રાજય સરકાર અંગ્રેજો જેવી ‘ભાગલા પાડો’ની માનસિકતા ત્યજે
કચ્છના વિભાજનના વિરોધનો વંટોળ
કચ્છના રાપર તાલુકાને અન્ય સુચિત નવા જિલ્લામાં ભેળવવાની વિચારણા સામે વ્યાપક વિરોધના ઉઠ્યા સૂર
ઝાલાવાડની સંસ્કૃતિને નષ્ટ કર્યા બાદ હવે કચ્છની સંસ્કૃતિને ખત્મ કરવાની પેરવી : બાબુભાઈ મેઘજી શાહ (પૂર્વ નાણામંત્રી)
વહીવટી સરળતા માટે કચ્છને બે જિલ્લામાં વિભાજન કરો : રાપરનું કચ્છથી વિભાજન અસ્વીકાર્ય : તલકશી નંદુ
વાગડ જૈન સમાજ વિભાજનને સાંખી લેશે નહીં : ધીરજલાલ પુંજ
કચ્છના હૃદય સમાન રાપરને અલગ પાડવાની વાત અયોગ્ય : અંતિમ શ્વાસ સુધી રાપરને બચાવી લેવા લડત કરશું : બચુભાઈ આરેઠીયા
ભૌગોલિક કે સાંસ્કૃતિક દ્રષ્ટીએ રાપર એ માત્ર કચ્છનું અભિન્ન અંગ : લક્ષ્મીચંદ ચરલા
ભુજ : રાજ્ય સરકાર દ્વારા ત્રણ નવા જિલ્લા બનાવવાની વિચારણા કરવામાં આવી રહી છે. જેમાં કચ્છ જિલ્લાનું વિભાજન કરી રાપર તાલુકાને સૂચિત રાધનપુર કે થરાદ જિલ્લામાં સમાવેશ કરવાના સંકેત મળતાની સાથે જ વાગડ સહિત કચ્છભરમાંથી વ્યાપક વિરોધના સૂર ઉઠી રહ્યા છે. કચ્છ સાથે ભૌગોલિક અને સાંસ્કૃતિક રીતે જોડાયેલા રાપર તાલુકાને અન્ય જિલ્લામાં ભેળવવાની હિલચાલનો રાજકીય, સામાજીક સહિતના મોરચે વિરોધ ઉઠી રહ્યો છે. વાગડના રાજકીય અગ્રણીઓ, સામાજીક સંગઠનોએ વિભાજન કરી કચ્છના ટુકડા ન થવા જોઈએ તેવો સ્પષ્ટ અભિપ્રાય વ્યકત કર્યો છે.
વાગડના દિગ્ગજ રાજકારણી, કચ્છના અભ્યાસુ અને રાજયના પૂર્વ નાણામંત્રી બાબુભાઈ મેઘજી શાહે જિલ્લાના વિભાજન કરવાની પ્રક્રિયાને ભાજપની અંગ્રેજો જેવી ભાગલા પાડો અને રાજ કરોની નીતિ સાથે સરખાવી હતી. ખાસ વાતચીતમાં પૂર્વ નાણામંત્રીએ જણાવ્યું હતું કે, કચ્છનું વિભાજન કોઈપણ સંજોગોમાં સાંખી લેવાશે નહીં. રાપર તાલુકો કચ્છના કૃષિ ક્ષેત્રે સૌથી મહત્વનો તાલુકો છે. કચ્છના રવિપાકનું ૪૦ ટકા ઉત્પાદન એક માત્ર રાપર તાલુકામાં જ થાય છે. ૧૯૯૭માં જિલ્લા વિભાજનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજયના ર૩ જિલ્લાઓમાંથી ર૬ જિલ્લા બનાવવામાં આવ્યા હતા.
હાલે રાજયમાં કુલ્લ ૩૬ જિલ્લાઓનું અસ્તિત્વ છે. હાલે જિલ્લા વિભાજનની કોઈ જરૂરીયાત નથી પરંતુ ભાજપ માત્ર રાજકીય કારણોસર તે દિશામાં વિચારણા કરી રહ્યું છે. અગાઉ પણ મોરબી જિલ્લાની રચના કરી ભાજપાએ ઝાલાવાડની સંસ્કૃતિને ખતમ કરી દીધી હતી. હવે ભાજપ રાજકીય લાભ માટે કચ્છની આગવી ઓળખ, અસ્મિતા અને સંસ્કૃતિને તોડવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જેને કચ્છ કદાપી સાંખી લેશે નહીં. ગુજરાત જ નહીં દેશના જે રાજયોમાં ભાજપનું શાસન છે તેવા તમામ રાજયોમાં ભાજપ પોતાના રાજકીય લાભ માટે જિલ્લા વિભાજન કરી રહ્યું છે. ભાજપ અંગ્રેજોની માનસિકતાનું ગુલામ બની કચ્છની આગવી ઓળખને નષ્ટ કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. ત્યારે તેનો સખત વિરોધ કરવો જરૂરી છે. ચૂંટાયેલા જન પ્રતિનિધિઓએ પણ આ મુદ્દે મૌન બની રહેવાના બદલે વિભાજન અટકાવવા આગળ આવવું જોઈએ તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.
