Trending News
સ્થાનિક સમાચાર

લખપતમાં સ્થાનિકોને રોજગાર મુદ્દે જીએમડીસીનું વલણ નકારાત્મક

06 October




જીએમડીસી દ્વારા ધમધમતા એકમથી લખપતવાસીઓનું દુર્ભાગ્ય દુર થવાના બદલે મુશીબતો જ વધી : સ્થાનિકોને રોજગાર અને સીએસઆર ફંડમાંથી વિકાસના નામે માત્ર છેતરપીંડી  

જિલ્લા બહારના લેબર ઠેકેદારનો કોન્ટ્રાકટ પુરો થતા ર૦૦ જેટલા સ્થાનિક શ્રમજીવીઓને એક સાથે કરી દેવાયા છુટા : પરિવારના ભરણપોષણનો આધાર છીનવાઈ જતા શ્રમજીવીઓ પર તુટી પડયું આભ : સ્થાનિક અધિકારીઓ પોતાની કોઈ જવાબદારી જ ન હોય તેમ હાથ ખંખેરી લીધા : 



ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ વ્યથીતોની વાત રાજય સરકારના કાને પહોંચાડવામાં રહ્યા છે વિફળ : લખપતવાસીઓને સૌનો સાથ, સૌનો વિકાસ અને વંચિતોના વિકાસ જેવા નારાઓ ભાસી રહ્યા છે ભ્રામક : મુખ્યમંત્રી લખપતના માતાનામઢ દર્શન આવ્યા પરંતુ સ્થાનિકના પ્રશ્નોની કોઈ રજુઆત ન પહોચી



