ભુજને ફરતે નિર્માણ પામેલા રીંગરોડના નવિનીકરણ આડેનું હટ્યું ગ્રહણ
આખરે બે દાયકા બાદ લેવાશે દરકાર
ભુજ વિધાનસભા વિસ્તારના જાગૃત અને પ્રજાવત્સલ ધારાસભ્ય કેશુભાઈ પટેલે રાજ્ય સરકાર સમક્ષ મૂકેલી દરખાસ્તને સકારાત્મક પ્રતિસાદ : સ્ટેટ માર્ગ અને મકાન વિભાગને ભુજના રીંગરોડની સોંપાશે જવાબદારી : દર ૭ વર્ષે રિસર્ફેસીંગ અને સુધારણાની કામગીરી થશે’
ભુજ : વર્ષ ર૦૦૧માં કચ્છમાં આવેલા મહા વિનાશકારી ભૂકંપથી જિલ્લા મથક ભુજ ધ્વંશ થયું હતું. તત્કાલિન કેન્દ્રની અટલ બિહારી બાજપેયી સરકાર અને ગુજરાત સરકારના પ્રયાસો થકી ભુજમાં પુનર્વસનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભુજ શહેરને ગીચાથી મુક્ત કરવા નવી રિલોકેશન સાઈટના નિર્માણ સાથે શહેરનો વ્યાપ વધારવામાં આવ્યો હતો. ઉપરાંત ભુજ શહેરને ફરતે રીંગરોડની રચના કરવામાં આવી હતી. ર૦ વર્ષ અગાઉ બનેલા રીંગરોડની હાલત હાલે ક્ષતિગ્રસ્ત બની છે. મોટાભાગના રીંગરોડ પર ખાડાઓ સમસ્યાનું કારણ બન્યા છે ત્યારે બે દાયકા બાદ ભુજ શહેરને ફરતે ગોઠવાયેલા રીંગરોડ નવા વાઘા ધારણ કરે તેવા સંકેતો સાંપડી રહ્યા છે. આ રસ્તા ઉપર માત્ર કોઈ મંત્રી કે અન્ય કોઈ આવે માત્ર મલમપટ્ટી કરી દેવામાં આવતી હતી.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભૂકંંપ બાદ ભુજ શહેરને ટ્રાફિકની સમસ્યાથી મુક્ત રાખવા પહોળા રીંગરોડનુ નેટવર્ક બિછાવવામાં આવ્યું હતું. વર્ષ ર૦ર૪માં બનેલા રીંગરોડ આજે ભુજવાસીઓના આવાગમનનું મુખ્ય સાધન બની ગયા છે, પરંતુ બે દાયકાઓ અગાઉ નિર્માણ પામેલા રીંગરોડ સમયની થપાટો સાથે એ જર્જરીત થયા છે અને સુધારણા ઝંખી રહ્યા છે, પરંતુ રીંગરોડની સુધારણાની જવાબદારીની વિવિધ તંત્રો વચ્ચે ફેંકાફેંક થતાં બે દાયકા સુધી રીંગરોડની કોઈ દરકાર લેવામાં આવી નથી.ભુજ વિધાનસભાના ધારાસભ્ય કેશુભાઈ પટેલે રીંગરોડની સુધારણા માટેની દરખાસ્ત રાજ્ય સરકાર સમક્ષ મૂકી હતી. ભુજના રીંગરોડની જવાબદારી સ્ટેર્ટ માર્ગ અન મકાન વિભાગને સોંપી દર ૭ વર્ષે રીંગરોડ નવા બને તે અંગે વિસ્તૃત દરખાસ્ત મૂકી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકારે ભુજના ધારાસભ્યની દરખાસ્તને સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે કચ્છ ઉદય સાથે વાતચીતમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, ભુજ શહેરને ફરતે આવેલા રીંગરોડ ભુજવાસીઓ માટે ઉપયોગી સાબિત થયા છે. શહેરના તમામ રીંગરોડ લોકો માટે અવરજવરનુંં સૌથી સગવડભર્યું માધ્યમ છે, પરંતુ તેની સુધારણા અંગે કોઈ ચોક્કસ પ્લાનિંગ ન હોવાથી છેલ્લા બે દાયકાથી રીંગરોડની સુધારણાનું કામ અધ્ધરતાલ રહ્યું હતું. રાજ્ય સરકાર સમક્ષ તેમણે રીંગરોડની જવાબદારી સ્ટેટ માર્ગ અને મકાન વિભાગને સોંપી તાત્કાલિક ધોરણે નવા રીંગરોડ બનાવવા અને દર ૭ વર્ષે રીંગરોડનું રિસર્ફેસીંગ કરવામાં ઓવી તેવી ખરખાસ્ત રજૂ કરી હતી. મુખ્યમંત્રીએ તેમની દરખાસ્તનો સ્વીકાર કર્યો છે અને આગામી થોડા સમયમાં જ ભુજ શહેરની શોભા સમાન રીંગરોડનું નવિનીકરણ કામ હાથ ધરાશે તેવું તેમણે વધુમાં
ઉમેર્યું હતુું.
..................
થીગડામાંથી મળશે મુક્તિ
ભુજ શહેરમાં અવરજવરનું મુખ્ય માધ્યમ બની ગયેલા રીંગરોડની બે દાયકા દરમ્યાન પુરતી દરકાર લેવાઈ નથી. દર વર્ષે ચોમાસાના વરસાદમાં માર્ગનું ધોવાણ થતાં તંત્ર દ્વારા રીંગરોડ પર જરૂરી પેચવર્ક કરી ગાડું ગબડાવવામાં આવ્યું છે. મોટા ભાગના રીંગરોડ સુધારણા ઝંખી રહ્યા છે. શહેરવાસીઓ પણ લાંબા સમયથી મુખ્યમાર્ગો પર થીગડાના બદલે નવિનીકરણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. રીંગરોડનું નવિનીકરણ થતાં થીગડામાંથી મુક્તિ મળશે તેવો આશાવાદ ભુજવાસીઓ સેવી રહ્યા છે.

Comments