રવિવારે માતાનામઢે ૪૦ હજાર માથા નમ્યા
ચલો બુલાવા આયા હૈ.... માતાને બુલાયા હૈ...
વહેલી સવારથી જ માંના દર્શન કરવા ભાવિકોએ લાઈન લગાવી : ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો : વેપારીઓના મુખે ચમક જોવા મળી : વહીવટી તંત્ર દ્વારા પાણી, લાઈટ, એસટીની સુંદર સુવિધા : મંદિરનો નવો કલેવર અપરંપાર : પાલર પાણીથી દૂર રહેવા હાકલ કરાઈ : ર૪ કલાક અન્નક્ષેત્રનો લાભ લેતા હજારો ભાવિકો : માતાનામઢે મેળા જેવો માહોલ
નખત્રાણા : કચ્છની કુળદેવી આશાપુરા માતા પ્રત્યે આસ્થાનો સમંદર ફરી ઘુઘવતો થયો છે. અશ્વિન નવરાત્રી બેસે એના પાંચ - સાત દિવસ પહેલાથી જ કચ્છ, ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના ભાગોમાંથી પદયાત્રીનો પ્રવાહ માતાનામઢ ભણી અવિરત ચાલી રહ્યો છે. ત્યારે આજે રવિવારે પરોઢથી માતાનામઢે મેળો જામ્યો હતો અને શ્રદ્ધાળુઓની લાઈન જોવા મળી હતી. બપોર સુધી ૪૦ હજાર જેટલા માથા માં ના ચરણે નમી ગયા હતા. રાત સુધી અડધો લાખ ભાવિકો માંને શીશ નમાવે તેવો અંદાજો જોવા મળી રહ્યો છે. માતાનામઢના પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા તથા મંદિરના મેનેજર મયુરસિંહ જાડેજાએ કચ્છઉદય સાથે વાત કરતા કહ્યું કે, શનિ-રવિની સરકારી કચેરીઓમાં રજા હોતા કર્મચારીઓ પરિવાર સાથે પગપાળા અથવા ખાનગી વાહનોમાં માંના દર્શન કરતા હોય છે. શ્રાદ્ધ પક્ષમાં યુવાધન નવરાત્રીમાં ભાગ લેતા હોઈ માતાજીના દર્શન વહેલા કરી લે છે. આ વખતે મેઘમહેર સારી હોતા શ્રદ્ધાળુઓ પાંચથી છ લાખ જેટલા માતાનામઢે નવરાત્રી દરમ્યાન આવે તેવી વકી છે. તો માતાનામઢે વેપારી વર્ગ અને સ્ટોલ ધારકોના મુખ પર ચમકી આવી છે, લોકો ખરીદી પણ કરે છે. માતાનામઢે ઓધવરામ સેવા સમિતિ દ્વારા ર૪ કલાક અવિરત અન્નક્ષેત્રમાં ભોજન, રહેવા, આરામ, દવા સહિતની સેવા કાર્યરત છે. મંદિરે નવા કલેવર ધારણ કરતા ભાવિકોમાં ખુશી જોવા મળી રહી છે. ખટલા ભવાની તથા રૂપરાઈ તળાવ પાસે વધુ પોલીસ કર્મી ગોઠવવાની માંગ ઉઠી છે. પાલર પાણીથી દૂર રહેવા તાકીદ કરાઈ છે. બુધવારે રાત્રે ૯ કલાકે ઘટ્ટ સ્થાપન થશે. ગુરૂવારથી નવરાત્રીનો પ્રારંભ થશે. પ્રથમ નવરાત્રીથી આઠમ સુધી ભાવિકો માટે સવારના પાંચ વાગ્યાથી રાત્રે ૧ર વાગ્યા સુધી મંદિરના દ્વાર ખુલ્લા રાખવામાં આવશે. હવનની રાત્રે આખી રાત મંદિરના દ્વાર ખુલ્લા રહેશે. ડીવાયએસપી બી.બી.ભગોરાના માર્ગદર્શન હેઠળ ૪૦૦ પોલીસકર્મી, હોમગાર્ડ, જીઆરડી, લેડીઝ પોલીસ ફરજ બજાવે છે. ૪ ડીવાયએસપી, ૬ પીઆઈ, ૩૦ પીએસઆઈ તેમજ સુરજબારીથી માતાનામઢ સુધી ટ્રાફીક પોલીસની વ્યવસ્થા છે. આરોગ્ય, પાણી, વિદ્યુત વિભાગ દ્વારા ર૪ કલાક પુરવઠો જળવાઈ રહ્યો છે. એસટી વિભાગ દ્વારા બસો દોડશે.૧પ૦ જેટલી બસો ફાળવાઈ છે. ગ્રામ પંચાયત દ્વારા ૩૦૦ જેટલા નાના - મોટા પ્લોટો ફાળવાયા છે. ગંદકી ન ફેલાય તેવી સુચના અપાઈ છે. ભારે વાહનો માટે પ્રતિબંધ જાહેરનામુ બહાર પડયો છે. ગ્રામ પંચાયત દ્વારા બે ટ્રેકટર, ૩૦ સફાઈ કામદાર સ્વચ્છતા માટે ફાળવાયા છે. સીસીટીવી, ફાયર સેફટી સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ છે. ફુડ ડ્રગ્સ વિભાગ પણ તૈનાત છે. એમ્બ્યુલન્સ સહિતની સુવિધા રખાઈ છે. મેળામાં ટ્રાફિકનો પ્રશ્ન ઉભો ના થાય તે માટે ત્યાં વધુ પોલીસકર્મી નિમાયા છે. લોકો શાંતિપૂૃર્વક માતાજીના દર્શન કરી શકે તે માટે જાગીર શાખાએ પણ વ્યવસ્થા સંભાળી રહી છે. તમામ ટ્રસ્ટીગણ તેમજ સેવકો માંની સેવામાં તત્પર છે.
