અંજાર ખાતે ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને એક મીટીંગ નાયબ કલેક્ટરની ઓફિસ મધ્યે મળી
અંજાર : અંજાર ખાતે વરસામેડી રોડમાં અંડર ગ્રાઉન્ડ બ્રિજ બની રહ્યો છે તેના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતા તેના નિરાકરણ માટે ધારાસભ્ય ત્રિકમભાઈ બી. છાંગા ના અધ્યક્ષ સ્થાને એક મીટીંગ નાયબ કલેક્ટર ની ઓફિસ મધ્યે મળી હતી.જેમાં નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી, મંત્રી વસંતભાઈ કોડરાણી, શહેર ભાજપ પ્રમુખ શ્રી ડેનીભાઇ શાહ, ડી.વાય.એસ.પી. શ્રી ચૌધરી, પી.આઈ. શ્રી ગોહિલ, મામલતદાર શ્રી આર. આર. ખંભારા, રેલ્વે વહીવટી તંત્ર, નર્મદા નિગમ, આર. એન. બી., નેશનલ અને તે હાઇવે ઓથોરિટી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ સમસ્યા અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ એક વૈકલ્પિક વ્યવસ્થા એપીએમસી બાજુમાં આવેલ સીતારામ પરિવારથી યાદવ નગર ના રસ્તેથી ટ્રાફિક આવન જાવન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવા તેમજ નગરપાલિકાને રેલવે સાથે સંકલન કરી સત્વરે આ વ્યવસ્થા શરૂ કરવા ધારાસભ્ય શ્રી તરફથી સૂચના આપવામાં આવેલી. તદુપરાંત સરદાર સરોવરની કેનાલ ની બંને તરફ જે માર્ગો છે તે માર્ગોને સત્વરે સુધારવા માટે નર્મદા નિગમને સૂચના આપવામાં આવી હતી. નેશનલ હાઈવે ઓથોરિટી ને સતાપર પાસે માર્ગ સુધારણા માટે સુચના આપવામાં આવેલી.ધારાસભ્ય શ્રી દ્વારા વધુમાં પીક અવરમાં ટ્રાફિકને કંટ્રોલ કરવા તથા સ્કૂલ જતા બાળકોના આવન જાવન સમયે ખાસ સંભાળ રાખવા પોલીસ બંદોબસ્ત જાળવી રાખવા અને રેલ્વે વિભાગને આ કામ શક્ય હોય તેટલું ઝડપી પૂરું કરવા સૂચન કરેલ.નગરપાલિકા દ્વારા તા.૨૭ સપ્ટેમ્બર થી સીતારામ
પરિવાર વાળા માર્ગની સફાઈ પણ શરૂ કરવામાં આવશે તેવું વધુમાં ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું.

Comments