Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં કાયદેસરની લીઝ બંધ થતા ખનિજ માફીયાઓને બખ્ખા

04 October




ખનીજચોરો હાલ સક્રિય થઈ ચાઈનાકલે, બેન્ટોનાઈટ, બોકસાઈડ જેવી અનેક ખનીજોનું ગેરકાયદેસર રીતે કરી રહ્યા છે બેફામ ખનન : બજારમાં જરૂરીયાત ઉભી થતા ખનીજ ચોરોને બખ્ખા : પોલીસની મીઠી નજર હેઠળ ખનીજ ચોરો થયા ફરી સક્રિય : રાજ્ય સરકાર ખનીજ ચોરી મુદ્દે કડક હોવા છતાં કોણ આપે છે ખનીજ ચોરીની રજા મદી ? 

પર્યાવરણીય પ્રમાણપત્રના અભાવે લીઝ એટીઆર બંધ થયા બાદ  બ્લેકટ્રેપ લીઝ ધારકોની હડતાળ : કચ્છની સરકારી અને ખરાબાની સાઈટો પર નિયમિત રો-મટેરીયલની આપૂર્તિ શંકાના દાયરામાં : જિલ્લા બહારથી રો-મટેરીયલની આયાત આર્થિક રીતે વ્યવહારૂ નથી તેમ છતાં સાઈટો પર બાંધકામ માટે મટેરીયલ થઈ રહ્યું છે સપ્લાય : જિલ્લાના માર્ગો પર રાત્રે ઓવરલોડ ખનિજ ભરી દોડતા વાહનો જવાબદાર તંત્રને કેમ દેખાતા નથી ? : પ્રબુદ્ધ નાગરીકોનો વેધક સવાલ