વાગડના જાણીતા સમાજ સેવક વાગડ વીસા ઓસવાળ ચોવીસી મહાજનના પૂર્વ પ્રમુખ લક્ષ્મીચંદ ચરલાએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાનું વિભાજન થઈ શકે જ નહીં. કચ્છ મોરબી અને સાંતલપુર સાથે ભૌગોલિક દ્રષ્ટીએ પણ અલગ છે. સમગ્ર કચ્છ જિલ્લો માત્ર ભૌગોલિક દ્રષ્ટિએ જ નહીં, સંસ્કૃતિની રીતે પણ આગવી ઓળખ અને અસ્મિતા ધરાવે છે. વહીવટી કારણોસર કચ્છ જિલ્લાનું પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છ એમ બે જિલ્લામાં વિભાજન કરી શકાય પરંતુ કચ્છના રાપરને અન્ય સુચિત જિલ્લામાં ભેળવવાની વાત વ્યવહારૂ દ્રષ્ટિએ પણ સદંતર અયોગ્ય છે. જો આવી કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તો કચ્છ - વાગડ જ નહીં પરંતુ મુંબઈ સ્થિત પાંચ લાખ વાગડવાસીઓ, મુંબઈનુ ટીમ વાગડ સંગઠન ઉગ્ર આંદોલન કરશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.રાપરના પૂર્વ ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા અને ઉદ્યોગપતિ બચુભાઈ આરેઠીયાએ જણાવ્યું હતું કે, રાપર એ કચ્છનું હૃદય છે. જો હૃદય જ કાઢી લેવાય તો કચ્છના પ્રાણ જ ન રહે. આજે રાપર અને વાગડવાસીઓ ગુજરાતના વિવિધ વિસ્તારો, મુંબઈ, મહારાષ્ટ્ર સહિત દેશના અન્ય વિસ્તારો કે વિદેશથી જયારે વતન આવતા હોય ત્યારે અમે કચ્છ જઈએ છીએ કહે છે, રાપર જઈએ છીએ તેવું કહેતા નથી. રાપરને કચ્છથી અલગ પાડવાની કોઈપણ હિલચાલ સાંખી લેવાશે નહીં. રાપરને કચ્છ સાથે જોડેલું રાખવા અંતિમ શ્વાસ સુધી લડત કરવાની પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી. વાગડ વેલ્ફેર હોસ્પિટલના પ્રમુખ તલકશીભાઈ નંદુએ વાગડના રાપર તાલુકાને અન્ય જિલ્લામાં ભેળવી દેવાની હિલચાલનો સખત શબ્દોમાં વિરોધ કરતા જણાવ્યું હતું કે, વાગડના ગુર્જર જૈન સમાજ અને વીસા ઓસવાળ જૈન સમાજના વ્યવહારો માત્ર રાપર અને ભચાઉ એમ વાગડના બે તાલુકાઓ સાથે જ છે. રાપરનું વિભાજન વાગડ જૈન સમાજ કોઈપણ સંજોગોમાં સ્વીકારશે નહીં. જો વહીવટી સરળતા ખાતર વિભાજન કરવું હોય તો કચ્છનું પૂર્વ અને પશ્ચિમ એમ બે જિલ્લામાં વિભાજન કરી શકાય. રાપરના લોકોને વહીવટી કાર્યો માટે રાધનપુર જવાનું પાલવે નહીં. સરકારે આ વિચારણાને પડતી મુકવી જોઈએ તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.વાગડ સાત ચોવીસી જૈન સમાજના પૂર્વ પ્રમુખ ધીરજલાલ પુંજે સ્પષ્ટ અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે, રાપરને કચ્છથી અલગ કરવાની વાત જૈન સમાજ માટે કદાપી સ્વીકાર્ય રહેશે નહીં. અનેક રાપરવાસીઓના ધંધા રોજગાર કચ્છના અંજાર, આદીપુર, ગાંધીધામ કે ભુજ જેવા અન્ય શહેરોમાં આવેલા છે તેમની પૈતૃક મિલકતો વગેરે વાગડમાં આવેલી છે તેમણે રાપરને કચ્છથી અલગ કરવાની વિચારણાને અયોગ્ય ગણાવી વિરોધ વ્યકત કર્યો હતો. રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ કચ્છના રાપર તાલુકાને થરાદ કે રાધનપુર જિલ્લામાં ભેળવી દેવાની વિચારણાને વખોડતા જણાવ્યું કે, કચ્છને લગતો કોઈપણ નિર્ણ પ્રજાની સહમતી