બિમારી અટકાવવા માટે પશુ રસીકરણ કામગીરીમાં કચ્છ જિલ્લો રાજ્યમાં મોખરે
કચ્છ સહિત રાજ્યભરમાં ૧પમી સપ્ટેમ્બરથી ખરવા - મોવાસા રસીકરણ અભિયાનનો થયો હતો પ્રારંભ : ગઈકાલ સુધી કચ્છ જિલ્લાના દસ તાલુકાઓમાં ૪,૮ર,૮૧૦ પશુઓનું કરાયું રસીકરણ : રાજયના ૩૩ જિલ્લાઓમાં પ૪.૬ ટકા સાથે કચ્છ પ્રથમ, રાજકોટ ૦.૭ ટકા કામગીરી સાથે તળિયે : ૧રમી નવેમ્બર સુધી કચ્છના તમામ ૮.૮પ લાખ પશુઓને ઝુંબેશમાં આવરી લેવાશે : ડો.રાજેશ પટેલ (જિલ્લા પશુપાલન અધિકારી)
ભુજ : કચ્છ - સૌરાષ્ટ્રમાં ઓગસ્ટ મહિનામાં થયેલા અતિભારે વરસાદ બાદ ખરવા - મોવાસા રસીકરણની ઝુંબેશને એક પખવાડિયા બાદ શરૂ કરાઈ હતી. ૧પમી સપ્ટેમ્બરથી કચ્છ જિલ્લામાં ગાય, ભેંસ વર્ગના પશુઓને ખરવા - મોવાસાના રસીકરણની કામગીરીનો પ્રારંભ થયો હતો. અત્યાર સુધી કચ્છ જિલ્લામાં પ૪.૬ ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજયના ૩૩ જિલ્લાઓમાં રસીકરણની ઝુંબેશ ચાલી રહી છે. જેમાં સરહદી કચ્છ જિલ્લો મોખરે રહ્યો છે.આ અંગે વિગત આપતા જિલ્લા પશુપાલન અધિકારી ડો. રાજેશ પટેલે જણાવ્યુ ંહતું કે, ભારત સરકારના પશુપાલન વિભાગ દ્વારા દર વર્ષે બે વખત ખરવા - મોવાસા રસીકરણ અભિયાન ચલાવવામાં આવે છે. ફેબ્રુઆરી - માર્ચ માસ બાદ સપ્ટેમ્બર - ઓકટોબર મહિનામાં ગાય - ભેંસ સંવર્ગના પશુઓને ખરવા - મોવાસાના રોગથી બચાવવા વેક્સિનેશન કરવામાં આવે છે. કચ્છ સહિત રાજયના ૩૩ જિલ્લાઓમાં આ કામગીરી ૧પમી સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી છે. ૧રમી નવેમ્બર સુધી ચાલનાર ઝુંબેશમાં ગઈકાલ સુધી કચ્છના ૮,૮પ,૦૦૦ પશુઓ પૈકી ૪,૮ર,૮૧૦ પશુઓનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. પ૪.૬ ટકા કામગીરી સાથે કચ્છ જિલ્લો રાજયમાં પ્રથમ સ્થાને રહ્યો છે. રાજયના ૧૬ જિલ્લાઓમાં પ ટકાથી ઓછું રસીકરણ થયું છે. રાજકોટ જિલ્લામાં માત્ર ૦.૭ ટકા જ રસીકરણ થયું છે. કચ્છ જિલ્લામાં ૧૦ વેટરનરી ઓફિસર, ૪૦ જેટલા પશુ નિરીક્ષકો અને ૧૦૦ જેટલા પેરા વેટરનરી સ્ટાફ સાથે ગ્રામ્ય લેવલે અને ડોર ટુ ડોર રસીકરણની કામગીરી અવિરત આગળ ધપી રહી છે. ઝુંબેશની સમયાવતી દરમ્યાન જ ૧૦૦ લક્ષ્યાંક પૂર્ણ કરી લેવામાં આવશે તેવું ડો. પટેલે વધુમાં જણાવ્યું હતું.

Comments