ભુજ : રાજય સરકાના આદેશ બાદ પર્યાવરણીય પ્રમાણપત્રના અભાવે કચ્છ સહિત રાજ્યભરમાં વિવિધ લીઝના એટીઆર ખાણ ખનિજ વિભાગે બંધ કરી દીધા છે. મોટા ભાગની લીઝ પર ઈસીના અભાવે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતા કચ્છમાં મોટા પ્રમાણમાં રોજગાર પુરૂં પાડતા ખાણ ખનિજ વ્યવસાયમાં મોટી ઓટ આવી છે. ત્યાર બાદ ગઈકાલથી જિલ્લાની તમામ બ્લેકટ્રેપ લીઝ દ્વારા પણ અચોકકસ મુદ્દતની હડતાળનું એલાન થતા રહી સહી ખાણો પર પણ ખનન બંધ થઈ ગયું છે. આવા સંજોગોમાં ગેરકાયદેસર રીતે ખનિજ ચોરી કરતા તત્ત્વો સક્રિય થઈ ગયા છે. 
પુર્વ કચ્છ હોય કે પશ્ચિમ કચ્છ ચાઈનાકલે, બોકસાઈડ, બેન્ટોનાલઈટ સહિત અનેક ખનીજનો ગેરકાયદેસર ખનન પોલીસની મીઠી નજર હેઠળ શરૂ થઈ ગયો છે. હાલ રાજ્ય સરકાર પણ કચ્છમાં ગેરકાયદેસર ખનીજ ખનન ન થવો જોઈએ તેવો કડક આદેશને નજર અંદાજ કરવામાં આવી રહ્યું હોય તેવો દેખાઈ રહ્યું છે. વિકાસ કામોની મુળભુત જરૂરીયાત એવા ગૌણ ખનીજની લીઝ બંધ થઈ છે પરંતુ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ઔદ્યોગીક, કોમર્શીયલ ઉપરાંત સરકારી બાંધકામના કામો હાલે પ્રગતિમાં છે. જેમાં રો-મટેરીયલની નિયમિત આપૂર્તિ થઈ રહી છે. જો મોટાભાગ લીઝના એટીઆર બંધ હોય અને જિલ્લા બહારથી રો-મટેરીયલ મંગાવવાનું આર્થિક રીતે પણ કોન્ટ્રાકટરોને પરવડે તેમ ન હોય તો હાલે નાની મોટી સાઈટ પર મટેરીયલ કોણ પુરૂં પાડે છે તે તપાસનો વિષય છે. હાલ અમુક ખનીજના ભાવ ડબલ થઈ ગયા છે, પણ આ હાલ મોટા ભાગની લીઝોના એટીઆર બંધ હોવા છતાં ખનીજ અને રોયલ્ટી કેવી રીતે બની રહી છે તે એક તપાસનો વિષય બની ગયો છે. હાલ ખનીજના પ્લોટના નામે તાઘડધીના થતા હોવાનું ખનીજ સાથે સંકળાયેલાઓ જણાવી રહ્યા છે.  મોરબી સહિત રાજ્ય અને દેશમાં કચ્છની ખનીજ સારી એવી માંગ છે ત્યારે કચ્છની ખાણો પર્યાવરણની એનઓસી (ઈસી) ના હોવાના કારણે બંધ છે તેનો ખનીજ ચોરો લાભ લઈ રહ્યા છે. કચ્છમાં મળતો ચાઈનાકલે, બેન્ટોનાલઈ, બોકસાઈડ સહિતની ખનીજનું ગેરકાયદેસર ખનન રાત્રીના સમયે ધમધોકાર ચાલી રહ્યું છે. પોલીસની સીધી જવાબદારી ન હોવા છતાં તેને સાચવીને ખનીજ ચોરો મોટા પાયે ખનીજ ચોરી કરી રહ્યા છે. બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા સુત્રોનું માનીએ તો તંત્રની કાર્યવાહી બાદ ગેરકાયદેસર ખનીજ ખનન અને પરિવહનની પ્રવૃતિમાં ઉછાળો આવ્યો છે. ખનિજની તસ્કરી કરી ભૂમાફિયાઓ સરકારી તિજોરીને રોયલ્ટીનો ચુનો ચોપડી રહ્યા છે.તો બીજીતરફ કંપનીઓ અને કોન્ટ્રાકટરોની મજબુરીનો લાભ લઈ ખનીજના ઉંચા દામ પણ વસુલી રહ્યા હોવાની બુમરાડ ઉઠી છે. કચ્છ જિલ્લાના લખપત, અબડાસાથી માંડી માંડવી, મુંદરા, નખત્રાણા, ભુજ, અંજાર પંથકમાં મોડી રાતે ખનિજ ભરેલ વાહનો દોડતા નજરે ચડી રહ્યા છે. પૂર્વ કચ્છમાં ખાણ ખનિજ વિભાગે તાજેતરમાં ગેરકાયદેસર ખનીજનું પરિવહન કરતા કેટલાક વાહનો ઝડપી પાડયા હતા. પરંતુ આ કામગીરી નગણ્ય હોવાનું જાણકારો કહી રહ્યા છે. જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને પરિવહનની પ્રવૃતિ બેફામ ધમધમી રહી છે. જિલ્લાના આવા વિસ્તારોમાં હાલે આરટીઈ એક્ટિવિસ્ટોથી માંડી પોલીસ, આરટીઓ અને અન્ય સરકારી વિભાગના અધિકારીઓના આંટાફેરા પણ વધ્યા છે, જે આ ગેરપ્રવૃતિમાં અંદરખાને જવાબદાર તંત્રના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની ભૂંડિ ભૂમિકા હોવાની આશંકા ઉભી કરી રહ્યા છે.જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવે તો તાજેતરના દિવસોમાં કચ્છમાં બેફામ બનેલા ખનીજ ચોરીના મોટા કૌભાંડનો ખુલાસો થાય તેવું જાગૃત નાગરીકો જણાવી રહ્યા છે.


 

Comments

COMMENT / REPLY FROM