ભચાઉ- સામખિયાળી વચ્ચે અકસ્માતમાં ચાલકનું મોત
બંધ ટ્રક પાછળ ટ્રેલર ઘૂસી જતા ચાલકનું મોત : ટ્રેઈલરની ડ્રાઈવર કેબીનના ફૂરચા નીકળી ગયા : હાઈવે પેટ્રોલિંગની ટીમ અને ૧૦૮ સ્ટાફે ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢયો
ગાંધીધામ : ભચાઉ - સામખિયાળી વચ્ચેના છ માર્ગીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર આજે સોમવાર સવારે વધુ એક માર્ગ અકસ્માતની જીવલેણ ઘટના સર્જાઈ હતી. મોરબી તરફ જતું કન્ટેનર ટ્રેલર માર્ગમાં ઉભેલી ટ્રક પાછળ ધડાકા ભેર ઘુસી ગયું હતું. અકસ્માતના પગલે ટ્રેલરની કેબિનનો કડુસલો બોલી ગયો હતો જ્યારે તેનો ચાલક સીટની નીચેના એન્જીનમાં ફસાઈ ગયો હતો. બનાવના પગલે સામખિયાળી હાઇવે પેટ્રોલીંગની ટિમ અને ૧૦૮ એમ્બ્યુલન્સનો સ્ટાફ ઇજગ્રસ્ત ટ્રેલર ચાલકને બચાવવા મદદે દોડી ગયો હતો પરંતુ ગંભીર ઇજાઓના કારણે ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માતના કારણે ટ્રાફિકની રફતારને પણ આંશિક અસર પહોંચી હતી.ભચાઉ પોલીસ દફ્તરે નીંધાયેલી પ્રાથમિક વિગતો મુજબ ગાંધીધામ બાજુથી મોરબી તરફ જતું ટ્રેઈલર વોંધ રામદેવપીર વચ્ચેના ધોરીમાર્ગે ઉપર ઉભી રહેલી ટ્રક પાછળ પુરઝડપે ટકરાઈ પડ્યું હતું. અકસ્માતમાં ગંભીર ઇજા પામેલા મૂળ યુપીના રામદયાલ મેબુલાલ ચૌહાણનું ઘટના સ્થળે મૃત્યુ થતા તેના મૃતદેહને હાલ પીએમની કાર્યવાહી માટે ભચાઉ સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે. આગળ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. અકસ્માતના પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, ટ્રેઈલરમાં બેઠેલા ચાલકનું ઘટના સ્થળે જ મોત
થયું હતું.

Comments