવવામાં આવ્યું છે. પ્રોજેક્ટ અંતર્ગતની ૬૧ હેક્ટર જમીનમાં મેંગ્રુવસ પણ આવેલા છે. તેના નાશથી પ્રાદેશિક ઇકોલોજી નષ્ટ થશે.
ઉપરોક્ત જમીન સીઆરઝેડ ૧-એ અંતર્ગત આવે છે. જ્યારે ક્લિયરન્સ સીઆરઝેડ ૧-બી, સીઆરઝેડ - ૩,  અને સીઆરઝેડ-પ અંતર્ગત અપાયું છે. સીઆરઝેડ ૧-એ ઇકોલોજીકલ સેંસિટિવ ઝોનમાં આવે છે. કલિયરન્સ આપીને નિયમો બાયપાસ કરાયા છે. અરજદારને સમાચાર સંસ્થાના અહેવાલ મારફતે આ બાબતની ખબર પડી હતી. ૭ પ્રોજેક્ટ માટે ૨૦૧૬માં કલિયરન્સ અપાયું હતું. જ્યારે મેગા કન્ટેનર ટર્મિનલ માટે વર્ષ ૨૦૨૦માં કલિયરન્સ અપાયું હતું. ઓથોરિટીના વકીલે જણાવ્યું હતું કે, આ કુલ ૪૫૦૦ કરોડનો પ્રોજેક્ટ છે. જેમાંથી ૧૪ હજાર કરોડના બેનિફિટ મળશે. કલિયરન્સની વિગત પબ્લિક ડોમેઇનમાં છે. આ રાષ્ટ્ર માટે મહત્વનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટથી લોજિસ્ટિક ખર્ચ ઘટશે. એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સામે એનજીટીમાં ૯૦ દિવસમાં અપીલમાં જઈ શકાય છે.અરજદારે સીઆરઝેડના એન્વાયરમેન્ટ ક્લિયરન્સને રદ્દ માટે માગ કરી હતી. આ પિટિશન ૨૫ જાન્યુઆરી ૨૦૨૩માં દાખલ કરાઈ હતી. દિન દયાળ પોર્ટ ટ્રસ્ટ દ્વારા કુલ ૧૦ જેટલા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. જેમાંથી કેટલાક પ્રોજેક્ટ પૂર્ણ થઈ ચૂક્યા છે. ટેન્ડર બહાર પડાયા બાદ ટુંક સમયમાં આ અરજી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેક્ટ હાથ ધરાયા પહેલા પબ્લિક હિયરિંગ પણ કરવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, એન્વાયરમેન્ટને ક્લિયરન્સને લઈનેે એનજીટીમાં અપીલ કરી શકાતી હતી. તે પહેલા પબ્લિક હિયરિંગ પણ હાથ ધરાયું હતું. પબ્લિક હિયરિંગ વગર એન્વાયરમેન્ટ ક્લિયરન્સ મળી શકે નહીં. અરજદાર એક પીએચડી સ્કોલર છે, તેને આ વાતની માહિતી હોય જ. 

 

Comments

COMMENT / REPLY FROM