Trending News
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છમાં ચાઈનાકલેનું ગેરકાયદેસર વહન કરતા ૧૮ વાહનો પકડાયા : પ.૪૦ કરોડનો મુદ્દામાલ સીઝ

04 October

બેફામ બનેલા ખનીજ તસ્કરો પર તંત્રની ધોંસ




લાકડીયા અને ગાગોદર વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગની ફલાઈંગ સ્કવોર્ડનો સપાટો : અધિકૃત રોયલ્ટી પાસ વગર ચાઈનાકલે ભરી નીકળેલા દોઢ ડઝન વાહનો તંત્રની જપ્ટે ચડયા : વાહન માલિકો પાસેથી પ૪ લાખની દંડકીય વસુલાતની હાથ ધરાઈ કામગીરી


ઈસીના અભાવે માન્ય લીઝો બધ થતા સક્રિય થયેલા ખનીજ માફિયાઓમાં ખાણ ખનિજ વિભાગની સઘન ઝુંબેશથી ફેલાયો ફફડાટ



ભુજ : કચ્છ સહિત રાજ્યભરમાં ચાઈનાકલે, બ્લેકટ્રેપ સહિતની લીઝમાં પર્યાવરણીય પ્રમાણપત્રના અભાવે ખનન પર રોક લાગી છે. રાજય સરકારના આદેશના પગલે ખાણ ખનીજ વિભાગે ઈસી ન હોય તેવી લીઝના એટીઆર બંધ કરી દેતા કચ્છમાં ખનન પ્રવૃતિ ઠપ્પ થઈ છે. જો કે કચ્છના ગેરકાયદેસર ખનન અને વહનની પ્રવૃતિ બેરોકટોક ચાલી રહી છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા માન્ય લીઝોના એટીઆર બંધ થયા બાદ ગેરકાયદેેસર ખનીજ ચોરીનું પ્રમાણ વધ્યું હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે ખાણ ખનીજ વિભાગની ટીમે ગત મોડી રાત્રે ચાઈનાકલે ખનીજનું ગેરકાયદે વહન કરતા ૧૮ વાહનોને ઝડપી પાડયા છે. ખાણ ખનીજ વિભાગની ફલાઈંગ સ્કવોર્ડના સપાટા બાદ ખનીજ માફીયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લા કલેકટરના આદેશથી ભચાઉ પ્રાંત અધિકારી બાલમુુકુંદ સુર્યવંશી અને ખાણ ખનીજ વિભાગની ફલાઈંગ સ્કવોર્ડના મદદનીશ નિયામક મેહુલ શાહની ટીમ દ્વારા ગત મોડી રાત્રે પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના લાકડીયા આડેસર હાઈવે પર ખાસ વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમ્યાન લાકડીયા પોલીસ સ્ટેશનની હદમાં અધિકૃત રોયલ્ટી પાસ વગર ચાઈનાકલે ખનીજનું વહન કરતી ૧૬ ટ્રકોને એક સાથે ઝડપી પાડવામાં આવી હતી. આ ઉપરાંત ગાગોદર પોલીસ સ્ટેશનની હદમાંથી પણ અધિકૃત રોયલ્ટી પાસ વગર ચાઈનાકલે ભરીને નીકળેલ બે ટ્રકોને ઝડપી પાડવામાં આવી હતી. આમ એક જ રાત્રી દરમ્યાન ખાણ ખનીજ વિભાગની ફલાઈંગ સ્કવોડ ખનીજ ચોરી કરતા તત્વો પર સપાટો બોલાવી ગેરકાયદેસર ચાઈનાકલેનું વહન કરતા ૧૮ વાહનો પકડી પાડયા હતા. કુલ્લ પ.૪૦ કરોડનો મુદ્દામાલ લાકડીયા અને ગાગોદર પોલીસ સ્ટેશને કસ્ટડીમાં સોંપવામાં આવ્યો હતો. આ ઉપરાંત વાહન માલિકો પાસેથી પ૪ લાખની દંડનીય વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવશે. ખાણ ખનીજ વિભાગની સઘન ઝુંબેશથી પૂર્વ કચ્છમાં મોડી રાતે ગેરકાયદેસર ખનીજનું વહન કરતા ખનીજ ચોરોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

Comments

COMMENT / REPLY FROM