Trending News
સ્થાનિક સમાચાર

જળસંકટ બનશે ભૂતકાળ : ભુજ શહેરને ધુનારાજા ડેમમાંથી વિતરણ થશે પાણી 

27 September

જાગૃત ધારાસભ્ય કેશુભાઈ પટેલની રજૂઆત ફળી 




ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલની દરખાસ્તને રાજ્ય સરકાર અને નર્મદા નિગમ દ્વારા મંજૂરી અપાઈ : નર્મદાના નીરથી ધુનારાજા ડેમ ભરાશે : અંદાજીત પાંચ કરોડના ખર્ચે ધુનારાજાથી ૭ કિલોમીટર લાંબી લાઈન નખાશે : શહેરને ગ્રેવીટીફોર્સથી પાણી મળતાં નગરપાલિકા પરથી ખર્ચનું ઘટશે ભારણ 




ભુજ : મહાનગરપાલિકા બનવા ભણી અગ્રેસર કચ્છના જિલ્લા મથક ભુજમાં પાણીએ શહેરીજનો માટે હંમેશા સંકટનું કારણ બની રહે છે. ચોમાસામાં સામાન્ય વરસાદ બાદ ત્યાં ઠેર ઠેર જળભરાવથી પરેશાન થતા ભુજવાસીઓ વર્ષભર નગરપાલિકાની ખાડે ગયેલી પાળી વિતરણ વ્યવસ્થાના કારણે પાણી માટે ઝઝુમતા રહે છે, ત્યારે ભુજમાં પાણીની સમસ્યા હંમેશા માટે ભૂતકાળ બની જાય તેવા ઉત્તમ સંજોગો સર્જાયા છે. હાલે માત્ર નર્મદા આધારીત બની ગયેલી ભુજ શહેરની પાણી વિતરણ વ્યવસ્થામાં ધુનારાજા ડેમ દ્વારા ગ્રેવીટીથી શહેરમાં પાણી વિતરણ કરવાની યોજના મૂર્તિમંત થવા જઈ રહી છે. ભુજ શહેરને કાયમી ધોરણે પાણીની સમસ્યાથી મુક્તિ અપાવવા ભુજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલે રાજ્ય સરકાર સમક્ષ કરેલી ધારદાર રજૂઆતોના સકારાત્મક પરિણામો મળ્યા છે. રાજ્ય સરકારે ભુજ શહેરને ધુનારાજા ડેમમાંથી પાણી વિતરણ કરવાની યોજનાને મંજૂરી આપી છે. આ ઉપરાંત ધુનારાજા ડેમને નર્મદાના પાણીથી ભરવાની દરખાસ્ત પણ મંજૂર કરી છે. આવનાર થોડા જ દિવસોમાં ભુજવાસીઓને ધુનારાજા ડેમમાંથી ગ્રેવીટીથી પાણી વિતરણ કરવામાં આવશે, જેના કારણે ભુજ સુધરાઈને પણ મોટો લાભ થશે. ધારાસભ્ય કેશુભાઈ પટેલે ‘કચ્છ ઉદય’ સાથેની વાતચીતમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભુજ શહેરને પાણીની સમસ્યામાંથી કાયમી છુટકારો મળી શકે તે માટેની રજૂ કરવામાં આવેલી તેમની દરખાસ્તને મંજૂરી આપી છે. નર્મદા નિગમ દ્વારા ભુજ નજીકના ધુનારાજા ડેમને નર્મદાના નીરથી ભરી ડેમમાંથી ભુજ શહેરને પાણી પહોંચાડવામાં આવશે. હાલે ભુજ શહેરમાં નર્મદાની પાઈપલાઈન મારફતે આવતું પાણી વિતરણ કરવામાં આવે છે. નજીકના જ ભૂતકાળમાં બે વખત નર્મદાની લાઈનમાં ક્ષતિ થતાં દિવસો સુધી ભુજની જનતાને પાણી માટે વલખા મારવાની ફરજ પડી હતી, પરંતુ હવે ભુજની પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે.  ધુનારાજા ડેમથી ભુજ સુધીની લાઈન તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અંદાજીત ૪થી પ કરોડના ખર્ચે યોજના કાર્યાન્વિત થયા બાદ ભુજની પાણી વિતરણ વ્યવસ્થા માત્ર નર્મદાની પાઈપલાઈનના આધારે રહેશે નહીં. જેથી ભવિષ્યમાં જો નર્મદાની લાઈનમાં ભંગાણ સર્જાય તો પણ ભુજવાસીઓ ધુનારાજા ડેમથી નિયમિત પાણી મળતું રહેશે તેવું ધારાસભ્યશ્રીએ વધુમાં જણાવ્યું હતું.  અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં ભુજ નગરપાલિકા દ્વારા ભુજ શહેરને નર્મદાની લાઈન મારફતે મળતું પાણી વિતરણ કરવામાં આવે છે, પરંતુ લાઈનમાં ક્ષતિ સર્જાય છે, ત્યારે શહેરની પાણી વિતરણ વ્યવસ્થા અન્ય કોઈ વિકલ્પ ન હોતા દિવસો સુધી ઠપ્પ થઈ જાય છે. ભુજવાસીઓને મોંઘા દામ ખર્ચી ખાનગી ટેન્ડરો મંગાવવાની ફરજ પડે છે. પાણી વિતરણની વ્યવસ્થા સુધરાઈના શાસકો માટે હંમેશા શરદર્દ સમાન રહી છે, ત્યારે જાગૃત ધારાસભ્યશ્રીના પ્રયાસો થકી સુધરાઈ તંત્રના સૌથી વિકટ પ્રશ્નનો સકારાત્મક કાયમી ઉકેલ આવી જશે, જેનો લાભ ન માત્ર વર્તમાન શાસકો પણ આવનાર  બોડીઓને પણ મળતો રહેશે. 

Comments

COMMENT / REPLY FROM