...........
મઢવાળીની મંગળા આરતીનો પરોઢે અનેરૂં મહત્વ
આજે વિજ્ઞાન યુગમાં દેશના જ નહીં પણ દુનિયાના વિજ્ઞાનીઓએ સાબિત કર્યું છે કે માતાનામઢમાં જયાં માં આશાપુરાનું સદીઓથી પુરાણું મંદિર છે ત્યાં “મંગળ” ગ્રહમાંથી મળતો અને પરમાણુ ભઠ્ઠીમાં વપારાતો “આઈડ્રોકસ સલ્ફેટ” નામનો પદાર્થ ઉપલબ્ધ છે. ઈસરોના વિજ્ઞાનીઓનું આ સંશોધન જ સાબિતી છે કે આ ભૂમિ ઉર્જાવાન છે અને તેની અંદર શ્રદ્ધા સૌને છે ત્યારે માતાનામઢે પરોઢે થતી મંગળા આરતીનું વિશેષ મહિમા છે તેવું લાખો ભક્તો કહે છે. સ્વયંભૂ પ્રગટ માં મઢવાળીનું પરોઢનું દ્રશ્ય એક નવી ઉર્જા આપે છે. માં નું સ્વરૂપ પણ કંઈક અલગ ભાસે છે. માતાનામઢ જાગીરના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજી પરોઢની મંગળા આરતી સાથે માતાનામઢના કપાટ ખુલ્લે છે અને માતાજીના જય જયકાર વચ્ચે એકમાત્ર પુજારીના ડાબા હાથમાં રહેલી ઘંટડીના રણકાર સાથે આરતીનો શુભારંભ થાય છે. ન નોબત, ન ઢોલ, ન યાંત્રિક આરતી, ન પીતળની થાળી, ન ઘંટનાદ, માત્ર ઘંટડીના રણકાર સાથે પ્રસિદ્ધ આશાપુરી ધુપના સફેદ ધુમાડાથી ગર્ભગૃહ છલકાય છે. ધુમશેરો નીજ મંદિરથી બહારના ભાવિકો માટેના સંકુલને પવિત્રતા બક્ષે છે અને મુખ્ય પ્રવેશદ્વાર ખુલ્લે છે. દિપમાળામાંથી નિકળતા જયોતના લપકારા સાથે ચામર, ધુપ, બતી અને દિવેટ સાથેની મંગળા આરતી વિરામ લે છે. એ સાથે આશાપુરા માત કી જય “કચ્છ ધણીયાણી મઢવાળી માત કી જય”ના નારા સાથે સવાર પડે છે. મંગળા આરતીનો લાભ હજારો ભાવિકો વહેલી પરોઢે લે છે.
.............
