સવાયા કચ્છી વડાપ્રધાન મોદીનું યોગદાન કચ્છ કદીય ભૂલશે નહીં
કચ્છી સપૂતની અંતિમ ઈચ્છાને સાકાર કરવા
દેશની આઝાદીના પ૬ વર્ષ બાદ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી જિનિવાથી ક્રાંતિગુરૂની અસ્થિ લાવ્યા હતા માદરે વતન : માંડવીનું સ્મારક કચ્છી સપૂત શ્યામજી કૃષ્ણવર્માને સાચી શ્રદ્ધાંજલિ
ભુજ : કચ્છના માંડવી ખાતે ૪ ઓક્ટોબર ૧૮પ૭ મા જન્મેલા ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા સંસ્કૃત સહિત અનેક ભાષાઓમાં વિશેષજ્ઞ હતા. ભારતના ઘણા રાજ્યોમાં તેમણે દિવાન તરીકે સેવા આપી હતી. ઈગ્લેન્ડની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે વિદેશ ગયા બાદ તેમણે વિદેશની ધરતી પરથી જ સ્વતંત્રતા સંગ્રામની જ્યોત પ્રજ્વલિત કરી હતી. બાલ ગંગાધર તિલક, સ્વામી ધ્યાનંદ સરસ્વતિ અને હર્બટ સ્પેન્સરથી પ્રભાવિત શ્યામજી કૃષ્ણવર્માએ લંડનમાં હોમરૂલ સોસાયટી, ઈન્ડિયા હાઉસ અને ધ ઈન્ડિયન સોશ્યિલોજિસ્ટ જેવી સંસ્થાઓની સ્થાપના કરી હતી. તેમના ઈન્ડિયા હાઉસે બ્રિટિશસેના દેશમાં યુવાનોને ભારતમાં શાસન કરતા બ્રિટિશરો વિરૂદ્ધ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂકરવાની પ્રેરણા આપી હતી. પ્રથમ વિશ્વ યુદ્ધ બાદ તેઓ જીનીવા જતા રહ્યા હતા અને ત્યાંથી તેમણે સ્વતંત્રતાનો સંગ્રામ ચાલુ રાખ્યો હતો. તેમણે પોતાનું બાકીનું જીવન જીનીવામાં જ વિતાવ્યું હતું ૩૦ મી માર્ચ, ૧૯૩૦ ના તેમનું અવસાન થયું હતું. તેમની અંતિમ ઈચ્છા હતી કે, ભારતને આઝાદી મળ્યા બાદ તેમની અસ્થિઓ ભારતમાં લાવવામાં આવે. ૧૯૪૭ મા દેશની આઝાદી મળ્યા બાદ પ૬ વર્ષો સુધી તેમની અસ્થિઓ જિનિવામાં જ રહી હતી. સવાયા કચ્છી અને તત્કાલિન રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી રર ઓગસ્ટ, ર૦૦૩ ના જીનીવા ગયા હતા અને સ્વિસ સરકાર પાસથી શ્યામજીની અસ્થિઓ સ્વિકારી ભારત લાવ્યા હતા. સ્વદેશ પહોંચ્યા બાદ ગુજરાતમાં ભવ્ય વીરાંજલિ યાત્રાનું આયોજન થયું હતું. શ્યામજી કૃષ્ણવર્માની અસ્થિઓનો કળશ ૧૭ જિલ્લાઓમાંથી પસાર થઈ માદરે વતન માંડવી પહોંચ્યો હતો. માંડવીના મસ્કા ખાતે તેમની સ્મૃતિને ચિરંજીવી રાખવા ર૦૦૯ મા ક્રાંતિતીર્થની આધારશીલા રાખવામાં આવી હતી. પર એકર વિસ્તારમાં ફેલાયેલું ઈન્ડિયા હાઉસની પ્રતિકૃતિ સમાન મેમોરિયલ સ્મારક ૧૩ ડિસેમ્બર ર૦૧૦ના રોજ રાષ્ટ્રને સમર્પિત કરાયું હતું. આજે રાજ્યના મુખ્યમંત્રી મેમોરિયલ સ્મારકના નવીનીકરણની સાથે ડિઝીટલ મ્યુઝિયમનું લોકાર્પણ કરી રહ્યા છે ત્યારે સર્વે કચ્છીજનો પોતાના કચ્છી સપૂત એવા ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્માને અંતિમ ઈચ્છાની પૂર્તિ માટે સવાયા કચ્છી અને હાલે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પુરુષાર્થ અને યોગદાનને ફરી યાદ કરી રહ્યા છે.

Comments