ગાંધીધામ સંકૂલમાં ગરબે ઘુમતી મહિલાઓની સુરક્ષા માટે પોલીસ સતર્ક
નવરાત્રિમાં ગરબી આસપાસ રોમીયોગીરી કરતા રર શખ્સોને ઝડપી લેવાયા
એ - બી ડિવિઝન અને આદિપુર પોલીસ દ્વારા કેફીપીણુ પીને ફરતા શખ્સોને પણ પાંજરે પુરાયા
ગાંધીધામ : જિલ્લા પોલીસવડા સાગર બાગમાર દ્વારા નવરાત્રીના તહેવાર અનુસંધાને ગરબીઓ પર ચૂસ્ત બંદોબસ્ત રાખવા અને રાસગરબા રમવા જતી મહિલાઓને સુરક્ષા મળી રહે અને ભયમુક્ત રીતે ગરબા રમે તે માટે રોમીયોગીરી કરતા કે કેફીપીણુ પીધેલા ઈસમો પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત ગાંધીધામ વિસ્તારમાં પોલીસ દ્વારા સપાટો બોલાવાયો છે. એ ડિવિઝન પોલીસ દ્વારા બીજા નોરતા દરમિયાન ગરબી આસપાસ રોમીયોગીરી કરતા અને ડ્રીક એન્ડ ડ્રાઈવ તેમજ કેફીપીણુ પીધેલા ઈસમો સામે ગુનો દાખલ કરી ૪ વાહન ડીટેઈન કરાયા હતા. ત્યારે ભારતનગર કરશન હરથાનભાઈ રબારી, રાહુલ કિર્તિભાઈ ઠક્કર અને આદિપુર પ્રવીણ શેખરભાઈ રેડી સામે ગુનો નોંધાયો હતો. જયારે સી ટીમ દ્વારા સિનોગ્રાના શિવમ હરેશભાઈ પંડ્યા અને મેઘપર બોરીચીના મયંક નીતિનભાઈ ગોરને ઝડપી એમવી એક્ટ અને પ્રોહીબીશનનો ગુનો દાખલ કધરાયો હતો. તેમજ ત્રીજા નોરતા દરમિયાન ૯ શખ્સોને ઝડપી ત્રણ વાહન ડીટેઈન કરાયા હતા. જેમાં રેલવે ઝુપડપટ્ટીના રજાક નૂરમામદ મથડા, ખારીરોહરના મામદ હાજી છરેજા, ભારતનગરના વિરલ ગુલામસિંહ ચૌહાણ, અંતરજાળના સાગર મંગળભાઈ લાલકા, જુના કટારિયાના વિનોદ જીવણભાઈ કોલી, આદિપુરના રાકેશ પ્રહલાદભાઈ ભીલ, ગળપાદરના રોનક વજાભાઈ ચૌધરી, આદિપુરના રોહિત રમેશભાઈ ભીલ અને કિડાણાના ખુશાલ હિરાભાઈ મહેશ્વરીનો સમાવેશ થાય છે. આ તમામ કામગીરી પીઆઈ એમ.ડી. ચૌધરીના માર્ગદર્શનમાં પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ તરફ બી ડિવિઝન પીઆઈ એસ.વી. ગોજીયાના માર્ગદર્શનમાં સી ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ખાનગી પહેરવેશમાં પેટ્રોલિંગ દરમિયાન કેફીપીણુ પીધેલા ૬ શખ્સોને ઝડપી એક વાહન ડીટેઈન કરાયું હતું. જેમાં કિડાણાના સલમાન રહીશ શાહ, આરીફ હનીફ પઠાણ, સાહિલ હુસેન બુચડ, દિપુ ગોપીભાઈ જયશ્વાલ, કેશવનગર આદિપુરના હિંમતભાઈ હરિભાઈ મહેશ્વરી અને ગણેશનગરના નવીન ખેંગારભાઈ સુંઢાનો સમાવેશ થાય છે. દરમિયાન આદિપુર પોલીસ દ્વારા ડ્રીક એન્ડ ડ્રાઈવ તેમજ એમવીએક્ટ, પ્રોહીબીશન એક્ટ, જીપીએકટ મુજબ આદિપુરના મોસીન હુસેનશા શેખ અને મેહુલ દેવજીભાઈ દાફડાને ઝડપી બે વાહનો ડીટેઈન કરાયા હતા. આદિપુર પીઆઈ ડી.જી. પટેલના માર્ગદર્શનમાં આ કામગીરી થઈ હતી. નોરતા દરમિયાન જયાં જયાં ગરબીઓ થાય છે ત્યાં પોલીસ ખાનગી પહેરવેશમાં હાજર રહેશે અને સપાટો જારી રહેશે તેમ પોલીસ દ્વારા જણાવાયું છે.
............
પશ્ચિમ કચ્છમાં એસપીની ઘટ વર્તાય છે
પૂર્વ કચ્છમાં નવરાત્રી દરમિયાન પોલીસ દ્વારા અસામાજિક તત્વો પર સપાટો બોલાવાયો છે. તેમજ દારૂ, જુગાર સહિતની બદી કાબૂમાં રાખવા ઉપરાંત વણ ઉકેલાયેલા ચોરીના ગુના ઉકેલવામાં આવી રહ્યા છે. પરંતુ રાજકોટના અગ્નિકાંડ બાવ પશ્ચિમ કચ્છ જિલ્લામાં એસપીની નિમણુક થઈ જ નથી. છેલ્લા ચાર મહિનાથી પશ્ચિમ કચ્છ જિલ્લો પોલીસવડા વિહોણો છે. ગાંધીધામના એસપીને ચાર્જ અપાયો છે, પરંતુ કચ્છ જિલ્લો એક નાનકડા રાજ્ય જેટલો વિશાળ ક્ષેત્રફળ ધરાવતું હોઈ દરેક જગ્યાએ પહોંચી શકાતું નથી. ગત વર્ષે એસપી મહેન્દ્ર બગડિયા હતા, ત્યારે પોલીસ નવરાત્રીનું આયોજન કરાયું હતું પરંતુ આ વર્ષે એસપીની ગેરહાજરીના કારણે આ નવરાત્રી પણ યોજાઈ શકી નથી. જે રીતે પૂર્વ કચ્છમાં નોરતા દરમિયાન અસામાજિક તત્ત્વો પર સપાટો બોલાવાયો તે રીતની કામગીરી પશ્ચિમ કચ્છમાં થઈ નથી. તેની પાછળ એસપીની ઘટ વર્તાઈ રહી છે.

Comments