માતાનામઢે સવાસો વરસથી અવિરત અન્નક્ષેત્ર
માતાનામઢ જાગીર ટ્રસ્ટ સંચાલિત સેવા પદયાત્રી કેમ્પ ખુલ્લો મુકાયો
માતાનામઢ : “અન્નનો ટુકડો ત્યાં હરી ઢુંકડો”ની ઉક્તિ મુજબ માતાનામઢે સવાસો વરસથી અવિરત અન્નક્ષેત્ર ચાલે છે અને તેના માટે હાથ લંબાવવામાં કે દાનની ટહેલ રાખવામાં આવતી નથી. ૩૩ કરોડના ખર્ચે પ્રવાસ અને યાત્રાધામ વિકાસ બોર્ડ અન્ય સુવિધા ઉભી કરી છે પણ આ મંદિર જાગીર અને ટ્રસ્ટે કોઈ પાસે કંઈ જ માંગ્યું નથી. માતાનામઢે વર્ષે દહાડે ૩૦ લાખથી વધુ ભાવિકોની આવ - જાવ રહે છે. આ મંદિર કયાંયે કોઈ રસીદ ફાડતું નથી, હાથ ફેલાવતું નથી. જેની મનોકામના પૂરી થાય તેમનું દાન મંદિર પરિસરમાં એક જ જગ્યાએ સ્વીકાર્ય છે. તો લાખો પદયાત્રીઓને ઓધવરામ સેવા સમિતિ મુંબઈના નેજા તળે ૩પ વર્ષથી ચત્રભુજ કટારીયા (ડોણ) અને કનૈયાલાલ કટારીયા પરિવાર સતત જાત મહેનતથી સેવા આપે છે, ભોજન પ્રસાદ પીરસે છે અને સેવા અમને આપો તેવું સેંકડો જણ કહે છે અને ઈચ્છે છે પણ આ સમિતિ સેવા માંડ મળી છે હવે કેમ મુકાય તેવા સન્માનભર્યા શબ્દો સાથે એવી દરખાસ્તોનો અસ્વીકાર કરે છે. આવા ઓધવરામ સેવા સમિતિના સેવકોમાં આશાપુરાની ઓળખ છે. માતાનામઢ જાગીર ટ્રસ્ટ સંચાલિત મેઘા પદયાત્રી કેમ્પનો ગઈકાલે પ્રારંભ થયો હતો. જાગીરના ટ્રસ્ટી ખેંગારજી જાડેજા, જયમલભાઈ રબારી, હેમલભાઈ માણેક, જિલ્લા પંચાયત સદ્દસ્ય દામજીભાઈ, દેવકરણભાઈ આહિર, દામજીભાઈ આહિર, મનોજભાઈ ભાનુશાલી (કચ્છ ઉદય), ભરતસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા કેમ્પ પર હેમલભાઈ માણેક અને તેમની ટીમ ર૪ કલાક સતત પદયાત્રીઓની સેવામાં સજ્જ રહે છે.
.............
પદયાત્રીઓ સ્વચ્છતા - સલામતી જાળવજો
દેશ દેવી માં આશાપુરાના દર્શનાર્થે શ્રાધ્ધ પક્ષના અંતિમ દિવસોથી છેક મહારાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્રથી હજારો પદયાત્રીઓ માથું નમાવવા આવે છે. તો સુરત, અમદાવાદ, મોરબી, જામનગર, રાજકોટ, વાગડ જેવા વિસ્તારોમાંથી સંઘોએ પ્રયાણ કર્યો છે. તો એકલ - દોકલ કે સાયકલોથી માતાનામઢે જઈ રહ્યા છે. આ વખતે ચોમાસુ પણ સારો છે. ભાદરવાના આકરા તાપ વચ્ચે આંખોને ઠારતી લીલક સાથે જય માતાજીના નાદ સાથે પદયાત્રી આગળ વધી રહ્યઠા છે. સૌથી વિશેત ચિંતા પદયાત્રીઓની સલામતીની હોય છે. તો નખત્રાણા પ્રાંત સુરજ સુથારે બેઠક બોલાવીને સ્વચ્છતાનો મુદ્દો પણ ઉપાડયો છે ત્યારે જિલ્લા વહીવટી તંત્રથી લઈને સંસ્થાઓ કેટલાય યુવા જુથો, ગ્રા.પં. પહેલ કરીને રસ્તા પર કે ગામ - સીમમાં ગદકી ન ફેલાય તે જોવા બીડું ઝડપ્યું છે. તેમાં પદયાત્રીઓ પણ સહયોગ આપે અને સ્વચ્છતામાં પ્રભુતા જળવાય તે જરૂરી છે. તો સલામતીનો મુદ્દો પણ છે. પોલીસ દ્વારા રીફલેકટર આપવાની આવકાર્ય કહી શકાય. પદયાત્રા હજુ પરાકાષ્ટાએ હવે પહોચશે. અને ત્રીજા - ચોથા નોરતા સુધી ધસારો રહેશે. એ દરમ્યાન સૌ કોઈ સુરક્ષાની તકેદારી રાખે એ જરૂરી છે. વાહન ચાલકોએ ગતિ નિયંત્રણમાં રાખીને વાહન ચલાવવા જોઈએ. સફેદ રગના વસ્ત્રો પહેરવા જોઈએ. રીફલેકટર્સ લગાડવા જોઈએ. રસ્તાની પડખે ચાલવુ જેવું શિસ્ત રાખવું જોઈએ.
...............

Comments