ભુજ : કોઈપણ વિસ્તારનો ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ જે તે વિસ્તારના સ્થાનિકો માટે રોજગારીનું માધ્યમ બને છે. સ્થાનિકે રોજગારીની નવી તકો ઉભી થતા બેરોજગાર યુવાનોને તેમના કૌશલ્ય અનુસાર નોકરી મળે છે. આ ઉપરાંત જે તે ઉદ્યોગ જુથ દ્વારા એકમના સીએસઆર ફંડમાંથી સ્થાનિક વિસ્તારમાં આરોગ્ય, શિક્ષણને લગતી સામાજિક પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે પરંતુ કચ્છ જિલ્લામાં મોટા ભાગે તેનો છેદ ઉડતો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ખાનગી ઔદ્યોગીક એકમો જ નહીં સરકારના જાહેર સાહસોમાં સ્થાનિકોને રોજગાર અને સીએસઆર ફંડમાંથી વિકાસના નામે માત્ર છેતરપીંડી જ થતી જોવા મળે છે.
કચ્છના સરહદી લખપત તાલુકામાં ગુજરાત સરકારના જાહેર સાહસ જીએમડી દ્વારા એકમ ધમધમી રહ્યા છે પરંતુ લખપતવાસીઓનું દુર્ભાગ્ય દુર થવાના બદલે મુશીબતો જ વધી છે. જીએમડીસીના પાવર પ્લાન્ટ પર કુશળ કે અકુશળ કામદારોની ભરતી કોન્ટ્રાકટના ધોરણે કરવામાં આવે છે. જિલ્લા બહારની લેબર કોન્ટ્રાકટર એજન્સીને કામદારો પુરા પાડવાની જવાબદારી જીએમડીસી દ્વારા સોંપાવામાં આવે છે જેથી સ્થાનિકોને પુરતા પ્રમાણમાં રોજગાર મળતું નથી. તાજેતરમાં જ એક લેબર ઠેકેદારનો કોન્ટ્રાકટ પુરો થતા ર૦૦ જેટલા સ્થાનિક શ્રમજીવીઓને એક સાથે છુટા કરી દેવામાં આવ્યા હતા. અચાનક જ પરિવારના ભરણપોષણનો આધાર છીનવાઈ જતા શ્રમજીવીઓ પર આભ તુટી પડયું છે. લાંબા સમયથી બેરોજગાર બની ગયેલા શ્રમજીવીઓ જીએમડીસી બહાર ધરણા અને હડતાળ કરી રહ્યા છે પરંતુ પોતાની કોઈ જ જવાબદારી ન હોય તેમ જીએમડીસીના સંવેદનહીન અધિકારીઓએ શ્રમજીવીઓની દરકાર લીધી નથી કે ન રજુઆત સાંભળી છે. સ્થાનિક શ્રમજીવીઓના જણાવ્યા પ્રમાણે અહી બહારથી આવેલા કામદારોને રાખવામાં આવી રહ્યા છે હાલમાં નવા રપથી વધુ કામદારો આવ્યા હતા જેને સ્થાનિક આગેવાનો અને સરપંચોએ પહોચતા કોન્ટ્રાકટ કામ માટે બોલાવ્યા છે.જીએમડીસીના પ્લાન્ટ અને વહીવટી બાબતોનું સંચાલન ગાંધીનગર કક્ષાએથી થતું હોવાથી સ્થાનિક અધિકારીઓ પોતાની કોઈ જવાબદારી જ ન હોય તેમ હાથ ખંખેરીને ઉભા રહી ગયા છે. શ્રમજીવીઓની વેદના રાજય સરકારના કાન સુધી પહોંચતી નથી. મુખ્યમંત્રીના કચ્છ પ્રવાસ વખતે પણ શ્રમજીવીઓની લડતના પોકાર સીએમ સુધી ન પહોંચે તેની ખાસ દરકાર પણ લેવામાં આવી હતી. સ્થાનિક જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર સરહદી લખપત તાલુકામાં જીએમડીસી દ્વારા સ્થાનિકોની કોઈ દરકાર લેવામાં આવી નથી. પાન્ધ્રોની માઈન્સ બંધ થઈ છે. માતાનામઢ અને ઉમરસરની ખાણ તથા પાવર પ્લાન્ટ હોવા છતાં સ્થાનિકોને કોઈ લાભ થતો નથી. હાલ જીએમડીસી દ્વારા સરકારી અને સ્થાનિક જમીન એકત્રીત કરી રહી છે અને પર્યાવરણની સુનવણીમાં સ્થાનિક રોજગાર અને કંપની સીએસઆર દ્વારા સ્થાનિક વિકાસ કામ કરશે તેવી વાત રજુ કરશે.  જો કે આ વાત કેટલે અંશે સાચી તે તો હાલ પાવર પ્લાન્ટના કામદારોને નોકરી છીનવા ઉપરથી સાબીત થઈ રહી છે. એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર સરહદમાં સુની ન રહે તે માટે સરહદી ગામોમાં સ્થાનિક રોજગારી મળે તે માટેના આયોજન કરતી હોય છે ત્યારે સરકારી કંપનીઓ જ સરકારની વિરૂદ્ધ કામ કરી રહી છે. 
સ્થાનિક યુવાનો રોજગારી માટે હિજરત કરતા હોય છે. કુદરતી આફતો વખતે પણ તાલુકા બહારની સ્વૈચ્છિક સંસ્થાઓ કિસાનો, પશુપાલકો કે ગરીબોની વહારે આવતી હોય છે પણ જીએમડીસી દ્વારા કોઈ મદદ મળતી નથી. જીએમડીસીના ખાણ અને પ્લાન્ટ પર્યાવરણને હાની પહોંચાડી રહ્યા છે. લખપત તાલુકા સહિત કચ્છમાં જીએમડીસી નિગમ દ્વારા પર્યાવરણ જાણવવા શું કામગીરી કરી તેવું દેખાતું નથી, માત્ર કાગળ ઉપર ચિતડવામાં આવી રહ્યું છે. તેની સ્થાનિક જઈને જોઈએ તો કંઈક અલગ જ દ્રશ્ય દેખાય તેમ છે.  હાલમાં રાજ્ય સરકાર દ્વારા કેટલીક ખાણો પર્યાવરણના કારણે બંધ કરી દીધી છે, પણ જીએમડીસી નિગમે પાન્ધ્રો, માતાનામઢ તેમજ ઉમરણસર, ગઢશીશા સહિત અનેક વિસ્તારમાં ખનન કર્યો છે પરંતુ તેની સામે પર્યાવરણ જાણવવા ઉમદા કાર્યો નથી કર્યા. આવામાં નિગમથી સ્થાનિકોને કોઈ લાભ મળતો નથી. તેવામાં લેબર કોન્ટ્રાકટર દ્વારા પરોક્ષ રીતે મળેલો રોજગારીનો લાભ છિનવી લેવાયો છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ લખપતવાસીઓની વાત રાજય સરકારના કાને પહોંચાડવામાં વિફળ રહ્યા છે ત્યારે લખપતવાસીઓને સૌનો સાથ, સૌનો વિકાસ અને વંચિતોના વિકાસ જેવા નારાઓ ભ્રામક ભાસી રહ્યા છે.



 

Comments

COMMENT / REPLY FROM