વગર લેવો ન જોઈએ. કચ્છ એ માત્ર એક જિલ્લો જ નહીં પણ એક પ્રદેશ છે જે આગવી ખાસિયત અને સંસ્કૃતિ ધરાવે છે. તેના ભૂ-ભાગનું કોઈપણ સંજોગોમાં વિભાજન થઈ ન શકે. રાજ્ય સરાકર કક્ષાએથી આ બાબતે સ્પષ્ટીકરણ થવું જોઈએ તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે રાપર તાલુકો વિસ્તારની દૃષ્ટીએ મોટો હોવાથી તાલુકામાંથી આડેસર અને બાલાસર એમ બે તાલુકા બનાવવામાં આવે તેવી લાગણી પણ વ્યક્ત કરી હમતી. રાપરની વેપારી સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની યાદીમાં જણાવ્યું હતું કે, રાપરના આર્થિક અને સામાજિક વ્યવહારો કચ્છ સાથે જોડાયેલા છે. જેથી રાપરનું વિભાજન સ્વિકાર્ય નથી. રાપર તાલુકા કોંગ્રેસના પ્રમુખ ભીખુભાઈ સોલંકીએ રાપરને અલગ કરી અન્ય સૂચિત જિલ્લામાં સમાવેશ કરવાની બાબતને કચ્છ માટે આઘાતજનક ગણાવી હતી. વાગડની ખાસ ઓળખ છે જે કચ્છ સાથે લાગણીના સંબંધથી જોડાયેલ છે. વ્યાપર ક્ષેત્રે પણ રાપરનો વ્યવહાર કચ્છ સાથે જોડાયેલો છે. જાણીતા કથાકાર આચાર્ય નવલશંકર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, વાગડનો રાપર તાલુકો કચ્છનું અભિન્ન અંગ છે. રાજ્યના કેટલાક શહેરોને તાલુકા અને જિલ્લાનું બિરૂદ મળી રહ્યું છે જે આનંદની વાત છે પરંતુ કચ્છ જિલ્લાનું વિભાજન થયું ન જોઈએ અને કચ્છ અખંડ રહેવું જોઈએ તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. રાપર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમરતબેન વાલજી વાવીયાએ કચ્છની અસ્મિતાને અકબંધ રાખવાની લાગણી વ્યક્ત કરી રાપરને કચ્છથી અલગ કરવાની કોઈપણ વિચારણા તાત્કાલિક બંધ કરાવવા વડાપ્રધાન મોદીને રજૂઆત કરી હતી.
.......................
રાપરને કચ્છથી અલગ કરવાની કોઈ વિચરણા નથી
કચ્છના સંસદસભ્ય વિનોદભાઈ ચાવડાને
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપી ખાતરી
ભુજ : ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ૩ નવા જિલ્લા બનાવવાની પ્રક્રિયા અંતર્ગત કચ્છના રાપર તાલુકાના અન્ય સૂચિત જિલ્લામાં ભેળવી દેવાના અહેવાલોના પગલે વાગડ સહિત કચ્છવાસીઓમાં ભારે ઉચાટ ફેલાયો હતો ત્યારે કચ્છના સંસદસભ્ય વિનોદભાઈ ચાવડાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટઠેલ સાથે આ અંગે વાતચીત કરતા મુખ્યમંત્રીએ રાપરને કચ્છથી વિખુટું પાડવાની કોઈ વિચારણા ન હોવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથેની મુલાકાતમાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ કચ્છ-વાગડમાં ફેલાયેલા ઉચાટથી મુખ્યમંત્રીને વાકેફ કરાવ્યા હતા. મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે, કચ્છ અખંડ જ રહેશે અને રાપર કચ્છમાં જ રહેશે. રાપરને નવા સૂચિત જિલ્લામાં ભેળવી દેવાની માત્ર હવામાં છે. રાજ્ય સરકારની આવી કોઈ વિચારણા ન હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રીએ આપેલી ખાતરી બાદ હવે ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકાઈ જશે.

Comments