કચ્છ જિલ્લામાં બ્લેકટ્રેપ લીઝધારકોની હડતાળ શરૂ
રાજ્ય સંગઠનના નિર્ણયના પગલે
પશ્ચિમ અને પૂર્વ કચ્છમાં કાર્યરત ખાણો પર ખનન કરાયું બંધ : અનેક સંલગ્ન વ્યવસાયો પર જોવા મળશે અસરઃ હજારો શ્રમજીવીઓનો છિનવાશે રોજગાર : કચ્છના અર્થતંત્રને મોટા આર્થિક નુકશાનની સંભાવના
ભુજ - ગાંધીધામ : પર્યાવરણીય પ્રમાણપત્રના અભાવે કચ્છ સહિત રાજ્યભરમાં બ્લેક ટ્રેપ સહિત વિવિધ ખનિજની લીઝના એટીઆર બંધ કરવાના રાજય સરકારના આદેશથી કચ્છના ખાણ ખનિજ ઉદ્યોગને મોટો આર્થિક ફટકો પડયો છે, ત્યારે બ્લેકટ્રેપ એસોસીએશન દ્વારા આજથી તમામ લીઝ અને સંલગ્ન વ્યવસાય દ્વારા હડતાળ શરૂ થતા પશ્ચિમ અને પૂર્વ કચ્છ જિલ્લામાં ખાણકામ બંધ થયું છે. તાજેતરમાં દ્વારકા ખાતે મળેલી રાજયના બ્લેકટ્રેપ લીઝ ધારકોની બેઠકમાં ગાંધી જયંતીથી તમામ લીઝ બંધ કરી દેવામાં આવી છે.આ અંગે વિગતો આપતા પશ્ચિમ કચ્છ બ્લેકટ્રેપ એસો.ના પ્રમુખ મુળરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયના વિરોધમાં રાજય સંગઠન દ્વારા લેવામાં આવેલ નિર્ણયમાં પશ્ચિમ કચ્છના તમામ લીઝધારકો જોડાયા છે. ઈસી, માઈનીંગ પ્લાન સહિતના વિવિધ પ્રશ્નો અંગે એકસંપ થઈ લડત ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.પૂર્વ કચ્છ લીઝ ક્રશર એસોસીએશનના પ્રમુખ રામભાઈ ભાવનાનીના જણાવ્યા અનુસાર કચ્છમાં કાર્યરત બ્લેકટ્રેપની ર૦૦ થી વધુ ખાણ અને ૪૦ જેટલા ક્રશર પ્લાન્ટ આજથી હડતાળમાં જોડાયા છે. ખાણ ખનિજ ઉદ્યોગ કચ્છના અર્થતંત્રમાં મહત્વનો વ્યવસાય છે. આ ઉદ્યોગ થકી ટ્રાન્સપોર્ટ સહિત અન્ય સંલગ્ન વ્યવસાયો થકી રોજગાર ઉભું થાય છે. હજારો શ્રમજીવીઓના પરિવારનું પણ આ ઉદ્યોગ થકી ભરણ પોષણ થાય છે. આજથી બ્લેકટ્રેપ લીઝધારકોની હડતાળથી અનેક વ્યવસાયો પર તેની નકારાત્મક અસર જોવા મળી છે. જયારે હજારો શ્રમજીવીઓ પર બેરોજગાર થવાનું સંકટ ઉભું થયું છે.

Comments