Trending News
સ્થાનિક સમાચાર

મુંદરામાં વધુ બે કન્ટેનરનોમાંથી ચીની બનાવટના રમકડા પકડાયા

04 October



ગત પખવાડીયે ગાંધીધામ ડીઆરઆઈએ ચાર કન્ટેનરો ઝડપી પાડયા બાદ વધુ બે કન્ટેનરો પકડાતા એજન્સીઓ બની સતર્ક : રમકડાઓની ઉંચી આયાત ડયુટી બચાવવા રેડીમેડ ગારમેન્ટના ડીકલેરેશન સાથે મંગાવાયો હતો જથ્થો : મુંદરા પોર્ટ પર ચીનથી આયાત થયેલા પ૦ જેટલા કન્ટેનરો ડીઆરઆઈએ અટકાવ્યા

ગાંધીધામ : તાજેતરમાં ગાંધીધામ ડીઆરઆઈએ મુંદરામાં ચાર કન્ટેનરમાંથી ચીનની બનાવટના રમકડાનો જથ્થો ઝડપી પાડયો હતો. આ કિસ્સામાં આગળ ચાલી રહેલી તપાસ દરમ્યાન વધુ બે કન્ટેનરમાંથી ચીનની બનાવટના રમકડા મળી આવતા એજન્સીઓ સતર્ક બની છે. તો બીજીતરફ અન્ય કેટલાક કન્ટેનરોમાંથી ફ્રેબિકનો જથ્થો પણ મળી આવ્યો છે. જેમાં અન્ડર વેલ્યુએશન થયું હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. ચીનથી આયાત થયેલા પ૦ જેટલા કન્ટેનરોને હાલે સ્થગિત કરી દેવામાં આવ્યા છે.આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ડીઆરઆઈની ગાંધીધામ શાખા દ્વારા ગત પખવાડીયે ચીનથી મુંદરા આયાત થયેલા ચાર કન્ટેનરોની તપાસમાં ચીનની બનાવટના રમકડા મળી આવ્યા હતા. આ કન્ટેનરોમાં નાના બાળકોના રેડીમેડ ગારમેન્ટ હોવાનું ઓન રેકર્ડ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ કન્ટેનરોની તપાસમાં ૯૦ ટકા જથ્થો ચીની રમકડા અને ફુગ્ગાનો મળી આવ્યો હતો. રમકડા પર આયાત ડયુટી વધારે હોવાથી મિસ ડીકલેરેશન સાથે આયાત કરવામાં આવી હતી. આ કેસમાં ડીઆરઆઈ દ્વારા એક આયાતકાર અને બે માસ્ટર માઈન્ડને ઝડપી પાડી જેલ હવાલે કરી દીધા છે. આ દિશામાં ચાલી રહેલી તપાસમાં વધુ બે કન્ટેનરોમાંથી ચીની બનાવટના રમકડા મળી આવતા એજન્સીઓ સતર્ક બની છે. ચીનથી આયાત થયેલા પ૦ જેટલા કન્ટેનરોને ડીઆરઆઈએ સ્થગિત કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, તહેવારોના દિવસો દરમ્યાન ચીનના ઉત્પાદનોની માંગ વધતી હોય છે. ગૃહ સજાવટની ચીજ વસ્તુઓ, ઈલેકટ્રોનિકસ ઉત્પાદનો, રમકડા વગેરેનું ધૂમ વેંચાણ થતું હોય છે. આયાત ડયુટીમાં ચોરી કરી મંગાવવામાં આવેલા ચીની ઉત્પાદનો થકી સ્થાનિક ઉત્પાદકોને મોટું નુકશાન પણ થતું હોય છે.

Comments

COMMENT / REPLY FROM