Trending News
સ્થાનિક સમાચાર

મુખ્યમંત્રી રૂ.૧૧૭ કરોડથી વધુના વિકાસકાર્યોની કચ્છવાસીઓને આપશે ભેટ 

03 October



સીએમ ભૂપેન્દ્ર પટેલ રૂ.૨૮.૪૬ કરોડના કુલ ૬ કામોનું ઇ-ખાતમુહૂર્ત તેમજ રૂ. ૮૯.૨૧ કરોડના ૯ કામોનું ઇ-લોકાર્પણ કરશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માતાના મઢ ખાતે દેશદેવી મા આશાપુરાના દર્શન કરશે  : જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓમાં ધમધમાટ 


ભુજ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૪ ઓકટોબરના રોજ કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બપોરે માંડવી ખાતે આયોજિત કાર્યક્રમમાં રૂ.૨૮.૪૬ના કુલ ૬ કામોનું ઇ-ખાતમુહૂર્ત તેમજ રૂ. ૮૯.૨૧ કરોડના ૯ કામોનું 
ઇ-લોકાર્પણ કરી કુલ રૂ.૧૧૭ કરોડથી વધુના વિવિધ વિકાસકામોની કચ્છવાસીઓને ભેટ આપશે.  માંડવીના સપૂત ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માની સ્મૃતિમાં બનેલા ક્રાંતિતીર્થ ખાતે ર૦ કરોડના માતબર ખર્ચે નિર્માણ પામેલા ડિજિટલ મ્યુઝિયમનું આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ થશે. આવતીકાલે તા. ૪ ઓક્ટોબરના ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્માની ૧૬૭મી જન્મ જયંતીના અવસરે લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા સમારોહ સ્થળે તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. મુખ્યમંત્રીના કાર્યક્રમ અન્વયે ભુજ ઓકટ્રોયથી ક્રાંતિતીર્થ સુધીના માર્ગ પર ખાડા પુરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. કાશી વિશ્વનાથ તટ પર હેલીપેડની મરામત કરવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી આવતીકાલે બપોરે ૩ કલાકે ગાંધીનગરથી હવાઈ માર્ગે ભુજ એરપોર્ટ આવી પહોંચશે ત્યારબાદ બપોરે હેલિકોપ્ટર મારફતે માતાના મઢ પહોંચી કચ્છના દેશદેવી મા આશાપુરાના દર્શન કરશે ત્યાથી ૪ વાગ્યે માંડવી પહોંચી લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારોહમાં કચ્છને વિવિધ વિકાસકામોની ભેટ આપશે. મુખ્યમંત્રીની આ મુલાકાતમાં સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો કેશુભાઇ પટેલ, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, અનિરૂધ્ધભાઇ દવે તથા ત્રિકમભાઇ છાંગા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ સહિત રાજકીય અને સામાજિક ક્ષેત્રના મહાનુભાવો, ઉદ્યોગપતિઓ, વિવિધ સરકારી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. 


...............

લોકાર્પણના કામોની વિગતો 


• ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના રૂ. ૨૯.૯૪ કરોડના ખર્ચે બનેલ માંડવી ભાગ-૩ જુથ સુધારણા યોજનાનું લોકાર્પણ 
• ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના રૂ. ૧૯.૨૨ કરોડના ખર્ચે બનેલ ભુજભાગ-૨ જુથ સુધારણા યોજનાનું લોકાર્પણ 
• ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રૂ.૧૦.૪૨ કરોડના ખર્ચ બનેલ ૬૬ કે.વી ભાડિયા સબસ્ટેશનનું લોકાર્પણ 
• શિક્ષણ વિભાગના રૂ. ૮.૮૯ કરોડના ખર્ચે કચ્છ જિલ્લાની ૧૩ પ્રાથમિક શાળાઓમાં કુલ ૪૮  નવીન ઓરડા, શાળારિપેરિંગ અને ટોઇલેટ બ્લોકનું લોકાર્પણ
• ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રૂ.૭.૨૭ કરોડના ખર્ચ બનેલ ૬૬ કે.વી કુનરિયા સબસ્ટેશનનું લોકાર્પણ 
• મહેસુલ વિભાગ દ્વારા રૂ. ૭.૧૨ કરોડના ખર્ચે ભુજ ખાતે નવીન પ્રાંત અને મામલતદાર(શહેર) કચેરીનું     લોકાર્પણ 
• આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રૂ. ૪.૨ કરોડના ખર્ચે બનેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર, જનાણનું લોકાર્પણ 
• આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રૂ. ૧.૦૯ કરોડના ખર્ચે બનેલા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , અંજારનું લોકાર્પણ 
• આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રૂ. ૧.૦૬ કરોડના ખર્ચે બનેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મોટા કાંડાગરાનું લોકાર્પણ.  

........

ખાતમૂહુર્તના મહત્વના કામો

• શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિમાર્ણ વિભાગ દ્વારા રૂ.૮.૧૬ કરોડના ખર્ચે બનનાર ભુજ ખાતે મોડલ ફાયર સ્ટેશનનું ઇ-ખાતમૂર્હુત. 
• ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા રૂ. ૬.૯૮ કરોડના ખર્ચે બન્ની જૂથ પાણી પુરવઠા યોજનાનું સુદ્રઢીકરણનું ઇ-ખાતમૂર્હુત
• માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા રૂ.૬.૦૫ કરોડના ખર્ચે ગઢશીશા-મંગવાણા-યક્ષ રસ્તાના કિ.મી  ૩૮/૦૦ થી ૩૯/૦૦ વચ્ચે નવો પુલ કામનું ઇ-ખાતમૂર્હુત
• માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા રૂ. ૩ કરોડના ખર્ચે મોથાળા કોઠારા રસ્તાના ૧ કિ.મીનું મજબૂતીકરણનું ઇ-ખાતમૂહુર્ત
• મહેસૂલ વિભાગ દ્વારા રૂ. ૨.૯૨ કરોડના ખર્ચે ભુજ ખાતે મહેસૂલ વિભાગના ડી-૧ કક્ષાના ૬ કવાર્ટસનું ઇ-ખાતમૂહુર્ત 
• શિક્ષણ વિભાગ દ્વારા રૂ.૧.૩૫ કરોડના ખર્ચે કચ્છ જિલ્લાના માનપુરા અને આણંદપર યક્ષ પ્રાથમિક શાળાના કુલ ૯ નવીન ઓરડાનું ઇ-ખાતમૂહુર્ત.



 

Comments

COMMENT / REPLY FROM